Abtak Media Google News

છૂટાછેડાની કંકોત્રી ન હોય.

બસ થઇ જાય . લગ્નની કંકોત્રી હોય છે. સમાજને જણાવવાનું હોય છે કે અમે લગ્ન કર્યા છે.

પણ છૂટાછેડાની જાહેરાત લગ્નની જેમ નથી થતી.

પણ જાપાનમાં એક છૂટાછેડાવાળા યુગલે કંકોત્રી છપાવી.

આમ તો જાપાન ‚ઢિચુસ્ત દેશ ગણાય છે. ત્યાં આપણી જેમ લગ્ન. જનમ-જનમ કે ફેરે જેવું ગણાય છે. પણ હવે ત્યાં પણ નવો પવન વાયો છે. લગ્ન તો શાનથી કરે, છુટાછેડા પણ શાનથી !

આપણા સમાજમાં પણ બદલાવ દેખાવા માંડ્યો છે. હવે છૂટાછેડા કોઇ અજાણ્યો શબ્દ કે ઘટના નથી.

આજથી ચાલીસ-પચાસ વર્ષ પહેલાં છૂટાછેડા શબ્દ, શબ્દ કોશમાં હતો, પણ હકીકતમાં નહતો, લોકો લગ્ન તો કરતા હતા, પણ છૂટાછેડા લેતા ન હતાં. ‘પડ્યું પાનું નિભાવી લેવું’ આ કહેવત તેના કારણે જ આવી. છુટાછેડા લેવા હોય, પણ કાનૂની રીતે શક્ય કે સરળ નથી.

ધારો કે કોઇ યુવક પચ્ચીસ વરસે લગ્ન કરે. બે વર્ષે ખબર પડે કે આની સાથે નહીં ફાવે એટલે છૂટાછેડાની કાર્યવાહી શ‚ કરે….સત્યાવીસ વરસે શરુ કરેલી કાર્યવાહી એ સત્તાવન વર્ષનો થાય ત્યાં સુધી પણ ચાલતી હોય. પછી ક્યારે તે છૂટો થાય ? ક્યારે બીજું પાત્ર મેળવવા પ્રયત્ન કરે.

આ તકલીફના કારણે આપણે ત્યાં છૂટાછેડાના કિસ્સા ખાસ જોવા ન મળતા.

તમને સમાજમાં કુંવારા, પરણેલા, વિધુર (વિધવા) મળી રહે, પણ છૂટાછેડાવાળા, ટોર્ચ લઇને ગોતો તો પણ ન મળે.

તમારે કોઇ વ્રતનું ઉજવણું કરવાનું હોય, જેમાં કુંવારકા-બટુકો જમાડવાના હોય તો તુરત મળી રહે. સૌભાગ્યવતી મહિલાઓ જમાડવાની હોય તો ઢગલો મળી રહે, પણ જો કોઇ એવું વ્રત હોય કે જેમાં પાંચ છૂટાછેડાવાળી કે છૂટાછેડાવાળાને જમાડવા છે તો તે ન મળે. અત્યાર સુધી આ સ્થિતિ હતી. પરિવર્તનથી હવા લગ્ન પ્રથામાં પણ હવે જોવા મળે છે. હવે છૂટાછેડાનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે. જે જાપાનમાં થયું છે તે હવે આપણે ત્યાં પણ થશે. આપણે ત્યાં પણ છૂટાછેડાવાળા કે વાળી દેખાવા માંડ્યા છે.

તમે કોઇ સોસાયટીમાં મંગળભાઇનું ઘર શોધતા હોય તો તમે કોઇને પૂછો ‘મંગળભાઇનું ઘર ક્યાં ?’

પેલો પૂછે, ‘એમના વિષે બીજું કંઇ ?’

તમે કહો હમણાં જ એમના છોકરાએ છૂટાછેડા લીધા છે.

તો પેલો કહેશે ‘અમારી સોસાયટીમાં ત્રણ જણાને ત્યાં છૂટાછેડા થયેલા છે.’

હવે આ શક્ય છે. હવે લગ્નની જાહેરાતમાં પણ છૂટાછેડાવાળા દેખાવા માંડ્યા છે. તે ઉમેદવાર આગળ એક વિશેષણ ઉમેરાય છે નિર્દોષ, ડાયવર્સી છોકરો જેણે  ડાયવોર્સ લીધા છે તે પોતાને નિર્દોષ ડાવર્સી ઓળખાવશે અને જે મહિલાથી તે છૂટો પડ્યો છે તે પણ પોતાની જાહેરાતમાં પોતાને નિર્દોષ ડાયવર્સી તરીકે ઓળખાવે છે. નહીં તુજ મેં કોઇ દોષ દોષ……કવિએ આ લોકો માટે જ કદાચ કહ્યું હશે.

છૂટાછેડાને ઇજ્જત મળે તેવી ઘટનાઓ સમાજમાં બની રહી છે. છૂટાછેડાવાળાઓ કોઇ ખરાબ કામ તેમનાથી થયું હોય તેવું હવે અનુભવતા નથી. આ વિકાસના કારણે માતાનું ક્ધયાદાન કરનાર પણ મહિલા હવે જોવા મળે છે.

હવે છૂટાછેડામાં પણ લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. પેલો ફિલ્મી નાયક કહેતો હતો ને ‘જીતે હૈં શાન સે મરેંગે શાન સે’ લગ્નએ લગ્નજીવનનો જન્મ કહેવાય તો છૂટાછેડાએ લગ્નજીવનનું મરણ કહેવાય. જન્મની ઉજવણી થાય તો મરણની ઉજવણી પણ થાય ‘મરતે હૈ શાન સે….!’ હોલીવુડની એક અભિનેત્રીએ તેના છૂટાછેડામાં શાનદાર પાર્ટી આપી હતી. અલબત્ત તેમાં હું ગયો ન હતો, પણ એ સમાચાર મેં છાપામાં વાંચેલા….છૂટાછેડામાં શાનદાર પાર્ટી આપી શકાય તેવો એક કિસ્સો જાણમાં છે. ઓલ ટાઇમ ગ્રેટ ગોલ્ફનો ખેલાડી ટાઇગર વૂડે છૂટાછેડા માટે પત્નીને કરોડો રુિ૫યા ચુકવ્યા છે. ટાઇગર વૂડે તેની પત્નીને છૂટાછેડા આપવા માટે કરોડો રુપિયા આપવા પડે, મતલબ કે ‘ટાઇગરે’ વાઘણને રુપિયા આપ્યા, છૂટવા માટે કે છોડવા માટે.

આપણે ત્યાં કિશોર કુમારે ચાર લગ્ન કર્યા હતા. એક પત્ની ગુજરી ગઇ હતી, પણ બે સાથે છૂટાછેડા લીધા હતા. પણ આ કિસ્સામાં થયેલી બહાર  આવી ન હતી. કિશોરની ચારે પત્નીઓ વાંદરા (મુંબઇ) પરાની રહેવાસી હતી. કિશોર મજાક કરતા કહેતો કે મેરે નસીબ મેં બંદરિયા હી લીખી થી.

પશ્ર્ચિમના જેવા છૂટાછેડાનો મહિમા આપણે ત્યાં હજુ થયો નથી.(થવામાં છે) ઇલિઝાબેથ ટેલરે આઠ લગ્ન કર્યા હતા. એટલે કે સાત છૂટાછેડા લીધા હતા.

‘લગ્ને લગ્ને કુંવારા’ લખ્યો હતો જે મારા પુસ્તક ‘નીરવ નિરંજન’માં છે, (આ જાહેરાત નથી, માહિતી છે.)

છૂટાછેડાની પ્રથાનો આપણા સમાજમાં પ્રવેશ અંગે એક વાત કરું, પ્રખ્યાત કોલમ લેખક ‘શોભા-ડે’ તેને તમે કોલમિકા કહી શકો. આ બહેને ચાર વાર લગ્ન કર્યા છે. મતલબ કે ત્રણ વાર છૂટાછેડા લીધેલા છે. આપણે ત્યાં પુરુષો અનેકવાર લગ્ન કરતા હતા. પાંડવો તો ફરવા જવા નીકળે અને એકાદ લગ્ન કરી લે. સામાન્ય માણસ બે-ત્રણ વાર લગ્ન કરતો હતો. કોઇક ઉત્સાહી (કે હિંમતબાજ) ચાર વાર પણ લગ્ન કરતા અને તેથી કહેવત બની કે ‘ચોથી ચોક પૂરે’. શ્રીમતી શોભા-ડેને આ પુરુષ પ્રધાન કહેવત ખૂંચી હશે કે ચોથી ચોક પૂરે, એટલે એમણે ચાર વાર લગ્ન કરી બતાવ્યા. ‘ચોથો ચમન કરાવે’ તેવી કોઇ કહેવત ‘કોઇને’ કરવાનો તેમનો આશય હોઇ શકે.

‘લેખ

કહેવાનો આશય એ કે હવે પરિવર્તન આવી રહ્યું છે. છૂટાછેડા વધી રહ્યા છે. એને સન્માનજનક ગણવામાં આવી રહ્યા છે. કેટલાંક વૃદ્વો, ‘અમારા સમયમાં આવું ન હતું’ તેવું બોલતા સંભળાય છે.(કદાચ તેમાં ઇર્ષાનો ભાવ હોઇ શકે.)હવે છૂટાછેડાની સંખ્યા વધશે ત્યારે તેને લગતા આનુષાંગિક વ્યવસાયો, રીવાજો ઉભા થશે.

નવા પ્રકારની છૂટાછેડાની કંકોત્રીઓ પ્રચલીત થશે. જેમ કંકોત્રીના પ્રથમ પાને ‘શુભ-લગ્ન’ તેવું છાપેલું હોય છે તેમ છૂટાછેડા કંકોત્રીમાં ‘હાશ-છૂટ્યા’ તેવું છાપેલું હોય છે. તેમાં પણ છૂટાછેડા લેનાર યુવકના નાના-નાના ભત્રીજા-ભત્રીજીઓ લખશે….‘મારા, કાકાના છૂટાછેડામાં ઝલૂલ ઝલૂલથી આવશો’. સ્વજના જે છુટાછેડા પ્રસંગમાં ‘મહાલવા’ આવશે તે પણ સજી-ધજીને આવશે, કોઇના બેસણામાં સજધજ કે ના જવાય. બેસણામાં જતા તમારે બ્યુટીપાર્લરની સેવા ન લેવાય. બેસણામાં આયોજકો પણ દુ:ખી હોય છે અથવા તેઓ દુ:ખી છે તેવી છાપ પાડવા પ્રયત્ન કરે છે. પણ છૂટાછેડા સમારંભમાં આયોજકો આનંદમાં હોય છે. કારણ કે તેમાં ધ્યેય સિદ્વ થયું છે. ત્યાં ઠઠારો કરીને જવાય. આપણે તેના આનંદમાં સહભાગી થવાનું છે. ભવિષ્યમાં વાડી કે પાર્ટી પ્લોટ છૂટાછેડા માટે બૂક થઇ શકશે. કેટરર્સ, વાજા વગેરે છૂટાછેડાની સેવાઓ આપવા હાજર થશે.

અત્યારે ઘણા દરજીઓ ‘મેરેજ શૂટ’ની જાહેરાત આપે છે. પછી ‘ડાયવોર્સ શૂટ’ની જાહેરાત પણ જોવા મળશે. જેઓ લગ્ન પછી ટૂંકા સમયમાં જ છૂટાછેડા લેશે, એ લોકો કદાચ ‘મેરેજ શૂટ’નો જ ‘ડાયવોર્સ-શૂટ’ તરીકે ઉપયોગ કરશે.

આપણા જીવનમાં અમેરિકન અસરો જોવા મળે છે. અમેરિકામાં મોટા-મોટા બિલ્ડિંગ્સ હોય છે, પણ ત્યાં લગ્ન જીવન ટૂંકા હોય છે. આપણે પણ તે અસરમાં આવી રહ્યા છીએ.

અત્યારે આપણા પંચાગોમાં લગ્નના મુહૂર્તો આવે છે. તેમ ભવિષ્યના પંચાગોમાં છૂટાછેડાના મુહૂર્તો પણ જોવા મળશે. (આ મારી ભવિષ્યવાળી છે) ઓફિસોમાં લગ્ન માટે રજા અરજીઓ આવે છે, તેમ ભવિષ્યમાં છૂટાછેડામાં હાજર રહેવા કર્મચારીઓ રજા અરજી કરતા જોવા મળશે. કોઇક ઓફિસમાં સંવાદ સાંભળવા મળશે. ઓફિસના બોસ કહેશે ‘અરે દવે, આ મહિનામાં તમે ત્રીજી વાર છૂટાછેડાની કંકોત્રી પણ બીડી જ છે.’

‘મિસ્ટર દવે, તમારા કુટુંબીજનો ઝડપથી છૂટાછેડા લઇ રહ્યા છે અને તમે વારંવાર રજા માગો છો. જો આમ જ થશે. તો આ ઓફિસમાંથી જ તમારે છૂટાછેડા લેવા પડશે.’ આ સિવાય પણ છૂટાછેડા સમારંભની પ્રથા વિકસતા, આ પ્રસંગમાં કરેલો ચાંલ્લો પાછો અપાય કે નહીં ? તેની ચર્ચા પણ થશે અથવા છૂટાછેડા લેનારને શુભેચ્છા માટે કોઇ ભેટ-સોગાદ આપવાની હોય કે નહી ? આની પણ ચર્ચા જરુરી છે.

સમૂહ લગ્નોની જેમ સંસ્થાઓ ‘સમૂહ-છૂટાછેડા’નું આયોજન પણ કરશે. કદાચ, સમાજ વિકસતો છે તેમાં સમય બતાવશે. છૂટાછેડાની કંકોત્રી, છુટાછેડાના મુહૂર્તો, બધું બેન્ડમાં વગાડશે. ‘ભલું થયું ભાંગી જંજાળ…..’અને છૂટાછેડા લેનાર વ્યક્તિના નજીકના સગા-યુવાનો તેના તાલે નાચતા જોવા મળશે.

પાર્ટી પ્લોટમાં નૂસરત ફતેહઅલીની રેકોર્ડ પણ વાગતી હશે.

‘મેરે બાદ કીસકો સતાઓગે….’

આજે આમાંનું કશું નથી કબૂલ, પણ ભવિષ્યમાં તે બની શકે છે. ત્યારે લોકો મને જૂલેવર્નોની જેવો ગણી યાદ કરશે. (જેણે આવતીકાલની વાત, આજે કરી હતી.)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.