Abtak Media Google News

પડદા ઉપર સ્વિમ સૂટ પહેરનાર તે બોલીવુડની પ્રથમ અભિનેત્રી હતી, જો કે બાદમાં આવેલી ‘બારીશ’ ફિલ્મમાં પણ તેને બોલ્ડ સીન આપ્યા હતા: રેકોર્ડબ્રેક પાંચ ફિલ્મ ફેર એવોર્ડ મલ્યા હતા

તે સુંદર ગાયીકા સાથે સફળ અભિનેત્રી હતી, 1975 પછી તેણે સૌદાગર, અનુરાગ, મે તુલશી તેરે આંગન કી, સાજન બીન સુહાગન જેવી ઘણી ફિલ્મોમાં નૂતને ચરિત્ર ભૂમિકા ભજવી હતી

સિધ્ધીનાં અનેક શિખરો સર કરનારી અભિનેત્રી નૂતન સુંદર સ્મિત ધરાવતી ઊર્મિ પ્રધાન અભિનેત્રી હતી. જાણીતી ફિલ્મ અભિનેત્રી શોભના સમર્થ અને ફિલ્મ નિર્માતા કુમાર સેન સમર્થની પુત્રી હતી. તેમની બહેન તનુજા પણ અભિનેત્રી હતી. જાણિતી અભિનેત્રી કાજોલના તે માસી થાય છે. નૂતનનો પુત્ર મોહનીશ બહલ પણ ફિલ્મ અભિનેતા છે. જે જુન 1936ના રોજ જન્મેલ નૂતન 21 ફેબ્રુઆરી 1991ના રોજ બ્રેસ્ટ કેન્સરને કારણે મૃત્યું થયું હતું. તેમનાં દાદી રતનબાઇ શિલોત્રી પણ મરાઠી ફિલ્મો સાથે જોડાયેલા હતા.

બોલીવુડમાં સૌથી વધુ ફિલ્મ ફેર એવોર્ડ જીતવાનો શ્રેય તેમના નામે છે. તેમનો રેકોર્ડ અભિનેત્રી કાજોલે છ ફિલ્મ ફેર મેળવીને રેકોર્ડ તોડ્યો હતો. આ એવોર્ડ વખતે કાજોલે જણાવેલ કે માસી નૂતને મેળવેલા આદરની ઊંચાઇએ તે ક્યારેય ન પહોંચી શકે. મમ્મી શોભના સમર્થ સાથે નુતનને અનબન ઘણા વર્ષો રહી જો કે અંતિમ વર્ષોમાં મા-દિકરીને બહુ જ ભળતું હતું. નુતને માત્ર 19 વર્ષની વયે બલરાજ સહાની સાથે ફિલ્મ ‘સીમા’માં અભિનેત્રી તરીકે ચમક્યા બાદ અંતિમ દિવસો સુધી નૂતનની અભિનય કારકિર્દીનો અસ્ત થયો ન હતો.

નૂતનની સફળ ફિલ્મોમાં તેરે ઘર કે સામને, પેઇંગ ગેસ્ટ, સુજાતા, છલિયા, બંદિની, મિલન, સરસ્વતી ચંદ્ર, મેરી જંગ, કર્મા જેવી અનેક સફળ ફિલ્મો હતી. નુતનના જમાનામાં તે એકમાત્ર અભિનેત્રી હતી જે 23 વર્ષે પરણીને બોલીવુડમાં સક્રિય અભિનેત્રી ચાલુ રહી હતી. 42 વર્ષની વયે તેમને પાંચમો ફિલ્મ ફેર ‘મેં તુલશી તેરે આંગન કી’ માટે મળ્યો હતો. ફિલ્મ સરસ્વતી ચંદ્રમાં તેમના અભિનયને કારણે ફિલ્મને ચાર ચાંદ લાગી ગયા હતા. નૂતન સમગ્ર ચાહક ગણને તેમની વહેલી વિદાય ભારે વસમી લાગી હતી. નુતન બોલીવુડની ખરા અર્થમાં ‘નૂતન’ હતી.

1951માં રિલીઝ થનારી પોતાની ફિલ્મને ‘એ’ પ્રમાણપત્ર મળેલ હોવાથી ટોકીઝના સંચાલકોએ તેમને સિનેમામાં પોતાની જ ફિલ્મ જોવા માટે અટકાવ્યા હતા. આ ફિલ્મ ‘નગીના’ નૂતનની પહેલી જ ફિલ્મ હતી. આ વર્ષે નગીના અને હમલોગ બે ફિલ્મ આવી હતી પણ ખાસ સફળતા મળી ન હતી. આ ગાળામાં તેમની ગણના સામાન્ય દરજ્જાની અભિનેત્રી તરીકે થતી હતી. એ જમાનામાં ઊંચી, પાતળી અને લાંબી નુતન તેના દેખાવને કારણે અન્ય અભિનેત્રી કરતાં જુદી પડતી હતી. બાદમાં ‘સીમા’ ફિલ્મથી તેમની સફળ યાત્રા શરૂ થઇ જે ક્યારેય અટકી નહી. સીમાએ નૂતનને નંબર વન હિરોઇન બનાવી દીધી હતી. આ ફિલ્મમાં અપરાધના બોજ હેઠળ દબાયેલી આક્રમક યુવતીનું પાત્ર ભજવ્યું હતું. બાદમાં 1957માં ‘પેઇંગ ગેસ્ટ’ને 1958માં ‘દિલ્હી કા ઠગ’ જેવી બે હળવી ફિલ્મો એ નૂતનની નવી તાજગીનો અહેસાસ થયો. ફિલ્મ ‘દિલ્હી કા ઠગ’ ફિલ્મમાં સ્વિમસૂટ તેમના દ્રશ્યોએ જમાનામાં તહલકો મચાવી દીધો હતો. પછી 1958માં ગંભીર કથા બીજ વાળી ફિલ્મ ‘સોને કી ચિડીયા’માં તેમનો અભિનય સીમા ચિન્હ બની ગયો.

1955 થી 1958ના ત્રણ વર્ષના ગાળામાં વિવિધ સફળ ફિલ્મોને કારણે નૂતનની અભિનય શક્તિ નીખરી ઉઠી હતી. જેથી સફળને બોક્સ ઓફિસની શ્રેષ્ઠ ફિલ્મોએ તેમને મોટી સફળતા અપાવી જેમાં 1959માં આવેલી અનાડી અને સુજાતા ફિલ્મ ઘણી સફળ રહી હતી. આ ફિલ્મો બાદ તે ફિલ્મજગતની ગોલ્ડન એરા નંબર વન અભિનેત્રી બની.

1961માં પુત્ર જન્મ બાદ ફરી 1963માં દેવાનંદ સાથે ‘તેરે ઘર કે સામને’ ફિલ્મ સુપરહિટ પૂરવાર થઇ ગઇ. બિમલ રોયની ગંભીર વિષય પરની ફિલ્મ ‘બંદિની’ 1963માં આવી જેમાં ધર્મેન્દ્ર અને અશોક કુમાર સાથે શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. આ ફિલ્મ માટે તેને એવોર્ડ પણ મળ્યો હતો. પારિવારિક ફિલ્મોમાં નૂતનનો અભિનય સોળે કલાએ ખીલી ઉઠતો હતો. જેમાં ખાનદાન, મહેરબાન, સરસ્વતી ચંદ્ર અને મિલન જેવી અનેક ફિલ્મો સફળ રહી હતી. આ ફિલ્મો તેમને અનેક એવોર્ડ અપાવ્યા હતા. 1967-68 માં સતત બે વર્ષ મિલન અને પછી સરસ્વતી ચંદ્રએ તે જમાનાની મીનાકુમારી, વૈજયંતીમાલા જેવી ટોચની અભિનેત્રીની હરોળમાં તેમનું નામ ઉમેરાયું હતું.

નૂતને સૌદાગર (1973) અનુરાગ (1973) મે તુલશી તેરે આંગન કી (1978) અને આજ વર્ષે ‘સાજન બીન સુહાગન’ જેવી ફિલ્મોમાં સફળ ચરિત્ર ભૂમિકા ભજવી હતી. નૂતને તેની પ્રારંભિક કેરિયરમાં દિલીપકુમાર સાથે 1950માં ‘શિકવા’ ફિલ્મ કરી પછી વર્ષો બાદ 1986માં ‘કર્મા’ ફિલ્મમાં તે ફરી દિલીપકુમારની પત્નીનો રોલ ભજવીને ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. બાળપણમાં પંચગનીની સ્કુલમાં અભ્યાસ કરીને પછી સ્વિટ્ઝર્લેન્ડમાં હાયર એજ્યુકેશન મેળવ્યું હતું. વિદેશથી પરત ફરીને માત્ર 14 વર્ષની વયે ફિલ્મ ‘હમારી બેટી’માં બાળ કલાકાર તરીકે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ તેમની માતા શોભના સમર્થે જ ડિરેક્ટ કરી હતી.

પડકારજનક ભૂમિકામાં નુતનનો અભિનય ખૂબ જ નિખરી ઉઠતો હતો, જેને કારણે જ રેકોર્ડબ્રેક પાંચ ફિલ્મ ફેર એવોર્ડ મળેલ હતા. ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડ પણ આપેલો છે. જાણીતી લેખિકા લલિતા તામ્હાણેએ ‘નૂતન-અસે મી નસે મી’ પુસ્તક બહાર પાડ્યું હતું. તેમની યાદમાં ભારત સરકારે ટપાલ ટિકિટ જારી કરેલ હતી. તેમની ઉપર ફિલ્માંકન થયેલ તમામ ગીતો આજે પણ સાંભળવા-જોવા ગમે છે. નુતન તેના ‘અભિનય પ્રતિભા’ને કારણે બોલીવુડની સફળ અભિનેત્રી બની હતી. તેમની ફિલ્મોના પાત્રમાં તે સમાઇ જતી હતી. તેથી તે પાત્ર બહુ જ જીવંત બની જતું. તેમની ફિલ્મયાત્રા 1950 થી 1994 સુધી રહી હતી. તેમની છેલ્લી ફિલ્મ “ઇન્સાનીયત શાંતિદેવી” હતી. જે 1994માં રીલીઝ થઇ હતી.

પડદા ઉપર સ્વિમસૂટ પહેરનાર તે બોલીવુડની પ્રથમ નૂતને બોલ્ડ સીન આપ્યા હતા. નૂતને તેમની બોલ્ડ છબી ‘સુજાતા’ અને ‘બંદિની’ ફિલ્મમાં મર્મ સ્પર્શી અભિનય કરીને બદલી હતી.

માત્ર 19 વર્ષે બલરાજ સહાની સાથે ‘સીમા’ ફિલ્મમાં ચમકી

બોલીવુડની સૌથી સફળ અભિનેત્રીમાં નૂતનનું નામ મોખરે છે. માત્ર 16 વર્ષની વયે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતીને 19માં વર્ષે બલરાજ સહાની સાથે ‘સીમા’ ફિલ્મમાં અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. તે એકમાત્ર અભિનેત્રી હતી. જેનો પ્રારંભથી અંત સુધી અભિનય કારકિર્દીનો અસ્ત થયો ન હતો. માત્ર 54 વર્ષની વયે બ્રેસ્ટ કેન્સરને કારણે ફિલ્મી તખ્તા પરથી વિદાય લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.