Abtak Media Google News

26 રાજયમાં ફરી 350થી વધુ પ્રકારના દેશી બીજ એકત્ર કરી નસીત દંપતિ પર્યાવરણ અને પ્રકૃતિ  સંવર્ધન ક્ષેત્રે ચિંધે છે નવો રાહ

મનમાં હામ હોય તો હિમાલય ઓળંગી  જવાય…. બસ આવી જ યુક્તીને સાર્થક કરી રહ્યા છે, કેશોદ તાલુકાનાં નાના એવા ગામડામાં રહેતા અને કૃષિ વ્યવસાય સાથે પ્રકૃતિ સંવર્ધનનાં રખોપા કરતા ભરતભાઇ અને નિતાબેન નસીત.

આજે આપણે વાત કરવી છે, એવા દંપતીની જેનામાં પર્યાવરણ સંવર્ધનની ભારોભાર ભાવનાં જોવા મળી છે એવા ટીટોડી ગામનાં ભરતભાઇ ભીમાભાઇ નસીત અને તેમનાં ધર્મચારિણી નીતાબેન નસીતનાં પ્રકૃતિ અને પર્યાવરણ ક્ષેત્રે લોકજાગૃતિ લાવવા અને લુપ્ત થતી જતી વનસ્પતિ, છોડ-વેલાની વિવિધ પ્રજાતીઓનાં રખરખાવ અને તેને બચાવવા સ્વબળે  ચલાવાતી સીડ બેંક અંગેની.

કેશોદથી આઠ-દસ કીલોમિટરનાં અંતરે વસેલુ ટીટોડી ગામ કૃષિકાર પરીવારો વાળુ ગામ છે. ટીટોડી ગામે વડીલોપર્જિત નાનકડી ખેતી ધરાવતા ભરતભાઇ ભીમાભાઇ નસીત પોતે ખેડુત પુત્ર હોવાનાં નાતે કૃષિમાં તેનો રસ રૂચિનો તાદાત્મય જળવાઇ રહ્યો છે. પોતાની પાસે વધુ જમીન ન હોવાથી ભાડે જમીન રાખી ભરતભાઇ વિવિધ ફુલ-છોડ-વેલા અને શાકભાજીનાં બીજ તૈયાર કરી બીજ બેંક ચલાવી રહ્યા છે. ભરતભાઇ રાજ્ય સરકારના કૃષી વિભાગ દ્વારા પ્રકાશિત થતા પ્રકાશનોનું વાંચન કરે છે, જેથી સરકારની સુધારેલ ખેતિ, જૈવિક ખેતીમાં રસ રૂચિ ધરાવે છે.

તેમનો પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો લગાવ વ્યક્ત કરતા ભરતભાઈ જણાવે છે કે, વર્તમાન સમયમાં પ્રાણી-પક્ષી વનસ્પતિ-વૃક્ષ- વેલા છોડની અનેક પ્રજાતિ લુપ્ત થતી જાય છે. આજે હાઇબ્રીડ અને બીટી કપાસ જેવી સંશોધીત જાતો આવતા દેશી છોડ, વેલા અને વનસ્પતિ અદ્રશ્ય થતી જાય છે. ગામડામાં, વગડામાં જોવા મળતા ખરખોડા કે તેના જેવી અનેક જાત આજે શોધવા જતાય ના જડે એવી નોબત આવી છે,  ત્યારે ભરતભાઈ કહે છે કે લુપ્ત થતી ઔષધિ વનસ્પતિ અને વૃક્ષોને બચાવવાનો હું મારાથી બનતો પ્રયાસ કરૂ છુ. મારી પાસે ટુંકી જમીન હોય મેં ભાડે જમીન રાખી ખેતી સાથે છેલ્લા દસ વર્ષમાં 26 રાજ્યમાં પરિભ્રમણ કરી 350 થી વધુ દેશી બીજ એકત્ર કર્યા છે અને ખેડૂતો સુધી પહોંચાડ્યા છે

ભરતભાઈ વધુમાં જણાવે છે કે, આજે કૃષિ પેદાશના દેશી બીજની પરંપરા લુપ્ત થવાના આરે છે. ત્યારે મને થયું કે આ પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ. માત્ર ગુજરાતનાં વિવિધ જિલ્લાઓ સહિત દેશના 26 રાજ્યનો પ્રવાસ કરી ત્યાંથી મને મળેલ જૈવિક વૈવિધ્યને મારા ખેતરમાં નિરૂપીત કરીને તેના બીજ અન્ય ખેડુતોનાં ખેતર સુધી પહોંચતા કર્યા છે. શાકભાજી, ફૂલછોડ અને ઔષધીય પાકોના દેશી બીજનું વાવેતર કરી વિપુલ  ઉત્પાદન તો મેળવ્યું સાથે દેશનાં અન્ય રાજ્યનાં ભુ-ભાગથી પરિચય કેળવી, દેશી બીજની સંસ્કૃતિ અને પ્રકૃતિનો અભ્યાસ કર્યા છે. તેના અમૂલ્ય વારસાનું સંવર્ધન કઈ રીતે થઈ શકે તે અંગેની જાણકારી પણ મેળવી છે

ભરતભાઈ જે દેશી બીજનું ઉત્પાદન મેળવે છે તેનું ખેડૂતોને રૂબરૂ મળીને વેચાણ કરે છે. હાલમાં તેમની પાસે દેશી બીજ ની 350 કરતાં વધુ વેરાયટી ઉપલબ્ધ છે. ખેડૂતોને આ વેરાયટીનો લાભ મળે તે પ્રકારે માર્કેટિંગ વ્યવસ્થા ગોઠવી છે. આ દેશી બીજના ગ્રેડિંગ પેકેજીંગના કારણે સારા ભાવ મળે છે અથવા તો ખેડૂતોને બીજ આપી ઉત્પાદન કરાવે છે અને વાવેતર થયા બાદ ફરી પાછું તેજ બીજ ખેડૂતો પાસેથી લઈ લે છે. આ બીજ બેંકમાં ભરતભાઈના પત્નીનો પણ સારો સહકાર મળે છે ભરતભાઈ જણાવ્યું હતું કે, આ બીજ બેંક જ્યારે મેં ઉપલબ્ધ કરી ત્યારે મારા પત્ની કચવાટ અનુભવતા હતા. હવે છેલ્લા ચારેક વર્ષથી ખબે ખભો મિલાવીને આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.

કેશોદના પ્રકૃતિ પ્રેમીઓને યાદ કરવા ઘટે

જુનાગઢ જિલ્લાનો કેશોદ તાલુકો ઘેડ સંલગ્ન ભુરચના ધરાવતો તાલુકો છે. ઊંધી રકાબી જેવો આ વિસ્તારમાં ભલે વનપ્રદેશ કે વૃક્ષોની વનરાઇ ના હોય પણ અહીંનાં લોકો પ્રકૃતિ પ્રેમથી ભરપુર છે. ત્યારે આ તકે યાદ કરવા ઘટે ગોકુલ ચુલા વાળા હરસુખભાઇ ડોબરીયાને તથા ઓછા ખર્ચે સ્મશાન ભઠ્ઠીનું નિર્માણ કરનાર અર્જુનભાઇને તે સાથે ટીટોડી ગામનાં વૃક્ષ પ્રેમી ભીમશીભાઇ બારીયાને…. જેમણે પણ બીજ બેંક ચલાવતા નસિત દંપતીની જેમ પ્રકૃતિને ભરપૂર પ્રેમ કર્યો છે, અને સૈાનાં દિલમાં પ્રકૃતિ સંવર્ધનનાં રખોપા હંમેશા રહ્યા છે.

દેશી વનસ્પતિ સૃષ્ટિનું સંવર્ધન જરૂરી

વૃક્ષ-છોડ-વેલાનાં (બિયારણ) બીજ બેંકનાં વિષયમાં ભરતભાઇને સહયોગ પુરો પાડતા નિતાબેન કહે છે કે, આપણી જૈવ વિવિધતા વિશ્વમાં અનોખી છે. અહીં આપણને આપણી વિવિધ ઋતુનાં સંયોજન મુજબ વનસ્પતિ સૃષ્ટી ઈશ્વરે ભેટ ઘરી છે. દિન પ્રતીદિન શહેરીકરણનો વ્યાપ વધતા હવે પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ આવનાર પેઢી માટે માત્ર પુસ્તક આધારીત બની રહ્યા છે. ત્યારે જૈવીક ખેતી સાથે આપણી દેશી વનસ્પતિ સૃષ્ટીને સંવર્ધીત કરવી એટલી જ જરૂરી છે. આ માટે અમોએ અમારાથી બનતો પ્રયાસ કરીને આપણી પ્રાચિન પ્રાકૃતિક  ધરોહરને રખેવાળી કરવા અમારી જાતને જોડી છે. આ સત્કાર્યમાં લોકોનો સારો સહયોગ પણ મળી રહ્યો છે. આજે નગરીય લોકોને વૃક્ષોનાં નામ પુછશો તો પણ નહી આવડે તેટલી વિવિધતા આપણને જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.