Abtak Media Google News

અમદાવાદ અને બોટાદથી આવેલા સોનાના પાર્સલ આંગડીયા પેઢીમાંથી ડીલીવરી મેળવી પેમેન્ટ ન ચુકવ્યું

સોની બજારના અક્ષર ગોલ્ડના સંચાલક સહિત બે સામે નોંધાતો ગુનો

સોની બજારમાં માંડવી ચોકમાં આવેલી આર મહેન્દ્રકુમાર આંગડીયા પેઢીમાંથી અક્ષર ગોલ્ડ પેઢના સંચાલક  અને તેના માણસે રુા.28.44 લાખના સોનાના બે પાર્સલની ડીલીવરી મેળવી પેમેન્ટ ન ચુકવી ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના લાઠી ગામે સિવિલ હોસ્પિટલ પાસે રહેતા રાજૈન્દ્રસિંહ લાબજી રાજપૂતે રાજકોટ સોની બજારમાં શુભ લક્ષ્મી કોમ્પલેક્ષમાં અક્ષર ગોલ્ડ નામની પેઢી ધરાવતા કિરણભાઇ પ્રકાશભાઇ ફીચડીયા અને તેના માણસ કિરીટભાઇએ રુા.28.44 લાખના પાર્સલની ડીલીવરી મેળવી પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી કર્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજેન્દ્રસિંહ રાજપૂતની રાજકોટમાં માંડવી ચોક ખાતેની આર મહેન્દ્રકુમાર નામની આંગડીયા પેઢી છેલ્લા બે વર્ષથી જયસિંગ નાગજી રાજપૂત સંભાળે છે. ગત તા.29 માચે અમદાવાદ  ખાતેના ઝવેરાત ઓર્નામેન્ટનું એક પાર્સલ આવ્યું હતું આ પાર્સલ અક્ષર ગોલ્ડવાળા કિરણભાઇ પ્રકાશભાઇ ફીચડીયાને આપવાનું હતું. આથી રાજેન્દ્રસિંહ રાજપૂતે કિરણભાઇ ફીચડીયાની સાથે મોબાઇલમાં વાત કરતા તેઓએ પોતાના માણસ કિરીટને મોકલી આર.મહેન્દ્રકુમાર આંગડીયા પેઢીમાંથી રુા.19.87 લાખનું પાર્સલ મેળવી તેનું પેમેન્ટ બાકી રાખ્યું હતું. ત્યાર બાદ ગત તા.3 એપ્રિલના રોજ બોટાદ ખાતેથી રુા.8.57 લાખના સોનાનું પાર્સલ આવ્યું હતું. ત્યારે પણ કિરણભાઇ ફીચડીયાનો માણસ પાર્સલનું પેમેન્ટ બાકી રાખી લઇ ગયો હતો.

અમદાવાદ અને બોટાદના સોનાના પાર્સલના રુા.28.44 લાખના સોનાના પાર્સલનું પેમેન્ટ લાંબો સમય થવા છતા કિરણભાઇ ફીચડીયા આપતા ન હતા અને ગત તા.15 એપ્રિલના રોજ અક્ષર ગોલ્ડ ખાતે તપાસ કરી ત્યારે કિરણભાઇની દુકાન બંધ હતી તેમજ તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ હોવાથી કિરણ ફીચડીયા અને તેના માણસ કિરીટે રુા.28.44 લાખની છેતરપિંડી કર્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. કે.કે.પરમાર સહિતના સ્ટાફે બંને સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.