બે મહાપુરુષો વચ્ચેની નિખાલસ મિત્રતા

(ગાંધીજીના પ્રભાવ વિશે અર્નાલ્ડ ટાયનબીનએ લખ્યું કે અમે જે પેઢીમાં જન્મ લીધો છે, એ ફ્ક્ત પશ્ચિમમાં હિટલર અને રૂસમાં સ્ટાલિનની પેઢી નથી, પરંતુ એ ભારતમાં ગાંધીજીની પેઢી પણ છે અને એ ભવિષ્યવાણી સચોટ વિશ્ર્વાસની સાથે કરી શકાય એમ છે કે માનવ ઈતિહાસ પર ગાંધીજીનો પ્રભાવ સ્ટાલિન અથવા હિટલરથી કેટલાય ઘણો વધારે લાંબો અને સ્થાયી હશે)

ટાગોરની જીવનગાથા લખનાર પ્રભાતકુમાર મુખર્જીએ જણાવ્યું કે, 1912-13માં ગુજરાતી બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી પ્રવાસી ભારતીયો પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ પ્રગટ કરવા માટે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ આયોજિત કરવામાં વ્યસ્ત હતાં. ગાંધી અને ટાગોરનાં એક કોમન-ફ્રેન્ડ એવા બ્રિટિશ પાદરી સી.એફ.એન્ડ્રુઝને સમગ્ર આંદોલન પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ટાગોરે એન્ડ્રુઝનાં કાર્યોની પ્રશસ્તિ કરતો એક પત્ર લખ્યો, તમે આફ્રિકામાં મહાત્મા ગાંધી અને અન્યોની સાથે મળીને અમારા હિતો માટે સંઘર્ષ કરી રહ્યા છો એ સરાહનીય છે!

19મી સદીનાં અંતિમ ચરણમાં અને 20મી સદીની શરૂઆતમાં બે મહાન ભારતીયો રવિન્દ્રનાથ ટાગોર અને મોહનદાસ કરમચંદ ગાંધી વચ્ચે અત્યંત ઉંડુ અને વાત્સલ્યસભર તાદાત્મ્ય સ્થાપિત થઈ ચૂક્યું હતું. ધ્યાનાકર્ષક બાબત એ હતી કે, બંને મહાનુભાવો ભારતીયતા, માનવતા અને બંધનમુક્તિનાં સમર્થક હતાં. પંડિત જવાહરલાલ નેહરુએ 1941માં પોતાની જેલ ડાયરીમાં લખ્યું હતું : ગાંધી અને ટાગોર, એકબીજાથી તદ્દન ભિન્ન પ્રકારનાં બે વ્યક્તિત્વો જેમની ગણના ભારતનાં મહાન પુરુષોમાં થાય છે. મેં બહુ લાંબા સમય સુધી અનુભવ્યું છે કે તેઓ આજનાં વિશ્વનાં અસાધારણ વ્યક્તિઓ છે. બેશક, એવા ઘણા લોકો છે જે એમનાથી વધુ યોગ્ય અને પોતપોતાનાં ક્ષેત્રોમાં વિશેષ પ્રતિભા ધરાવે છે. પરંતુ ગાંધી અને ટાગોર બંને કોઇ એક ચોક્ક્સ ગુણને કારણે નહીં પણ સામૂહિક પ્રભાવને લીધે સર્વોત્તમ વ્યક્તિત્વો છે. એ મારું સૌભાગ્ય છે કે હું એમનાં સંસર્ગમાં રહી શક્યો!

બહારનાં વિશ્વ સમક્ષ ટાગોરે મહાત્મા ગાંધીને ભારતનાં આધ્યાત્મિક આત્માનાં રૂપમાં પ્રસ્તુત કરવામાં પણ કોઇ ખચકાટ ન અનુભવ્યો. 1938ની સાલમાં ચીનનાં માર્શલ ચેન કાઇ સેકને એમણે પત્ર લખીને જણાવ્યું કે, નૈતિકતાની ખોટ વચ્ચે આ નિરાશાજનક અવસર પર આપણે એવી આશા રાખવી સ્વાભાવિક છે કે જે મહાદ્વીપ પર બુદ્ધ અને ઇસા મસીહનો જન્મ થયો ત્યાં ગાંધીનાં સ્વરૂપમાં વિશ્વને હકારાત્મકતાનું કિરણ દેખાઈ નથી રહ્યું?

મનમાં એક પ્રશ્ન તો એવો પણ જાગે કે, સાઉથ આફ્રિકામાં કામ કરી રહેલા એક બંગાળી કવિ અને બીજા ગુજરાતી બેરિસ્ટર વચ્ચે આટલી ઉંડી દોસ્તી કેવી રીતે પ્રસ્થાપિત થઈ? ટાગોરની જીવનગાથા લખનાર પ્રભાતકુમાર મુખર્જીએ જણાવ્યું કે, 1912-13માં ગુજરાતી બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી પ્રવાસી ભારતીયો પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ પ્રગટ કરવા માટે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ આયોજિત કરવામાં વ્યસ્ત હતાં. ગાંધી અને ટાગોરનાં એક કોમન-ફ્રેન્ડ એવા બ્રિટિશ પાદરી સી.એફ.એન્ડ્રુઝને સમગ્ર આંદોલન પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ટાગોરે એન્ડ્રુઝનાં કાર્યોની પ્રશસ્તિ કરતો એક પત્ર લખ્યો, તમે આફ્રિકામાં મહાત્મા ગાંધી અને અન્યોની સાથે મળીને અમારા હિતો માટે સંઘર્ષ કરી રહ્યા છો એ સરાહનીય છે!

કવિ અને કર્મયોગીની સર્વપ્રથમ મુલાકાત 6 માર્ચ, 1915નાં રોજ થઈ. ગાંધીજી શાંતિનિકેતન વ્યવસ્થાથી પૂરી રીતે સંતુષ્ટ નહોતાં. તેઓ ઇચ્છતાં હતાં કે વિદ્યાર્થીઓ અધ્યયનની સાથોસાથ પોતપોતાનું કામ પણ જાતે કરે. એમણે અનુભવ્યું કે નોકર, રસોઇયા કે કચરા-પોતા કરનાર વ્યક્તિઓની કોઇ જરૂર જ નથી. જ્યારે ગાંધીએ ટાગોર સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે કવિરાજ તો તુરંત જ માની ગયા. એમણે આશ્રમમાં ‘સબ કાજે હાથ લગાઇ મોરા’ની ઘોષણા કરી દીધી. નવી વ્યવસ્થા 10 માર્ચ, 1915નાં રોજ અમલમાં મૂકી દેવામાં આવી. ટાગોરે એ દિવસને ‘ગાંધી દિવસ’ જાહેર કરી દીધો.

સ્વતંત્રતા આંદોલન શરૂ થતાંની સાથે ગાંધીજી સંપૂર્ણત: એમાં વ્યસ્ત થઈ ગયા. ધીરે ધીરે ટાગોર સાથે એમનાં સંબંધો બગડવાની શરૂઆત થઈ. 1921માં આંદોલનનાં સ્વરૂપ બાબતે ગાંધીજી ટાગોર સાથે વાદવિવાદમાં ઉતરી ગયા. એમણે સ્કૂલ-કોલેજનો બહિષ્કાર તેમજ વિદેશી કપડાં સળગાવી નાંખવાની પ્રવૃત્તિ સામે પોતાનો સખત વિરોધ નોંધાવ્યો. પ્રતિદિન અડધો કલાક ચરખો ચલાવવાની વાત પર ટાગોરે દલીલ એ હતી કે, અગર આમ કરવાથી દેશને સ્વાધીનતા અથવા સ્વરાજ્ય પ્રાપ્ત થઈ શકતું હોય તો દિવસનાં સાડા આઠ કલાક સુધી ચરખો ચલાવવો જોઇએ! બંને વચ્ચે આ મામલે પણ સહમતિ ન થઈ શકી.

વાદવિવાદ અને મતભેદો હોવા છતાં પૂનાની યરવડા જેલમાં અનશન પર ઉતરી આવેલા ગાંધીજીનાં સ્વાસ્થ્ય માટે ચિંતિત રવિન્દ્રનાથ ટાગોર સીધા એમનાં ખબરઅંતર પૂછવા પહોંચી ગયા. એમને અંદર લઈ આવવા માટે ગાંધીજીએ પોતાનાં પુત્રને મોકલ્યો. થોડા સમયની અંદર બ્રિટિશ સરકાર ગાંધીજીની માંગ સ્વીકારવા તૈયાર થઈ ગયા અને કમલા નેહરૂએ પારણા કરાવવા માટે જ્યુસ તૈયાર કર્યો. જે કસ્તુરબાએ પોતાનાં હાથોથી મહાત્માને પીવડાવ્યો. એ વખતે એમણે ટાગોરને એમનું સ્વરચિત ગીત ગાવાનો અનુરોધ કર્યો. ટાગોરે પણ સહર્ષ એમની આ માંગણી સ્વીકારી : “જીવન જખાં સુખઇકરૂણાઘરાઈ એસો” ગીત ગાઈને ટાગોરે મહાત્માની વિદાય લીધી. એ દિવસે તેમણે મહાત્મા સાથેનાં અનુભવોને પોતાનાં પુસ્તકમાં સામેલ કર્યા.

મહાત્મા પોતે ટાગોરની શાંતિનિકેતન ખાતે આવેલી સ્કૂલ અને વિશ્વવિદ્યાલયમાં લગભગ ચારેક વખત ગયા હશે. બે વખત એકલા અને બેએક વખત કસ્તુરબા સાથે! 1936માં રવિન્દ્રનાથ પોતાની નૃત્ય નાટક મંડળી સાથે દિલ્લી પહોંચ્યા. એ પહેલા તેઓ ઇલાહાબાદ અને લખનઉ જઈ ચૂક્યા હતાં. એમનો ઉદ્દેશ્ય વિશ્વભારતી માટે ધન એકત્રિત કરવાનો હતો. ગાંધીજીને એ જાણીને અત્યંત દુ:ખ થયું કે ટાગોર જેવા માણસ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. તુરંત એમણે ટાગોરને મળીને ધનની વ્યવસ્થા કરી આપી.

ટાગોરનાં મૃત્યુનાં બરાબર એક વર્ષ પહેલા 1940માં ગાંધીજી કસ્તુરબાને લઈ બિમાર કવિરાજ પાસે પહોંચ્યા. ટાગોરે એમને વિનંતી કરી કે પોતાની અનુપસ્થિતિમાં વિશ્વભારતીનો સમગ્ર કાર્યભાર તેઓ પોતાનાં હાથમાં લઈ લે! દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ 1951ની સાલમાં ભારત સરકારે વિશ્વભારતી પર કેન્દ્રિય વિશ્વવિદ્યાલયનાં સ્વરૂપે પોતાનો અધિકાર પ્રસ્થાપિત કરી દીધો.

એવું કહેવાય છે કે, 12 એપ્રિલ 1919 ના દિવસે રવીન્દ્રનાથ ટાગોરે એક પત્ર લખ્યો હતો, જેમાં એમણે સૌપ્રથમ વખત ગાંધીજીને મહાત્મા કહીને સંબોધિત કર્યા હતા. એમણે કહ્યું કે ગાંધીજીની અભ્યર્થના પર ભારત નવી મહાનતાઓને એ પ્રકારે સ્પર્શવા લાગ્યું છે, જેવી રીતે અગાઉના સમયમાં બુદ્ધે સત્ય અને જીવો વચ્ચે ભાઈચારા તથા સદભાવનાની ઘોષણા કરી હતી. સામે પક્ષે, ગાંધીજીએ ટાગોરને મહાન સંત એવા ‘ગુરૂદેવ’ના નામથી સંબોધિત કર્યા હતા.