૭૦ ટકા શહેરી સ્ત્રીઓમાં ‘વીટામીન-ડી’ની ઉણપ

WOMEN | HEALTH
WOMEN | HEALTH

‘વીટામીન ડી’ની ખામીથી લોહીનું ઉંચું દબાણ, ટાઇપ-ર ડાયાબિટીસ, માનસિક તણાવ તેમજ હૃદયને લગતી બિમારીઓ થઇ શકે છે

આજના દોડધામવાળા યુગમાં તમામ લોકો કોઇક ને કોઇક પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છે. વહેલા ઉઠીને સૂર્યના કિરણો દ્વારા ‘વીટામીન ડી’ પ્રાપ્ત કરવાનો જાણે સમય જ નથી. આજે મોટાભાગના લોકો ઓફીસ અથવા ચાર દિવાલની અંદર કામ કરતા થયા છે. આથી બહાર તડકામાં ઓછા નીકળે છે. તેમજ ‘વીટામીન ડી’ મળતુ હોય તેવા ખોરાકથી પણ વંચિત રહે છે. આથી આજના યુગમાં મોટાભાગના લોકોમાં વીટામીન ડીની ઉણપ જોવા મળે છે. તાજેતરમાં આ ઉપર કરાયેલા સર્વે અનુસાર, ગુજરાતમાં ૭૦ ટકા શહેરી સ્ત્રીઓમાં વીટામીન ડીની ખામી જોવા મળી છે.

આ સર્વે ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સુરતમાં ૩૫,૦૦૦ સ્ત્રીઓ પર સાયન્ટીફીક ડાયગ્નોસ્ટીક સેન્ટર (એસડીસી) દ્વારા કરવામાં આવ્યો હતો. આ જ પ્રકારનો સર્વે વર્ષ ૨૦૧૨માં પણ કરાયો હતો. જેમાં શહેરોમાં ૮૫ ટકા સ્ત્રીઓમાં વીટામીન ડીની ખામી જોવા મળી હતી જ્યારે વર્ષ ૨૦૧૬માં ૭૦ ટકા શહેરી સ્ત્રીઓમાં વીટામીન ડીની ઉણપ જોવા મળી છે. વીટામીન ડી મોટેભાગે સુર્યના તડકા દ્વારા જ મળે છે. સુર્યના કિરણો ત્વચા પર પડવાથી ઓટોમેટીક શરીરમાં વીટામીન ડીની રચના થવા માંડે છે. વીટામીન ડીની ખામીથી લોહીનું ઉંચું દબાણ, ટાઇપ-ર ડાયાબીટીસ, ડીપ્રેશન, માનસિક તણાવ જેવી બિમારીઓ થાય છે .વીટામીન ડીની ઉણપનું કારણ આજના આધુનિક યુગમાં અયોગ્ય અને અપ્રમાણિત જીવનશૈલી પણ હોઇ શકે છે. આ સર્વેમાં સામેલ એસડીસીના ડો.જનક ઠક્કરે જણાવ્યું કે, મોટાભાગના લોકો વીટામીન ડીની ઉણપથી થતી બિમારીઓથી અજાણ છે. વીટામીન ડીની ઉણપ લોકોને સામાન્ય લાગતી હોય છે. પરંતુ તે લાંબાગાળે હૃદયને લગતા તેમજ ડાયાબીટીસ જેવા અનેક રોગ ઉત્પન્ન કરે છે.

વીટામીન ડીની ઉણપ ધરાવતી ૩૦ વર્ષથી નીચેની ઉમરની સ્ત્રીઓમાં આ અંગે સભાન થતા ઘણાખરા અંશે ઘટાડો નોંધાયો છે. પ્રેગનન્ટ સ્ત્રીઓમાં વીટામીન ડીની ખામી ઘણા પ્રશ્ર્નો ઉભા કરી શકે છે.