Abtak Media Google News

સવારે અને સાંજે ૬ થી ૯ સિટી બસ દોડાવાશે: હોમ ક્વોરોન્ટાઇન કરેલા ૫૧૫ દર્દીઓને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વ્હોટ્સએપ ગૃપ મારફતે કોરોના વાયરસથી સાવચેતી રાખવા સતત અપાતું માર્ગદર્શન

કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગરૂપે વિદેશથી આવેલા લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ૩૧મી માર્ચ સુધી કોરોના વાયરસને લઈને લોકડાઉન જાહેર કરાયું છે. જેને પગલે લોકોને જરૂરીયાત મુજબની ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓની સુવિધાઓ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો માટે સવારથી સાંજ સિટી બસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત આરોગ્યની ટીમ રાજકોટ શહેરમાં હોમ કવોરન્ટાઈન કરાયેલા ૫૧૫ લોકો ઉપર સતત દેખરેખ રાખી રહ્યાં છે. આજે રાજકોટ મ્યુનિ.કમિશનરે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં હાલની પરિસ્થિતિ મુજબ જે લોકો આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા છે. જેવી કે આરોગ્ય વિભાગની ટીમ, સોલીડ વેસ્ટની ટીમ ઉપરાંત અમુક સામાજિક સંસ્થાઓ તેમજ સેવાભાવી સંસ્થાઓ માટે સવારે ૬ થી ૯ અને સાંજે ૬ થી ૯ એમ ત્રણ-ત્રણ કલાક સિટી બસની સેવાઓ ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત હાલમાં કોરોના વાયરસના પગલે રાજકોટમાં વિદેશથી આવેલ ૫૧૫ લોકોને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ તમામ હોમ કવોરન્ટાઈન લોકોને આરોગ્ય વિભાગની ૧૦૦ ટીમ દ્વારા સતત દેખરેખ રાખીને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પુછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ૨૧ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શહેરભરના હોમ કવોરન્ટાઈન લોકોના વોટ્સએપ ગ્રુપ બનાવી શું-શું તકેદારી રાખવી તે અંગે પણ માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. તેમજ હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે એક કંટ્રોલરૂમ પણ કાર્યરત છે. જેમાં કોરોના વાયરસને લઈને તમામ અપડેટ અને વિવિધ ટીમો કાર્યરત કરીને લોકોને વોટ્સએપ મેસેજ કરીને કોરોના વાયરસ અંગે જાગૃતતા આપવામાં આવી રહી છે.

તમામ હોમ કવોરન્ટાઈન કરાયેલા લોકો તેમના ઘરમાં જ જોવા મળી રહ્યાં છે. પ્રસાસકો તેમજ નાગરિકો તરફથી પુરતો સહયોગ મળી રહ્યો છે જેથી કવોરન્ટાઈન થયેલ લોકોનો મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.