Abtak Media Google News

પાણી પહેલા પાળ બાંધવી એ ડાહપણનું કામ

સંવેદનશીલ વિસ્તારમાં છાશવારે થતાં સામાન્ય ઝઘડા કયારેક મોટુ સ્વરૂપ ધારણ કરી લે તેવી પરિસ્થિતિ: આવા સ્થળોએ કડક અધિકારીની જરૂરીયાત પોકારતી પ્રજા

શહેરનાં સામાકાંઠે આવેલા સંવેદનશીલ વિસ્તારોમાં તહેવારોનાં સમય દરમિયાન સામાન્ય ઝઘડા કયારેક મોટુ સ્વરૂપ ધારણ કરી લે અને કોમી તંગદિલી સર્જાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. તહેવારોનાં સમયમાં પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હોવાની વાતો કરતા હોવા છતાં આવા બનાવો પ્રકાશમાં આવતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે. પાણી આવે તે પહેલા પાળ બાંધવી એ ડાહપણનું કામ છે પરંતુ આવા વિસ્તારોમાં જો કોઈ કડક અધિકારીની નિમણુક કરવામાં નહીં આવે તો મોટી ઘટના બનવાની સંભાવના લોકો સેવી રહ્યા છે.

બે દિવસ પહેલા જ નોરતાનાં તહેવાર નિમિતે થોરાળા અને સર્વોદય વિસ્તારમાં ચોકે ચોકે ગરબી શરૂ થઈ હતી અને નાની નાની બાળાઓને લઈ પરિવારજનો ગરબી જોવા આવ્યા ત્યારે રાત્રીનાં ૧૧ વાગ્યાનાં સમય દરમિયાન સામાન્ય બાબતે હિન્દુ-મુસ્લિમ બે જુથ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થતા મારામારી સર્જાઈ હતી. થોડીવાર બાદ સામાન્ય બનાવ જાણે કોમી તંગદિલીમાં ફેરવાઈ ગયો હોય તેમ બંને જુથનાં લોકો સામ સામે આવી જતા શેરીઓમાં પથ્થરમારો, સોડા બોટલનાં ઘા કરી બંને જુથ દ્વારા તમામ શેરીમાં રહેતા લોકોને બાનમાં લીધા હતા અને તે સમયે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ચોકે ચોકે ગરબીમાં રમતી બાળાઓ અને પરિવારજનોમાં નાસભાગ મચી ગઈ હતી. વાત વણશે તે પહેલા જ પોલીસે પોલીસને તેડાવી મામલો થાળે પાડયો હતો અને ઈજા પામનાર પાંચ-છ વ્યકિતઓની ફરિયાદ નોંધી હતી.

આજે આ બનાવમાં થોરાળા પોલીસે ત્રણ નામચીન શખ્સોની ધરપકડ કરી છે પરંતુ પોલીસને કાર્યવાહી કરવાથી આવા સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિ શાંત થતી નથી. આવા વિસ્તારોમાં જો પોલીસે શાંતી અને સલામતી જાળવવી હોય અને પ્રજાનાં જાનમાલનું રક્ષણ કરવું હોય તો આવા સંવેદનશીલ વિસ્તારોમાં કડક અમલવારીની જરૂર છે. એવા કડક અમલદાર કે જેઓ વિસ્તારમાં પસાર થાય તો ગુનેગારો અને લુખ્ખાઓ પોતે શેરી બદલી રફુચકકર થઈ જવા જોઈએ તેવા કડક અને જાબાજ અધિકારીની જરૂરીયાત આજે આવા પછાત વિસ્તારની પ્રજા પોકારી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.