Abtak Media Google News
  • સૌરાષ્ટ્રની ત્રણ સહિત  રાજયની સાત બેઠકો માટે ઉમેદવારો  નકકી કરવા આજે દિલ્હીમાં  બેઠક

લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા  ગુજરાતની 26 બેઠકો પૈકી  18 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. દરમિયાન  ભાવનગર અને  ભરૂચ બેઠક ગઠબંધનના ભાગરૂપે  આમ આદમી પાર્ટીને  ફાળવવામાં આવી છે.  બાકી રહેતીસાત બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા માટે આજે  દિલ્હી ખાતે   કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે આજે રાત સુધીમાં કોંગ્રેસ  દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.

ભાજપ દ્વારા ઉમેદવારોની અલગ અલગ  ત્રણ યાદીમાં ગુજરાતની  લોકસભાની 26 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.જયારે કોંગ્રેસ દ્વારા  બે યાદીમાં કુલ 18 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા જે પૈકી અમદાવાદ પૂર્વ બેઠકના   ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો અને ત્યારબાદ કોંગ્રેસના  પ્રાથમિક   સભ્ય પદ સહિત તમામ હોદાઓ પરથી રાજીનામ  આપી દીધા હતા.

કોંગ્રેસ રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નવસારી,  અમદાવાદ પૂર્વ, મહેસાણા અને  વડોદરા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. બાકીની 17 બેઠકો માટેઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જે હાલ પ્રચાર, પ્રસારની કામગીરીમા લાગી ગયા છે. રાજકોટ બેઠક માટે હિતેશભાઈ વોરા, ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, ડો. હમેાંગ વસાવડા અને  લલીત કગથરાનું નામ ચર્ચામાં છે.  જૂનાગઢ બેઠક પર હિરાભાઈ જોટવા અને પુંજાભાઈ વંશનું નામ  ચર્ચામાં છે.  સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ દ્વારા ચૂંવાળીયા  સમાજમાંથી આવતા ચંદુભાઈ  શિહોરાને ટિકિટ આપી હોય કોંગ્રેસ અહી તળપદા સમાજમાંથી કોઈને  ટિકિટ  આપવામા આવે તેવી સંભાવના જણાય રહી છે.   નવસારી અમદાવાદ પૂર્વ,  મહેસાણા અને વડોદરા બેઠક માટે પણ ભાજપના ઉમેદવારોને બરાબરની ટકકર આપી શકે તેવા સક્ષમ  ઉમેદવારને મેદાનમાં  ઉતારવાની  કોંગ્રેસની વ્યૂહ રચના છે. લોકસભાની છેલ્લી બે  ચૂંટણીથી  ગુજરાતમાં કોંગ્રેસને સમખાવા પૂરતી એકપણ બેઠક મળતી નથી. સતત ત્રીજી વખત આવો  કરૂણ  રકાસ  ન થાય તે માટે કોંગ્રેસ આ  વખતે ખૂબજ  ગંભીર બની હોય તેવું લાગી રહ્યું છે.

ભાજપમાં કેટલીક બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ   કાર્યકરો અને  આગેવાનોમાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે.જેનો  લાભ કોંગ્રેસને મળી શકે છે.  જો ઉમેદવારોની યોગ્ય પસંદગી કરવામાં  આવે તો કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને  બરાબરની ટકકર આપી શકે તેમ છે. આજે દિલ્હી ખાતે આજે સાંજે કોંગ્રેસની  સેન્ટ્રલ ઈલેકશન કમિટીની  બેઠક મળશે. જેમાં ગુજરાતની   સાત  સહિત અન્ય રાજયોની કેટલીક બેઠકો માટે ઉમેદવારો  નકક કરવા માટે મનોમંથન હાથ ધરવામાં આવશે.

ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા તબકકામાં  આગામી 7મી મેના રોજ મતદાન યોજવાનું છે.  12મી એપ્રીલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ   થવાનું છે.  ત્યારબાદ  ઉમેદવારી ફોર્મ ભરવાની  પ્રક્રિયાનો આરંભ થશે. 19મી  એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. હજી ઉમેદવારોના નામ નકકી કરવામાં કોંગ્રેસ પાસે ઘણો સમય બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.