ન હોય… કોરોનાથી પીડાતો દર્દી માનસિક બીમારીનો પણ શિકાર !

હાલ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ અમેરિકા દ્વારા 2.30 લાખ અમેરિકન કોરોના દર્દીઓ પર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર ત્રીજા દર્દીને માનસિક બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે તેવો ધડાકો વૈજ્ઞાનિકોએ મંગળવારે કર્યો છે. વૈજ્ઞાનિકો હાલ મૂંઝવણમાં છે કે, કોરોના અને માનસિક બીમારીઓ વચ્ચે શું કનેક્શન છે ? પરંતુ એક બાબત સામાન્ય રીતે સામે આવી છે કે, કોરોનાથી પીડાતા દર્દીઓ 14 જેટલી માનસિક બીમારીઓનો પણ શિકાર બની રહ્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર પૌલલ હેરિસનના જણાવ્યા અનુસાર, કોરોનામાથી સ્વસ્થ થયેલા દર ત્રીજા દર્દીને માનસિક બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, દર્દીઓ નાની-નાની માનસિક બિમારીઓ સામે પીડાઇ રહ્યા છે પરંતુ આ બીમારીઓ દર્દીઓ પર નકારાત્મક અસર છોડી રહી છે. પૌલ હેરીસનના સાથી કર્મચારી મેક્સ ટ્રેક્ટે અવલોકન કર્યું છે કે, કોરોના અને માનસિક બીમારીઓ વચ્ચે બાયોલોજીકલ અને સાઇકોલોજિકલ શું કનેક્શન છે ? જે તરફ હાલ ધ્યાન કેન્દ્રિત કરી શોધ શરૂ કરી દેવામાં આવી છે.તેમણે વધુમાં નોંધ્યું છે કે, જ્યાં સુધી આ કનેકશન અંગે કોઈ સચોટ તારણ મેળવી નહીં લેવાય ત્યાં સુધી દર્દીઓને સારવાર આપવો પણ પડકારજનક રહેશે. નોંધનીય બાબત છે કે, ગત વર્ષે આ વૈજ્ઞાનિકોની દ્વારા જ કોરોના સંક્રમિત દર્દીઓ પર રિસર્ચ કરતાં સર્વે કરાયો હતો કે, 20% જેટલા કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓ માનસિક બીમારીના શિકાર બન્યા હતાં. ફરીવાર વૈજ્ઞાનિકો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે જેમાં દર ત્રીજો દર્દી માનસિક બીમારીથી પીડાતો હોવાનું સામે આવ્યું છે.

લોકડાઉનની ભીતિએ પરપ્રાંતીય મજૂરોની હિજરત શરૂ: ઔદ્યોગિક એકમો માટે મોટો પડકાર!!!

દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં નાઈટ કર્યું તેમજ મીની લોકડાઉન જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશભરમાં ફરિવાર લોકડાઉનલાગી જશે તેવા ભયને પગલે મોટા પાયે ફરીથી પરપ્રાંતીય મજૂરોની હિજરત શરૂ થઈ છે અને દેશમાં ઉત્પાદન ક્ષેત્રની સામે નવેસરથી પાછો એક પડકાર શરૂ થઈ ગયો છે. દેશની અનેક કંપનીઓ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે, મજૂરો ફરીથી મોટા પાયે પલાયન કરી રહ્યા છે અને પોતાના ગામ તરફ ભાગી રહ્યા છે. પરિણામે નાની-મોટી કંપનીઓમાં ઉત્પાદનની કામગીરીને ગંભીર અસર પહોંચવાની શરુઆત થઈ ગઈ છે. મહારાષ્ટ્ર રાજ્યમાંથી સૌથી મોટી સંખ્યામાં મજૂરો રાજ્ય છોડીને પોતાના ગામ તરફ ચાલ્યા ગયા છે. ત્યારે મહારાષ્ટ્રમાં અર્થતંત્રની સામે અને ખાસ કરીને ઉત્પાદન કેન્દ્ર ની સામે ભયંકર પડકારો શરૂ થઈ ગયા છે. ઉત્પાદનની ક્ષમતા ઘટી જવાને પગલે પેમેન્ટમાં ફરીથી કટોકટી ઊભી થવાની સંભાવના છે અને મોટા પ્રમાણમાં શહેરોમાં તેમજ ગામડાઓમાં નોકરીનું લેવલ ડાઉન થઈ જવાનો ખતરો પેદા થઈ ગયો છે તેમ અનેક કંપનીઓએ જણાવ્યું છે. ખાસ ઉલ્લેખનીય બાબત છે કે, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જે ઔદ્યોગિક એકમો આવેલા છે ત્યાંથી પણ પરપ્રાંતિય મજૂરો હિજરત શરૂ કરે તો ઉત્પાદન ક્ષમતાથી માંડીને ઔદ્યોગિક એકમો અને અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે. અગાઉ જ્યારે લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું ત્યારે પણ કંઇક આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઇ હતી પરંતુ કોરોનાથી રાહત મળતા અને લોકડાઉન પૂર્ણ થતા ફરીવાર ઔદ્યોગિક એકમો યેનકેન પ્રકારે ધમધમતા થયા હતા જો કે, હાલ ફરી એકવાર સંક્રમણ અને લોકડાઉનની ભીતિએ મજૂરો પોતાના વતન તરફ દોટ મૂકી રહ્યા છે.

દાદારાનગર-હવેલીમાં 5 લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ!!!

સતત કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે. તેના કારણે રાજ્યોની સાથોસાથ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંક્રમણ અટકાવવા માટે અનેકવિધ ઉપાયો કરાઈ રહ્યા છે. તેના જ ભાગરૂપે દાદરાનગર હવેલી તંત્ર દ્વારા કોઈપણ જાહેર સ્થળે પાંચ લોકોને એકત્રિત થવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના પાડોશી રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. દમણ જિલ્લા કલેકટર ડો. રાકેશ મીન્હાઝ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશના કોઇપણ જાહેર સ્થળોએ પાંચથી વધુ લોકો એકત્રિત થઇ શકશે નહીં. આવું કરનાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય બાબત છે કે, જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓનું વેચાણ સરળતાથી કરી શકાશે તેમજ ખાદ્ય ચીજવસ્તુઓની ડિલિવરી પણ કરી શકાશે. સાથોસાથ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ તેમની શિફ્ટ પ્રમાણે અવર-જવર કરી શકશે.

સ્મશાનગૃહોમાં પણ ‘વેઇટિંગ’ની પરિસ્થિતિ ?!!!

જે રીતે શહેરમાં દિનપ્રતિદિન કોરોનાનું તાંડવ ચાલી રહ્યું છે તેના કારણે દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. કોરોનાને કારણે દરરોજ 20 થી 25 દર્દીઓના મોત સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે તેવા સમયે અનેકવિધ દર્દીઓ ઘરે રહીને સારવાર લેતા હોય છે અને તંત્ર પાસે તેઓ સંક્રમિત હોવાની વાત પણ છુપાવતા હોય છે ત્યારે ચોક્કસ સવાલ ઉદ્ભવી રહ્યો છે કે કોરોના દરરોજ કેટલા દર્દીઓનો ભોગ લઈ રહયો છે? સ્મશાન ગૃહમાં પણ દરરોજ ખૂબ મોટી સંખ્યામાં શવ આવી રહ્યા છે. ત્યારે હવે સ્મશાન ગૃહને કોરોના દર્દીઓના શવના સંસ્કાર માટે ઇલેક્ટ્રિકની સાથે લાકડાથી સંસ્કાર કરવાની છૂટ આપી દેવામાં આવી છે. જે રીતે કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે તેને ધ્યાને રાખીને હાલના તબક્કે સવાલ ઉદ્ભવ્યો છે કે, હોસ્પીટલોની જેમ હવે શું સ્મશાન ગૃહ અને કબ્રસ્તાનોમાં પણ વેઇટિંગ નો સામનો કરવો પડશે કે કેમ?