Abtak Media Google News

19 કિલો વજનના કોમર્શિયલ ગેસના બાટલાનો નવો ભાવ રૂા.2205: રાંધણ ગેસના ભાવ યથાવત

ચારેય બાજુથી ભિષણ મોંઘવારીથી પિડાઇ રહેલી જનતાને થોડી રાહત આપતા સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, ઘરેલુ રાંધણગેસના ભાવમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ 19 કિલોનું વજન ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ગુજરાતમાં હાલ 2340 રૂપીયા છે. દરમિયાન આજથી ગેસ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં રૂા.135નો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ભાવ રૂા.2205 થઇ ગયા છે. જો કે, 14 કિલોનું વજન ધરાવતા ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલ રાજકોટમાં ઘરેલુ ગેસના બાટલાના ભાવ રૂા.1008 છે. લાંબા સમય બાદ ગેસની કિંમતમાં ભાવ ઘટાડો કરવામાં આવતા પારાવાર મોંઘવારીથી ઘેરાયેલી જનતાને સામાન્ય રાહત મળી છે. એક તરફ આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રૂડ બેરલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરાયેલો ભાવ ઘટાડો થોડો આશ્ર્ચર્ય પમાડી રહ્યો છે. જો કે, ડિલરોના મતે અગાઉથી કોમર્શિયલ બાટલાના ભાવ વધુ જ હતા. જેમાં ઘટાડાની અપેક્ષા હતી જે પૂર્ણ થઇ છે.

કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં એક ઝાટકે 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા હોટેલ, રેસ્ટોરન્ટના સંચાલકો અને ખાણીપીણીના ધંધાર્થીઓને મોટી રાહત મળશે. આગામી દિવસોમાં હોટેલનું ભોજન થોડું સસ્તુ થાય તેવી સંભાવના પણ ઉભી થવા પામી છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા સીએનજી અને પીએનજીની કિંમતોમાં રાહત આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઇ રહી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરાતા પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.