Abtak Media Google News

Table of Contents

અબ કી બાર “નાક” બચાવો યાર

  • ઉમેદવારોના નામ વહેલા જાહેર કરી દેવાનું ભાજપનું ગણીત  ઉંધુ પડયું: ભેંસને હવે ભેંસના જ શીંગડા  ભારે પડી રહ્યા હોય તેવો ઘાટ
  • શિસ્તબધ્ધ પાર્ટીના સૈનિકો  ઉમેદવારોના  વિરોધમાં રોડ પર ઉતરી આવ્યા:  ધડાધડ રાજીનામા  પડવા માંડયા, અનેક આગેવાનો નિષ્ક્રીય બની ગયા
  • ચૂંટણી પહેલા જ  કમળ સામે કાદવ ઉછળ્યો: વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના હોમ સ્ટેટમાં  ભાજપનું ઘર ભડભડ  સળગી  રહ્યું છે
  • વિવાદ વધુ વકરશે તો પાંચ લાખની લીડ તો એક બાજુ રહી જીતવું જ મહત્વપૂર્ણ બની જશે

કોંગ્રેસ મુક્ત ભારતની  વાતો કરતુ ભાજપ જ હવે કોંગ્રેસયુકત બની ગયું છે. પ્રદેશ  ભાજપ કાર્યાલય કમલમનું નામ ‘રાજીવ ગાંધી ભવન’ કરવાું જ  બાકી રહ્યું છે. બાકી ભાજપનું  હવે સંપૂર્ણ  પણે કોંગ્રેસીકરણ થઈ ગયું છે. રામના નામ જેમ પથ્થરો  તળી ગયા   હતા તેમ મોદીના નામે ખોટા સિકકા માર્કેટમાં મૂકી ચલવવાની ભાજપની  નીતિ  ખૂલ્લી પડી રહી છે. લોકસભાની  ચૂંટણીમા  વહેલા ઉમેદવારો  જાહેર  કરી દેવાની   ભાજપની નીતિ  હાલ ઉંધી પડતી દેખાય  રહી છે.  26 બેઠકો માટે મૂરતિયા  જાહેર કરાયા બાદ ભાજપમાં  વિવાદનો  મધપુડો  છંછેડાયો છે. છેલ્લા ઘણા સમયથી   રાજકીય અન્યાય સહન કરી રહેલા કાર્યકરો અને  આગેવાનો હવે ખૂલ્લીને બહાર આવ્યા છે. અને  ઉમેદવારો સામે અવાજ   ઉઠાવી રહ્યા છે. શિસ્તબધ્ધ ગણાતી ભારતીય જનતાપાર્ટીમાં   શિસ્તના  ચિથરા ઉડયા છે.  વડોદરા અને સાબરકાંટા બેઠક માટે ઉમેદવારો   બદલવાની ફરજ પડી છે. હજી અર્ધો ડઝન બેઠકો પર અસંતોષની  આગ ભયાનક લબકારા મારી રહી છે. લોકસભાની તમામ બેઠકો પાંચ લાખ મતોની લીડ સાથે જીતવાના સી.આર. પાટીલનું સપનું  અસંતોષની આગમાં ભસ્મીભૂત થઈ જાય તેવા ડરામણા સંકેતોમળી રહ્યા છે. ડેમેજ ક્ધટોલથી હવે વાતાવરણ સુધરે તેવું લાગતું નથી જો  આવું જ  વાતાવરણ રહ્યું તો  પાંચ લાખની લીડની વાત તો એક બાજુ રહી જીત મુખ્ય મુદો બની જશે.

2002માં લોકસભાની ચૂંટણીમાં ભાજપના  આગેવાનો અને કાર્યકરો  અતિ આત્મ વિશ્ર્વાસમાં હતા ફિલગુડ અને શાઈનીંગ ઈન્ડિયા  જેવા સુત્રો વહેતા કરવામાં આવ્યા હતા. અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપ પ્રેરિત એનડીએ  સતત બીજી વખત સરકાર બનાવશે  તેવા અતિ વિશ્ર્વાસનું પરિણામ કંઈક અલગ જ આવ્યું. ભાજપને કારમી હાર મળી અને કોંગ્રેસનો સુર્યોદય થયો હવે 20 વર્ષ પછી આ ઘટનાનું  જાણે પુનરાવર્તન   થવા જઈ રહ્યું હોય તેવો  માહોલ જોવા   મળી રહ્યો છે. સેંક્ડો  વર્ષ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરનું નિર્માણ, કાશ્મીરમાંથી કલબ-370 હટાવવી, સીએએનો કાયદો લાગુ કરવો, ત્રિપલ તલાક, જીએસટી સહિતના અનેક નિર્ણયો લેવામાં આવ્યા હોય ભાજપ દ્વારા લોકસભા-2024ની ચૂંટણી માટે “અબકી બાર 400 કે પાર” જેવું સુત્ર વહેતુ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે  લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની  પ્રક્રિયા શરૂ થવાના બે ચાર દિવસમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે ભગવાન શ્રી રામ પર વિશ્ર્વાસ રાખી ભાજપ દ્વારા  ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વે જ  ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા. સામાન્ય રીતે  ભાજપમાં   કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવા માટે અનેક દાવેદારો ઈચ્છા વ્યકત કરતા હોય છે. પરંતુ ઉમેદવાર જાહેર કરાયા બાદ તમામ માટે  કમળ જ મહત્વનું બની જતુ હોય છે. આ વખતે વાતાવરણ ખૂબજ  સારૂ હોવા છતાં ભાજપે ગુજરાતની 26 બેઠકો માટે  ઉમેદવારોના નામની જાહેરાત   કરતાની સાથે જ વિવાદના વાવેતર   થયા હતા. વડોદરા અને સાબરકાંઠા બેઠક પરતો વિવાદ  ચરમસીમાએ પહોચી જતા  ઉમેદવારોએ પક્ષના આદેશ મુજબ સામેથી અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા  વ્યકત કરી હતી ભાજપ દ્વારા આ બંને બેઠકો માટે નવા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

રાજયની લોકસભાની અડધો ડઝન બેઠકો પર  ભાજપના ઉમેદવારો સામે ભાજપના કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા છે. ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. ઉમેદવારો વિરૂધ્ધ બોર્ડ-બેનરો લાગી રહ્યા છે. ટિકિટ મળ્યા બાદ  ઉમેદવારો પણ જાણે સાતમાં આસમાને પહોચી ગયાહોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના  ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય  મંત્રી તથા ભાજપના ખૂબજ સિનિયર મનાતા નેતા પરસોતમભાઈ રૂપાલાની જીભ પણ કાબુમાં રહી નથી. તાજેતરમાં તેઓએ ક્ષત્રીય સમાજ વિશે આપેલા નિવેદનથી રાજયભરમાં  ક્ષત્રીય  સમાજમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. ડેમેજ  ક્ધટ્રોલ  માટે ખુદ ભાજપના  પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મેદાનમાં  ઉતરવાની  ફરજ પડી છે. ગુજરાતમાં  કોઈ ચિંતા નથી તમામ 26 બેઠકો   આપડા ગજવામાં છે. તેવું માનતા ભાજપ હાઈકમાન્ડની ચિંતા ગુજરાતે જ  વધારી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય  ગૃહ મંત્રી અમિત શાહ અને હવે ભાજપના  રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના રાજકીય સ્ટેટ એવા ગુજરાતમાં ભાજપ માટે કપરા ચઢાણ બની રહ્યા છે.

કેન્દ્રમાં વડાપ્રધાન પદે નરેન્દ્રભકાઈ મોદી સત્તારૂઢ થયા બાદ એકાદ    અપવાદને   બાદ કરતા ગુજરાતમાં  ભાજપનો ગઢ સતત મજબૂત બની રહ્યો છે.  2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણી 2019માં યોજાયેલી  લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતની  લોકસભાની  તમામ 26 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતુ. કોઈપણ પ્રકારનો પડકારનો સામનો કર્યા વિના ગુજરાતમાં ભાજપ પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધીની તમામ ચૂંટણરીઓ ફતેહ કરતુ આવ્યું છે. 2022માં  યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમા રેકોર્ડ બ્રેક 156 બેઠકો પર ભાજપની જીત થઈ હતી. રાજયમાં ભાજપનું સંગઠન માળખું ખુબજ મજબૂત છે.  છતા ભાજપના નેતાઓએ પક્ષમાં કોંગ્રેસીકરણ  કરવાનું અભિયાન શરૂ  કર્યું જેના માઠા પરિણામ હવે   દેખાવા લાગ્યા છે.

પક્ષને નાના છોડમાંથી વટવૃક્ષ બનાવવા માટે  કાળી મજુરી  કરનારને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે.  કોંગ્રેસ કે અન્ય રાજકીય પાર્ટીમાંથી આવેલા  નેતાઓ માટે કમલમમાં લાલ જાજમ  બિછાવવામાં આવી રહી છે.  કોંગ્રેસમાંથી આવેલાઓ હાલ સરકાર અને  સંગઠનમાં  મહત્વપૂર્ણ હોદાઓ  સંભાળી રહ્યા છે. જયારે વર્ષોથી  ભાજપ માટે  કામ કરનારા કાર્યકર્તાઓ હજી કાર્યકરોની વ્યાખ્યામાંથી બહાર  નીકળી શકયા નથી.

સંગઠન માળખાને   મજબુત  બનાવવું તમામ  રાજકીય પક્ષોની  પ્રથમ  પ્રાથમિકતા હોતી હોય છે. પરંતુ ભાજપમાં જે રીતે વિરોધ પક્ષને કચડીને સંગઠન માળખાને  મજબૂત બનાવવાની પધ્ધતી શરૂ  કરવામાં આવી છે તે  તદન  ખોટી છે. પક્ષની મૂળભૂત વિચારધારાને સાઈડમાં મૂકી દેવામાં આવી છે.  હરિફોને  મુળીયા  સહિત   ઉખેડી ફેંકવા એક માત્ર હેતુ હોય તેવું લાગી રહ્યું છે. ભરતી મેળાનાં  ભારથી હવે ભાજપ જ   ભાંગી રહ્યું છે. કોંગ્રેસમાંથી  આવેલા નેતાઓને ભાજપમાં  રાતોરાત   હિરો બનાવી   મેદાનમાં ઉતારી દેવામાં  આવે છે. પરિણામે  ભાજપના પાયાના કાર્યકર્તાઓ માટે એવી સ્થિતિનું નિર્માણ  થાય છે કે  બે -પાંચ વર્ષ પહેલા જેને  હરાવવા માયે લોહી-પાણી એક કર્યું  હોય હવે તેને જીતાડવાની જવાબદારી નિભાવવી પડે છે.

સંગઠનના પાયાનું જ્ઞાન પણ ન ધરાવતા   આયાતીઓને  પદ આપી મોભી બનાવી દેવામાં આવે છે. જયારે જેને  સંગઠન માટે  પોતાના જીવનના ચાર ચાર પાંચ-પાંચ  દાયકાઓ સમર્પિત કરી દીધા તેને માર્ગદર્શકની ભૂમીકામાં  રાખવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ  2021માં નેતૃત્વ પરિવર્તન બાદ રાજયમાં   ભાજપની  સ્થિતિ કથળી છે. ભલે વિધાનસભાની ચૂંટણીમાં  રેકોર્ડબ્રેક બેઠકો મળી  હોય પરંતુ  સરકારની  અધિકારીઓ પર પકડ રહી નથી જેના કારણે જનતા ફરી  અધિકારી રાજના દળદળમાં  ફસાય ગઈ છે.

“કમલમ” જાણે ગંગા નદીની  જેમ પવિત્ર હોય તેમ  અહી પગ મૂકતાની સાથે જ હરિફ રાજકીય પાર્ટીના દાગીઓ પૂણ્યશાળી બની જનતાને સેવામાં લાગી જતા હોય છે. ભેંસના શિંગડા ભેંસને ભારે પડી રહ્યા હોય તેવી હાલત હાલ  ભાજપની થઈ છે. 2015માં પાટીદાર   અનામત આંદોલનની અસર વેળાએ   પણ ભાજપના નેતાઓ જેટલા ચિંતિત ન હતા તેટલા ચિંતિત  હાલ દેખાય રહ્યા છે.  વિધાનસભાની  ચૂંટણીમાં   રેકોર્ડ બ્રેક  156 બેઠકો જીત્યા બાદ  પ્રદેશ ભાજપ  અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતની લોકસભાની તમામ  બેઠકો  પાંચ લાખથી વધુ મતોની લીડથી   જીતવાનો   એક લક્ષ્યાંક  રાખવામાં આવ્યો છે. ઉંચો   ધ્યેય  રાખવો ખુબ સારી બાબત છે. પણ તેના માટે પક્ષની  વિચારધારાને નેવે મૂકવી યોગ્ય નથી.

ઉમદેવારોના નામ જાહેર થતાની સાથે જ ભાજપમાં ભડકો થયો છે. રાજકોટ અને પોરબંદર બેઠક પરથી   કેન્દ્રીય  મંત્રી પરસોતમભાઈ રૂપાલા અને  ડો. મનસુખભાઈ માંડવિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  આ નિર્ણય હાઈકમાન્ડનો છે. રાષ્ટ્રીય  નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. છતા કાર્યકરોના હૈયે  ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આ બંને નેતાઓને કાર્યકરો આયાતી ગણાવી રહ્યા છે. આવો જ   માહોલ સુરેન્દ્રનગર બેઠક પર છે અહી ચુંવાળીયા કોળી સમાજમાંથી   આવતા ચંદુભાઈ શિહોરાને ટિકિટ  આપવામાં  આવતા તળપદા કોળી સમાજે મોરચો માંડયો છે. અમરેલીમાં   પણ ઉમેદવાર સામે  સંઘાણી પરિવારમાં  નારાજગી જોવા મળી રહી છે.  ભાવનગર બેઠક પર પણ ઉમેદવારને બદલવામાં આવતા થોડી-ઘણી  નારાજગી જોવા મળી રહી છે.

  • આયાતીઓ માટે બિછાવાતી લાલ જાજમ પાયાના કાર્યકરોની ઘોર ઉપેક્ષા ભાજપ માટે ખતરે કી ઘંટી સમાન
  • ભાજપના ઉમેદવારો સાથે આગેવાનોના બગડતા બોલ વાતાવરણને ડહોળી રહ્યા હોવાની  ચર્ચા
  • ઉમેદવારોની આડેધડ પસંદગી: પક્ષ પલ્ટુઓને શિરપાંવ સહિતના મુદા મતપેટીમાં ઠલવાશે તો  ફીલગુડના  ફિંડલાવળી જશે
  • સતત ત્રીજી વખત ગુજરાતની તમામ 26 બેઠકો જીતવી ભાજપ માટે બની રહી છે મુશ્કેલ
  • કોંગ્રેસને  2004ના પુનરાવર્તનની આશા  ભાજપને પણ અંદરખાને  કંઈક  આવોજ ડર સતાવી રહ્યો છે

જામનગર અને જૂનાગઢમાં થોડો માહોલ  સારો છે. ભાજપના અડીખમ ગઢ ગણાતા વડોદરાની  બેઠક પર રંજનબેન ભટ્ટનું  નામ જાહેર કરાયા બાદ ફાટી નીકળેલા વિવાદ અને શહેરભરમાં લાગેલા પોસ્ટરોના કારણે ભાજપે ઉમેદવાર  બદલવાની ફરજ  પડી હતી  સાંબરકાંઠાના  પણ અટકને લઈ વિવાદ ઉભો થતા ઉમેદવાર બદલવા પડયા હતા છતા હજી વિવાદ  સમતો નથી.

વલસાડ બેઠક પર વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયાંથી પોતાના  રાજકીય જીવનની પ્રથમ ચૂંટણી લડયા હતા તે રાજકોટમાં ભાજપે મોહનભાઈ કુંડારિયાની ટિકિટ  કાપી કેન્દ્રીય   મંત્રી પરસોતમભાઈ રૂપાલાને  ટિકિટ  આપી છે. આખા અને  બટક બોલા રૂપાલાના  બગડેલા બોલે ભાજપને    રાજયભરમાં શ્રોભજનક  સ્થિતિમાં  મૂકી દીધું છે. ક્ષત્રીય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ   ટીપ્પણી  બાદ ભાજપ  માટેનું વાતાવરણ  ડહોળાય ગયું છે.

સૌરાષ્ટ્રની એક-એક બેઠકો પર ભાજપમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. સુરેન્દ્રનગર રાજકોટ અને પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર સામેંનો વિરોધ બહાર આવી ગયો છે. જ્યારે જામનગર, જુનાગઢ ,અમરેલી અને ભાવનગરમાં અંદરખાને લાગેલી આગ લબકારા મારી રહી છે.જુનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાને રીપીટ કરવામાં આવતા રઘુવંશી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેની અસર રાજકોટ સહિત સૌરાષ્ટ્રની એવી બેઠકો કે જ્યાં રઘુવંશી સમાજનું પ્રભુત્વ છે ત્યાં પણ પડી શકે છે.કોંગ્રેસમાંથી ભાજપમાં આવી મંત્રી બનેલા અને હવે સંપૂર્ણપણે સાઈડ લાઈન થઈ ગયેલા જામનગરના હકુભા જાડેજા લોકસભાને આગામી ચૂંટણીમાં પૂનમબેન માડમને કેટલો સપોર્ટ કરે છે તેના પર પણ તમામની મીટ મંડાયેલી છે.હકુભાનું રાજકારણ પૂરું કરવામાં કેટલાક આગેવાનો રસ લઈ રહ્યા છે. હવે હકુભાની ભૂમિકા કેવી હશે તે જોવાનું રહ્યું. અમરેલી બેઠકની ચર્ચા કરવામાં આવે તો અહીં દિલીપભાઈ સંઘાણી પરિવારમાંથી કોઈને ટિકિટ આપવાની ચર્ચા ચાલતી હતી પરંતુ સુતરીયાને ટિકિટ આપી દેવાતા અંદરખાને ભયંકર વિરોધ ચાલી રહ્યો છે.અમરેલીમાં એક જૂથ સાઈડ લાઈન બની ગયું છે.ભાવનગરમાં પણ કંઈક આવો જ માહોલ છે.ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા સામે ખુલ્લીને કોઈ આવતું નથી પરંતુ સ્વભાવે શાંત ગણાતા ભારતીબેન શિયાળની ટિકિટ કપાતા થોડા ઘણા અંશે ઉકળાટ હોવાનું મનાય રહ્યું છે. કચ્છ બેઠક પર વિનોદભાઈ ચાવડાને રીપીટ નહીં જ કરાય તેવું માનવામાં આવતું હતું. પરંતુ પક્ષે સતત તેઓ પર ત્રીજી વખત વિશ્વાસ દાખવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વિરોધીઓ તેઓને કેટલો સહયોગ આપે છે.

જ્ઞાતિ-જાતિ અને આયાતીના વિવાદને ટાઢો પાડી દેવાશે?

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ડેમેજ કંટ્રોલ માટે તત્કાલ સૌરાષ્ટ્ર પ્રવાસ નક્કી કર્યાની ચર્ચા

લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ રાજ્યભારમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. ખુદ રૂપાલાએ આ અંગે માફી માંગી લીધી હોવાથી છતાં ક્ષત્રિય સમાજ રતિભાર પણ નમતું જોખવા તૈયાર નથી. કેન્દ્રીય ચૂંટણી પંચમાં રૂપાલા સામે ફરિયાદ કરવામાં આવી છે. દિવસેને દિવસે વિવાદ સતત વકરી રહ્યો હોય જેને શાંત પાડવા માટે ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મેદાનમાં આવ્યા છે. આજે તેઓ સૌરાષ્ટ્રના ઓચિંતા પ્રવાસે આવ્યા છે.રાજકોટની મુલાકાત દરમિયાન તેઓએ ક્ષત્રિય સમાજને આગેવાની સાથે આ મામલે બેઠક યોજે તેવી વાત પણ ચાલી રહી છે.પતિલની મુલાકાત બાદ  વિવાદનો ઉકેલાય જશે કે વધુ કરશે.

કેન્દ્રીય મંત્રી  અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલાએ તાજેતરમાં રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ વિશે ઘસાતું નિવેદન આપ્યાનો વિડીયો વાયરલ થયા બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ ભારે આગ બાબુલો થઇ ગયો  છે. વિરોધ ફાટી નીકળતાં  રૂપાલાએ પણ માફી માગી લીધી હતી.છતાં મામલો શાંત થવાના બદલે દિન પ્રતિદિન વકરી રહ્યો છે. જેને ડેમેજ કંટ્રોલ કરવા માટે ખુદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલને સમગ્ર મામલો હાથ પર લેવાની ફરજ પડી છે. લોકસભાની ચૂંટણી સંદર્ભ આગામી સોમવારથી પાટીલ રાજ્યના તમામ જિલ્લામાં પ્રવાસ શરૂ કરવાના હતા પરંતુ રાજકોટ અને સુરેન્દ્રનગર બેઠક પર વિવાદ વકરતા તેઓ આજે ઓચિંતા સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે.આજે રાજકોટ ખાતે તેઓ ક્ષત્રિય સમાજને આગેવાન સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. જેને સત્તાવાર સમર્થન મળતું નથી.વિવાદને શાંત કરવા  ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોને આ અંગે જવાબદારી સોંપવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એક ક્ષત્રિય આગેવાન દ્વારા પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હોવાના કારણે ચૂંટણી પંચે આ અંગે રાજકોટ જિલ્લા કલેકટરને તપાસ કરી ખુલાસો આપવા તાકીદ કરી છે.જે રીતે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે તે જોતા હાલ એવું લાગતું નથી કે વિવાદ નજીકના દિવસોમાં શાંત પડે. ખુદ સી.આર.પાટીલ મેદાનમાં આવ્યા હોવા છતાં વિવાદનો ઉકેલ આવે તેવી શક્યતા હાલ દેખાતી નથી.ક્ષત્રીય સમાજના એક ગ્રુપ દ્વારા એવી પણ માગણી કરવામાં આવી રહી છે કે તાત્કાલિક અસરથી રૂપાલાની ઉમેદવારી ભાજપ રદ કરે. પાટીલે સમગ્ર મામલો પોતાના હાથ પર લઈ લીધો હોય આગામી દિવસોમાં આ ઘટના અંગે કેટલાક ઘેરા પ્રત્યાઘાત  પડવાના સંભાવના છે.

ડેમેજ કંટ્રોલ કરવા પાટીલ મેદાનમાં

રાજકોટમાં સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ ઉપરાંત બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, મંડળના ઇન્ચાર્જ શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક: સાંજે સુરેન્દ્રનગરમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે

લોકસભાની ચૂંટણીમાં વહેલા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવાનું ભાજપનું ગણિત ઉંધુ પડ્યુ હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રની ત્રણથી ચાર બેઠકો પર ભારે વિવાદ ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની લઈ આગામી 1 એપ્રિલથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્રારા તમામ જિલ્લાના પ્રવાસ શરૂ કરવાના હતા.જો કે તેઓએ આજથી જ આ પ્રવાસ શરૂ કરી દીધો છે.આજે પાટીલ  સૌરાષ્ટ્રના બે જિલ્લાના પ્રવાસે આવ્યા છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં બેઠકોનો ધમધમાટ  ચાલી રહ્યો છે.

આજે સવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી પહોંચ્યા હતા.તેઓએ રાજકોટમાં સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટમાં હાજરી આપી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.ત્યારબાદ રાજકોટ શહેર જિલ્લાના તમામ બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, મંડળના ઇન્ચાર્જ શહેર તથા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ સાથે ચૂંટણી લક્ષી બેઠક યોજી હતી. તેઓએ પ્રચાર અંગેની માહિતી મેળવી જરૂરી સૂચન આપ્યા હતા.ત્યારબાદ બપોરે ઇમ્પીરીયલ ખાતે પત્રકાર મિલનમાં હાજરી આપી હતી.

અત્રે ઉલ્લેખની છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ  અંગે કરેલા નિવેદન બાદ ફાટી નીકળેલા વિવાદને શાંત પાડવા માટે સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિંગોરા સામે પણ વિરોધ જોવા મળી રહ્યો છે. આ બંને બેઠકમાં ડેમેજ કંટ્રોલ કરવા સૌરાષ્ટ્રનો અચાનક પ્રવાસ  ગોઠવવો પડ્યો છે. આજે રાજકોટમાં અલગ અલગ ત્રણ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પાટીલ સાંજે સુરેન્દ્રનગર ખાતે બુથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. સૌરાષ્ટ્રની રાજકોટ અને સુરેન્દ્રનગર ઊપરાંત પોરબંદર બેઠક પર પણ ભાજપના ઉમેદવાર સામે થોડા ઘણા અંશે વિવાદ જોવા મળી રહ્યો છે.પાટીલની આજની સૌરાષ્ટ્રની મુલાકાત ભાજપ માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કોંગ્રેસ સંગઠીત બની ચૂંટણી લડે તો ભાજપ માટે કપરા ચઢાણ

લોકસભાની ચુંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ ભાજપનું ઘર સળગી રહ્યું છે. આવામાં છેલ્લા દશ વર્ષથી રાજયમાં લોકસભાની એક પણ બેઠક જીતી ન શકનારી કોંગ્રેસ માટે ખુબ જ મોટી તક છે. જુથવાદના કારણે પંજો સંપૂર્ણપણે પિંખાય ગયો છે. હવે કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે જો ગુજરાતમાં તમામ કોંગી આગેવાનો સંગઠીત બની ચુંટણી જંગમાં ઝંપલાવે તો ભાજપ માટે કપરા ચઢાણ બની શકે છે કોંગ્રેસ પાસે પોતાની પરંપરાગત વોટ બેંક છે જ માત્ર સંગઠન માળખાને મજબુત બનાવવાની આવશ્યકતા છે. કેન્દ્ર અને રાજય સરકારની નિષ્ફળતા જો જનતાના ગળે ઉતારવામાં કોંગ્રેસ સફળ રહે તો હજી હાથ વધુ મજબૂત બની શકે છે. ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ જે સ્થિતિ અગાઉ કોંગ્રેસમાં જોવા મળતી હતી તે હાલ ભાજપમાં જોવા મળી રહી છે.

2004 જેવું તો નહીં થાય ને? ભાજપને અંદરખાને સતાવતી ભીતિ

વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં એવો માહોલ દેખાતો હતો કે, કેન્દ્રમાં ફરી એક વખત અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએની સરકાર રચાશે.પરંતુ મતદારોના મન પારખવામાં રાજકીય પંડિત સાથે રાજકીય પાર્ટી પણ નિષ્ફળ રહી હતી જ્યારે પરિણામ આવ્યું ત્યારે ફીલ ગુડ અને સાઇનીંગ ઇન્ડિયાના પોટલા વળી ગયા  કેન્દ્રમાં કોંગ્રેસ પ્રેરિત યુપીએની સરકાર બની અને 10 વર્ષ સુધી શાસન કર્યું હતું. છેલ્લા દસ વર્ષથી ભારતમાં ભાજપનું શાસન છે. હાલ ભલે  ભાજપ તરફથી માહોલ હોય રામ મંદિરના નિર્માણ બાદ ભાજપ વધુ મજબૂતાઈ સાથે ઉભર્યું છે. છતા પણ ભાજપના ટોચના નેતાઓના અંદરખાને એવી ચિંતા સતાવે રહી છે કે બે દાયકા બાદ 2004 ની ઘટનાનું ક્યાંક પુનરાવર્તન તો નહીં થાય ને ??? 2004માં માહોલ ભાજપ તરફી દેખાતો હતો પરંતુ મતદારોના મન કંઈક અલગ જ દિશામાં ચાલતા હતા. જોકે આ વખતે આવા પરિણામની શક્યતા ખૂબ જ નહિવત છે છતાં મતદારો ક્યાંરે કોના ઉપર પ્રેમ વરસાદ તે કહેવું કે કળવું મુશ્કેલ બની જાય છે.

પાંચ લાખની લીડ મળે તો મોદીના હાથ વધુ મજબૂત થશે

કેન્દ્રમાં સતત ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનની સરકાર બને તેવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો પાંચ લાખ કે તેથી વધુ મતોની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક ભાજપ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું છે. પરંતુ જે રીતે ઉમેદવારના નામ જાહેર થયા બાદ પક્ષમાં આંતરિક અસંતોષ ફાટી નીકળ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આ લક્ષ્યાંક હાંસલ કરવો પડકારજનક જ નહીં પરંતુ મહામુશ્કેલ બની ગયો છે. સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત સુધી ભાજપના ઉમેદવારો સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. આવામાં પાટીલે વિરોધ ખાળવા મોરચો સંભાળી લીધો છે.પરંતુ જે રીતે કાર્યકરોને હૈયા સળગી રહ્યા છે તે જોતા આગ જલ્દીથી શાંત થાય તેવું લાગતું નથી. જો પાંચ લાખની લીડ તમામ બેઠકો પર મળે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ ચોક્કસ મજબૂત થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ લીડ ઓછી નીકળશે તો ભાજપ મહામંથન કરવું પડશે તેમાં પણ કોઈ શંકા નથી.

કપાયેલા – દુભાયેલા હવે હરિફની ભૂમિકામાં ?

લોકસભાની ચુંટણીમાં ભાજપે ગુજરાતમાં ર6 પૈકી માત્ર 1ર સાંસદોને ફરી ટિકીટ આપી છે. જયારે 14 સાંસદોની ટિકીટ કાંપી નાખવામાં આવી છે. જેમાં બે કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. ચુંટણી પૂર્વ ટિકીટ મેળવવા માટે પ્રબળ દાવેદારો મનાતા હવે દુભાયેલાની વ્યાખ્યામાં આવી ગયેલા નેતાઓ ભાજપ માટે હરિફની ભૂમિકા ભજવશે. 100 વર્ષની ઉમરે પણ ખુરશી છોડવી કોઇને ગમતી નથી તે વાત સાચી છે જે 14 સાંસદોની ટિકીટ કાંપી નાખવામાં આવી છે તે હાલ ભલે ઉમેદવારને ખભે બેસાડી પ્રચાર કરી રહ્યા હોય પરંતુ સમય આવે ઘા મારવાનું પણ ચૂકશે નહી વિધાનસભાની પેટા ચુંટણીમાં પક્ષ પલ્ટુઓને ટિકીટની લ્હાણી કરાતા માહોલ વધુ બગડી ગયો છે.

રાજકોટનું સંગઠન ભાજપ માટે રોલ મોડલ છતાં આયાતી કેમ ઉતારવા પડયા?

રાજકોટનું સંગઠન માળખુ માત્ર ગુજરાત જ નહી સમગ્ર દેશમાં ભાજપ માટે એક આદર્શ રોલ મોડલ માનવામાં આવે છે. રાજકોટનો કાર્યકર્તા ખુબ જ શિસ્ત અને ખંતથી કામ કરે છે. જેના પરિણામે ભાજપનો ગઢ મજબૂત બની રહ્યો છે.રાજકોટમાં ભાજપ પાસે કાર્યકરો અને આગેવાનોની વિશાળ ફોજ ઉપલબ્ધ છે. એક એકથી ચડિયાતા નેતાઓ પડયા છે રાજકોટના કાર્યકરે મુખ્યમંત્રી અને રાજયપાલની પણ જવાબદારી નિભાવી છે. તો એવા તે કયાં પરિબળો ઉભા થયા કે, રાજકોટ લોકસભા બેઠક પરથી આયાતી ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની ફરજ પડી, કાર્યકરો હાલ ભલે હસતા મોઢે પરષોતમ રૂપાલાનો પ્રચાર કરી રહ્યા હોય પણ હૈયામાં હજી આગ ભભૂકી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.