Abtak Media Google News

જૂનાગઢ ગીર સોમનાથ સહિત જિલ્લાના બેરોજગારોને સરકારી નોકરી અપાવી દેવાના લાલચ આપી ખોટા નિમણુંક પત્રો પકડાવી દઈ 99 લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર ત્રણ ઇસમોને પ્રાંચી, જૂનાગઢ તથા કડી (મહેસાણા) ખાતેથી ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. કાનજીભાઇ વાળાના સગા ઘંટીયા ગામે આવેલ જયોતિબા ફુલે નામની એકેડમીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જતા હતા.

Advertisement

25 જેટલા નોકરી ઇચ્છુકો પાસેથી ઠગ ગેંગે રૂા.99 લાખ ખંખેરી લીધાની કબુલાત

એસ.પી.મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને એસ.ઓ.જી.એ કૌભાંડ પકડી પાડ્યું

પોતાના સંતાન માટે દોઢ વર્ષ પહેલા આ એકેડમીમાં પુછપરછ માટે જતા ત્યાં જેઠા ઉર્ફે સુભાષે પોતે આરોગ્ય ખાતામાં નોકરી કરતો હોય અને જયોતિબા ફુલે એકેડમીનો પ્રમુખ હોવાની વાત કરી કાનજીભાઈની પુત્રીને સરકારી નોકરી અપાવી દઇશ એવું કહી પોતાના મોબાઇલ ફોનમાં પોલીસની દોડની પરીક્ષામાં નાપાસ થયેલ યુવતિનો પાસ થયેલ સિકકાવાળો લેટર બતાવી વિશ્ર્વાસમાં લઇ પ્રથમ રૂપિયા 6 લાખની માંગણી કરી હતી. આખરે 3 લાખમાં નકકી કરી 1 લાખ રૂપિયા કાનજીભાઈ પાસેથી તેમજ તેમના સગા સબંધીના અન્ય 5 યુવાનો પાસેથી કુલ રૂપિયા 7 લાખ મેળવી લીધા હતા.

આ પછી ગત તા. 21 માર્ચના રોજ વેરીફીકેશન માટે ગાંધીનગરમાં ડો.જીવરાજ મહેતા, કર્મયોગી ભવનમાં જવાનું કહી પોતે અર્ટીગા ગાડી લઇને તમામને ગાંધીનગર લઇ જવામાં આવ્યા હતા અને સચિવાલય સેવા કારકુન, સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટ સંવર્ગ-3ની ભરતીનાં લેટર આપ્યા હતા. બાદમાં જુનાગઢ કલેકટર ઓફીસ મહેસુલ વિભાગનો નિમણુંક પત્ર આપી જૂનાગઢ કલેકટર ઓફીસ ખાતે તમામને લઇ જવામાં આવ્યા હતા. અને ચૌહાણને નિમણુંક પત્રો આપી દેવાનુ કહી ત્યાં તમામને ઉભા રાખી બન્નેએ કલેકટરના બંગલે મળવા જવાનું કહી ત્યાંથી બંને જતા રહેલ અને બાદમાં ફોનમાં બહાના બતાવવા લાગ્યા હતા.

જેના પગલે કાનજીભાઈએ પોતાના રૂપિયા પરત માંગતા તેઓએ બેંકના ચેક આપેલ જે ચેક રિર્ટન થયા હતા. આ સમગ્ર બાબતે સુત્રાપાડા પોલીસે ફરિયાદ નોંધી અને ગીર સોમનાથ એલસીબી, એસઓજી સહિતની વિવિધ ટીમોએ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચીના જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચુડાસમાં ઉ.વ.35 અને જૂનાગઢમાં મધુરમ, મંગલધામ સોસાયટીમાં રહેતા આર્મી એકસમેન હરસુખલાલ પુનાભાઇ ચૌહાણ,ઉ.વ.55 તેમજ મહેસાણા જિલ્લાના કડી ખાતે ગાર્ડન વિલા બ્લોક નં. 125માં રહેતા નિલકંઠકુમાર જયંતિલાલ પટેલ ઉર્ફે પિન્ટુ પટેલ, ઉ.વ.45 અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.જેઠા ઉર્ફે સુભાષ ચુડાસમા જામનગરનાં ગુનામાં ફરાર હતો.

આરોપી જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચુડાસમાએ જામનગરમાં આર્મીની ભરતી વખતે નકલી એડમીટ કાર્ડ બનાવ્યા હતા. જેના પગલે તેના વિરૂદ્ધ જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 465, 468, 484 હેઠળ ગુન્હો નોંધાયેલ હતો અને તે છેલ્લા પોણા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો.

ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જેઠા ઉર્ફે સુભાષ અને હરસુખલાલએ સાથે મળીને અલગ અલગ 25 યુવાનો, યુવતિઓના વાલી પાસેથી સરકારી નોકરી અપાવી દેવાના બહાને કુલ રૂપિયા 99 લાખ પડાવી અને પિન્ટુ પટેલ સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે કલાર્ક તરીકે નોકરી કરતો હોવાનું કહી ત્યાં ભોગ બનનાર યુવાનો, યુવતિઓ, વાલીઓ વગેરેને લઇ જઇ પોતાની લાગવગખુબ જ ઉંચા લેવલ સુધીની હોવાનો ડોળ કરી પૈસા પડાવી લીધેલ હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.

સર્ચમાં મુખ્યમંત્રીની ખોટી સહીઓ વાળા બનાવટી ભલામણ પત્રો સહિત દસ્તાવેજો મળ્યા જયોતિબા ફુલે એકેડમી અને જેઠા ઉર્ફે સુભાષ ચુડાસમાના ઘંટીયા ખાતેનાં મકાનમાંથી સર્ચ દરમ્યાન પોલીસને મુખ્યમંત્રીની ખોટી સહીઓ વાળા બનાવટી 3 ભલામણ પત્રો, મુખ્યમંત્રીની ખોટી સહીવાળા જમીન માપણી કરી આપવા અંગેનો અધિક મુખ્ય સચિવ અને ચેરમેન મહેસુલ વિભાગ ગાંધીનગરનો લખેલ બનાવટી ભલામણ પત્ર, જુનાગઢ કલેકટર કચેરીનો બનાવટી નિમણુંક પત્ર, એસબીઆઇ બેંક કલાર્કના બનાવટી 6 એપોઇન્ટમેન્ટ લેટર, આર્મીના બનાવટી 2 એપોઇન્ટમેન્ટ લેટર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર, ફરીયાદી અને અન્ય ભોગ બનનાર સાથે નાણાકીય લેવડ દેવડ (હાથ ઉછીના) સંબધિત સોગંદનામા, ફરીયાદી અને અન્ય ભોગ બનનારની કોરા કાગળ ઉપર સ્ટેમ્પ સાથે કરેલ સહીઓ સહિત બોગસ દસ્તાવેજો મળી આવતા કબ્જે લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.