આજે દિવસે-દિવસે વધતા પ્રદુષણને લીધે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની આફત સાથે ઝઝૂમી રહ્યું છે.જેને લઈ સુનામીઓ,ધરતી કંપ અને અનિયમિત ઋતુચક્રનું થતું નિર્માણ ઉપરાંત લોકોની તંદુરસ્તી પર થતી માઠી અસર સહિતની તમામ વસ્તુઓ ગ્લોબલ વોર્મિંગને જ આભારી હોવાની પ્રતીતિ ભારત સહિત વિશ્વના તમામ દેશો કરી રહ્યા છે.ત્યારે ગ્લોબલ વોર્મિંગની થતી ગંભીર અસરોને નિવારવા હાલ તો વિશ્વના તમામ દેશોએ કવાયત હાથ ધરી હોવા છતાં ખાસ કંઈ પરિણામ હાંસલ કરી શક્યા  નથી.પરંતુ તેમ છતાં ભારત સહિતના તમામ દેશો આ દિશામાં પ્રયત્નશીલ રહી ઔધોગિક પ્રદૂષણમાં ઘટાડો કરવો,વાહનોમાં પેટ્રોલ-ડિઝલને બદલે સૌર ઊર્જા તથા ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ,વૃક્ષોની વાવણી અને જાળવણી કરી જંગલોના નિર્માણ તરફ ભાર મૂકી લોકોને સતત જાગૃત કરી રહ્યા છે.

સાત દિવસમાં 1350 કિલોમીટરની સફર પૂર્ણ કરનાર પોલીસમેન કૃષ્ણપાલ રાઠોડને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે અભિનંદન પાઠવ્યા

ત્યારે રાજકોટ શહેર પોલીસે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યા સામે લડવા અને લોકોમાં આ બાબતે જાગૃતિ લાવવા માટેનો ઉમદા વિચાર કર્યો હતો.જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા  કર્મનિષ્ઠ કર્મચારી કૃષ્ણપાલ રાઠોડે ગ્લોબલ વોર્મિંગ અંગે જાગૃતિ લાવવા 26-09-23થી પોરબંદર કીર્તિ મંદિરથી સાયકલ યાત્રાની શરૂઆત કરી  રાજકોટ, અમદાવાદ, હિંમતનગર, ઉદયપર,ભીલવાડા, જયપુર, ગુરુગ્રામ સહિતના રૂટ આવરી લઈ 02-10-23ના રોજ  ગાંધી જ્યંતી નિમિતે દિલ્હી રાજઘાટ ખાતે 1350 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ સાયકલ યાત્રા પૂર્ણ કરી હતી.સાયકલ યાત્રા દરમ્યાન તેઓએ સાયકલ પર વિવિધ ગ્લોબલ વોર્મિંગ અંગે જાગૃતિના બેનરો લગાડ્યા હોવા ઉપરાંત રસ્તામાં વિરામો લેતા સમયે આસપાસના લોકોને આ અંગે જાગૃત કરી માહિતી આપી પર્યાવરણ બચાવવા તાકીદ કરી હતી.

તેઓના પ્રયાસને રસ્તામાં મળતા તમામ લોકોએ વધાવી લેતા તેઓને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો.સાથોસાથ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં સૈનિક બનેલા કૃષ્ણપાલ રાઠોડને સાયકલ યાત્રા પુરી લોક જાગૃતિ લાવવા અંગે અભિનંદન પાઠવી પ્રશંસાપત્ર એનાયત કરી ભવિષ્યમાં પણ ગુજરાત પોલીસનું ગૌરવ વધારવા તાકીદ કરી હતી.આ ઉમદા કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કરવા  શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ,ઉંઈઙ વિધિ ચૌધરી, ડીસીપી પૂજા યાદવ,  એસ.પી. એમ.આઈ.પઠાણ,પી.આઇ.  મકવાણા સહિતની ટીમે માર્ગદર્શન આપ્યું હતું.આ તકે એસીપી  એમ.આઈ.પઠાણે ખાસ સમગ્ર યાત્રા દરમ્યાન સતત સંપર્કમાં રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.