Abtak Media Google News

દાયકાઓ સુધી પ્રજાને ગરીબીમાં સબડતી રાખનાર ભ્રષ્ટાચારી કોંગ્રેસે જ દેશવાસીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે: રાજુભાઈ ધ્રુવ

મોદીના પારદર્શી અને ભ્રષ્ટાચારમુક્ત શાસન સામે હોબાળો મચાવી રહેલા સત્તાલાલચુઓને ભાજપ અગ્રણીનો જડબાતોડ જવાબરાજકોટ

કેન્દ્રની મોદી સરકારના ચાર વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે વિશ્વાસઘાત દિવસ મનાવવા જઈ રહેલી કોંગ્રેસને ભાજપના અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવે તર્કબદ્ધ દલીલો અને તથ્યો ટાંકીને જડબાતોડ જવાબ આપ્યો છે. એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે, દેશને છ છ દાયકા સુધી ગરીબીમાં સબડતો રાખનાર મહાભ્રષ્ટાચારી કોંગ્રેસ કયા મોઢે વિશ્વાસઘાત દિવસ મનાવવા જઈ રહી છે. દેશને કાશ્મીરની શિરોવેદના સમાન સમસ્યા ભેટ આપનાર કોંગ્રેસ કયા મોઢે વિશ્વાસઘાતની વાત કરે છે? અખંડ ભારતના ટૂકડા કોણે કર્યા? તિબેટ કોણે ગુમાવ્યું? લેહ-લડાખનો હિસ્સો કોણે ગુમાવ્યો? પ્રજાએ જેમના પર મન મૂકીને વિશ્વાસ મૂક્યો હતો એ કોંગ્રેસે દેશવાસીઓને ભ્રષ્ટાચાર સિવાય શું આપ્યું? દેશને જાતીવાદ અને કોમવાદમાં વિભાજીત કરીને વર્ગ-વિગ્રહની સ્થિતિમાં મૂકી દેનાર કોંગ્રેસ મોદીજીના પારદર્શી અને ભ્રષ્ટાચારમુક્ત શાસન સામે કયા આધારે વિશ્વાસઘાત દિવસ મનાવવા માગે છે. દેહ્વાસીઓ સાથે અનેક મુદ્દે વિશ્વાસઘાત તો કોંગ્રેસ અને તેના નેતાઓએ જ કર્યો છે.

નિવેદનમાં જણાવાયું છે કે, મોદી માટે કોઈને ગમે તેટલો અણગમો હોય તો પણ કેટલીક હકીકતો સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. તેમણે પ્રજાજનોને પોતાની સમજદારી અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને મોદીજી વિષે અભિપ્રાય બાંધવા અપીલ કરતાં જણાવ્યું છે કે. સત્તાલોલુપ, નાણાભૂખ્યા અને અત્યંત ભ્રષ્ટ લોકોની મનમાની બંધ થઇ ગઈ છે તેથી તેઓ મોદીજીને હટાવવા માગે છે. દેશમાં ઘણા એવા લોકો છે, જેઓ ભ્રષ્ટ નેતાઓની વાતોમાં આવી જઇને મોદીજીનો વિરોધ કરે છે. લોકતંત્રમાં વિરોધ કરવો કે સમર્થન આપવું એ વ્યક્તિનો પોતાનો હકક છે. પરંતુ, મોદીજીનો વિરોધ કરીને તમે સમર્થન કોને આપો છો તે અત્યંત ગંભીર પ્રશ્ન છે, માટે તેનો નિર્ણય પણ ગંભીરતાપૂર્વક લેવો જોઇએ. મુલાયમસિંહ, લાલુપ્રસાદ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કેજરીવાલ, માયાવતી કે મમતા બેનર્જી શું આ બધા નરેન્દ્ર મોદીથી વધુ સારા છે? શું તેઓનો રેકોર્ડ ખૂબ સારો છે? ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના સમયગાળાની સરખામણીમાં મમતા બેનર્જી, અખિલેશ યાદવ શું વધારે સારા કહી શકાય?

તુલના કરવી હોય તો, ગુજરાતના કોઇ એક નાના શહેરમાં જઇને નજર નાખવી જોઈએ. ત્યારબાદ, અન્ય રાજ્યની રાજધાનીમાં આંટો મારવો જોઈએ. ફરક દેખાઈ આવશે. રાજનીતિમાં પ્રવેશના સમયે લાલુ અને મુલાયમ પાસે સાયકલ કે ફાનસ પણ નહોતા, લાજ-શરમ નેવે મૂકીને બેમર્યાદ ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી આચરનારા આ નેતાઓ આજે હજ્જારો કરોડના આસામી છે. કોઇ ચાર્ટર્ડ પ્લેનમાં ફરે છે તો કોઇ મહામોંઘી ઓડી અને મર્સીડીસના કાફલાઓ લઈને ફરે છે. ક્યાંથી આવ્યું આટલું ધન? શું આ લોકો નરેન્દ્ર મોદીથી સારા છે? સોનિયાજીના બેટા, બેટી તથા જમાઇ બધા અબજોપતિ શબ્દ અત્યંત નાનો પડે એટલી સંપત્તિના સ્વામી છે. શું આ લોકો નરેન્દ્ર મોદીથી સારા છે? ૩૫ વર્ષથી બંગાળમાં રાજ કરનાર મહાભ્રષ્ટ અને જુઠ્ઠા વામપંથીઓ શું નરેન્દ્ર મોદીથી સારા છે? વાઈ-ફાઈ, સીસીટીવી, ૧૫૦ કોલેજ, ૫૦૦ સ્કૂલ વગેરેની ભ્રામક જાહેરાતો ચલાવી દિલ્હીના લોકોને અબજોનો ચુનો લગાડનાર કેજરીવાલ શું નરેન્દ્ર મોદીથી સારા છે?

માયાવતી જ્યારે કાશીરામની સાથે રાજનીતિ કરવા આવ્યાં ત્યારે સાયકલ ઉપર પ્રચાર કરતાં હતાં; આજે તેમના સેન્ડલ પણ પ્લેનમાં આવે છે. તેમના ભાઇ પાસે ૪૯૭ કંપનીઓ છે. શું તેઓ નરેન્દ્ર મોદીથી સારાં છે? મોદીજીનો કોઇ સારો વિકલ્પ હોય તો જરૂર જાહેર કરવો જોઈએ. થોડું દેશ માટે પણ વિચારો, દેશ કેટલો બરબાદ કરવો છે? દેશને કેટલો લુંટાવવો છે? મોદીજીને પસંદ કરવાના કારણો કદાચ ઓછા હશે તો શું કોંગ્રેસ, બસપા, આપ, સપાને પસંદ નહીં કરવાના અનેક કારણો નથી?  લોકોની અપેક્ષા મુજબના સારા દિવસ નથી આવ્યા તેમ માની લઈએ તો પણ આજે મોદીજી સિવાય બીજો કોઇ સક્ષમ રાજનેતા દેખાય છે ખરો જે ભારતના સારા દિવસો માટે તન, મનથી પ્રયત્નો કરે?  તેઓ ભારતને સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનાવવા માગે છે જ્યાં દરેક નાગરીકને વિકાસની સમાન તક મળે. આજે દેશવાસીઓને પૂરો વિશ્વાસ છે જ કે, ભારતને ફરીથી વિશ્વ ગુરૂ બનાવવા માટે તેઓ સંનિષ્ઠ પ્રયાસ કરતા રહેશે. મોદીજીની ૫૬ ઈંચની છાતી ના હોય તો પણ તેમની છાતીમાં ભરપૂર દમ જરૂર છે. કેટલાક કહેવાતા બુદ્ધિજીવીઓ મોદીજીથી નારાજ જરૂર છે પણ તેથી કોઈ ફેર નથી પડતો, કારણ કે મોદીજીના આવવાથી યુવા પેઢી ખૂબ ખુશ છે. મોદીજી દેશનો કેટલો વિકાસ કરી શકશે તે ખબર નથી પરંતુ, તેઓ પોતાની જવાબદારીઓ નિભાવવામાં કોઈ કસર રાખશે નહીં.

કેન્દ્રની ભાજપ સરકારનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની શાસનધૂરા સંભાળ્યાને ચાર વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે ત્યારે કોંગ્રેસ ૨૬મી મેના રોજ વિશ્વાસઘાત દિવસની ઉજવણી કરવા જઈ રહી છે તેને આકરાં શબ્દોમાં વખોડી કાઢતાં શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, એક તરફ નરેન્દ્રભાઈ મોદીનાં નૂતન ભારતના નિર્માણનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે અને બીજીતરફ, ભારત કોંગ્રેસમુક્ત બની રહ્યું છે ત્યારે સત્તાવિહોણી કોંગ્રેસની હાલત કફોડી અને દયનીય બની ગઈ છે. પોતાની વિશ્વસનીયતા ગુમાવી બેઠેલા કોંગ્રેસીઓ વિશ્વાસઘાત દિવસ જેવી ઉજવણી કરીને પોતાની નિમ્નસ્તરની માનસિકતાનો વધુ એક પરિચય દેશની જનતાને આપી રહ્યા છે. ૪૮ વર્ષોમાં દેશને એક ભારત, શ્રેષ્ઠ ભારત બનાવવાની જે બહુમુલ્ય કામગીરી કોંગ્રેસ પક્ષ કરી ન શકી તેવી ક્રાંતિકારી ઐતિહાસિક કામગીરી ભાજપ સરકારે ૪૮ મહિનામાં કરી બતાવી છે. જેનાં પરિણામ સ્વરૂપ, કોંગ્રેસ સહિત વિપક્ષો અને તેમના દિગ્ગજ નેતાઓએ દેશમાં પોતાની સત્તાઓ ગુમાવી છે. આમાંના કેટલાંક જેલહવાલે છે તો કેટલાંક હવે જેલવાસ ભોગવશે. એકંદરે દેશની જનતાએ ભાજપને જ ભારતનો પર્યાય બનાવતાં વિરોધ પક્ષ પ્રભાવહીન બનાવ્યો છે. ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બનવા સાથે પ્રજાનો પસંદગીનો પક્ષ બન્યો છે. લોકશાહીમાં જનમત મહાન છે અને આ દેશનો મહાન જનમત આજે ભાજપની સાથે છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, દેશમાં અગાઉ ક્યારેય ન લેવાયા હોય એવા ક્રાંતિકારી પગલાં ભાજપ શાસનના ૪૮ મહિનાઓમાં લેવાયા છે. મેક-ઇન ઇંડિયા, સ્ટાર્ટ અપ, જીએસટી, સ્વચ્છતા ઝૂંબેશ, નોટબંધીના માધ્યમથી કાળા નાણાં અને આતંકી ભંડોળ સામે ઝૂંબેશ સહિત નરેન્દ્રભાઈ મોદીની સરકારે વીતેલા ચાર વર્ષમાં સમગ્ર વિશ્વમાં અસાધારણ લોકપ્રિયતા હાંસલ કરી છે. આ દરમિયાન, વિદેશ નીતિ, કાશ્મીર તથા નક્સલવાદ જેવા મુદ્દે ભારતને હકારાત્મક દિશામાં સફળતા મળી છે. જેમાં અમેરિકા-રશિયા-જાપાન સહિત અનેક દેશો સાથેના સબંધો પણ સુધર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન પ્રત્યે  લોકોમાં અસાધારણ જાગૃતિ કેળવી દેશને સ્વચ્છ અને સ્માર્ટ બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે. જેથી દેશની ગુણવત્તા સુધારવા માટેની જનચેતના વિકસવા સાથે સરકારી કર્મચારીઓમાં શિષ્ટતા તેમજ જવાબદારીની ભાવના વિકસી છે. અર્થતંત્રમાં ફુગાવાનો દર કાબુમાં આવ્યો છે. સામાન્ય બજેટની સાથે રેલ બજેટ મેળવી  દેવાયુ  છે. વળી, નેતાઓ સેવકની ભૂમિકામાં જ હોય તેની પ્રજાને ખાતરી કરાવવા ભાજપ સરકારે લાલબત્તી કલ્ચર નાબૂદ કર્યું છે. સામાન્યજનને ધ્યાનમાં રાખી ખેડૂતો માટે પાક વીમા યોજનાની શરૂઆત એક ઐતિહાસિક પગલું હતું. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના સહિતની અનેક યોજનાએ લોકોને માનભેર જીવન જીવવાનો વિશ્વાસ અપાવ્યો છે.

યુવાઓ માટે આ સરકારે ઇન્ટરવ્યૂ પ્રથા રદ કરી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા મહત્વાકાંક્ષી કાર્યક્રમો ૨૧મી સદીને ધ્યાનમાં રાખીને નવા રોજગારવાંચ્છુક માટે અનોખી શરૂઆત કરી છે. મેક ઈન ઇન્ડિયાનો નારો આપીને ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા સાધન-સરંજામનું ભારતમાં જ નિર્માણ શરૂ કરવાનું લક્ષ્ય લઈને મિશન શરૂ કરાયું જે અતિ પ્રસંશનીય છે. નેશનલ હેલ્થ પોલિસી હેઠળ ૧૫ વર્ષ બાદ વર્તમાન સરકારે દેશમાં નવી સ્વાસ્થ્ય નીતિ દાખલ કરી દેશવાસીઓને વિનામૂલ્યે દવા અને સુનિશ્ચિત તબીબી સેવા આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

જૂના કાયદાઓ અને કેસોની નિકાલમાં ૭૦૦ દિવસોમાં જ ભારત સરકારે ૧,૧૭૮ કાયદા રદ કરી નાખ્યા છે. ઉપરાંત, વન રેન્ક, વન પેન્શન જાહેર કરીને મોદી સરકારે દાયકાઓથી અનિર્ણિત પ્રશ્ન ઉકેલી મોટી સફળતા મેળવી છે. દેશની દિવસ-રાત સેવા કરનાર સૈનિકોની ઘણી જૂની માગણી પૂરી થતાં તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. જનહિતાર્થે, દેશસેવાર્થે નરેન્દ્રભાઈ મોદી દિવસના અઢારથી વીસ કલાક સતત કાર્યરત રહી, કોઈપણ પ્રકારનાં ભ્રષ્ટાચારથી દૂર રહી પોતાનું કર્તવ્ય અદા કરી રહ્યા છે એ અંગે સૌ દેશવાસીઓને તેમના અને ભાજપ પર વિશ્વાસ છે પણ કોંગ્રેસની આંખમાં કમળો હોય એને બધું પીળું જ દેખાય છે. તેમ શ્રી ધ્રુવે જણાવ્યું છે.

નિવેદનના અંતમાં જણાવાયું છે કે, ભારતની આઝાદીથી લઈ આજ સુધી ખુદ કોંગ્રેસે દેશને ડગલે ને પગલે છેતર્યો છે. નેહરુ-ગાંધી પરિવાર આ દેશના સૌથી મોટા વિશ્વાસઘાતી છે. સૌ જાણે છે કે, કોંગ્રેસ ઉધઈની જેમ દેશને ખોખલો કરતી આવી હતી ત્યારે વિકાસથી વંચિત થયેલા ભારતને ભાજપનાં શાસનમાં નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની ઊંચાઈઓ પર પહોંચાડી વિશ્વભરમાં ભારતને ગૌરવ પ્રદાન કર્યું છે. વિશ્વાસઘાત દિવસ ઉજવી રહેલી કોંગ્રેસને દેશની જનતા આગામી ચુંટણીઓમાં વધુ જડબાતોડ જવાબ આપશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.