Abtak Media Google News

સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત હયાત આધાર કાર્ડ કેન્દ્ર 870 ચોરસ ફૂટમાં પથરાયેલું છે જે 1210 ચોરસ ફૂટનું કરાશે: 5 ને બદલે 10 કીટની સુવિધા ઉપલબ્ધ થશે: સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તમામ 29 દરખાસ્તોને બહાલી 

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ 29 દરખાસ્તોને બહાલી આપી રૂ.6.25 કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. શહેરના વોર્ડ નં.7માં આવેલી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત આધાર કાર્ડ કેન્દ્રનું વિસ્તરણ કરવા માટે રૂ.19.24 લાખ મંજૂર કરાયા છે. આગામી દિવસોમાં આધાર કાર્ડ કેન્દ્ર પર કિટની સંખ્યા પણ વધારી બમણી કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે બજેટમાં આધાર કેન્દ્રને અપગ્રેડ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કે સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલા આધાર કેન્દ્રનું રિનોવેશન કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે રૂ.19.24 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. હયાત આધાર કાર્ડ કેન્દ્ર 77 ચોરસ મીટર એટલે કે 870 ચો.ફૂટમાં વિસ્તરેલું છે. જેમાં પાંચ કિટ રાખવામાં આવી છે.

રિનોવેશન બાદ આધાર કાર્ડ કેન્દ્રનું ક્ષેત્રફળ 121 ચો.મીટર એટલે કે 1210 ચો.ફૂટ કરવામાં આવશે અને કિટ પણ બમણી એટલે કે 10 કરવામાં આવશે. હાલ દૈનિક સરેરાશ 250 જેટલા અરજદારો આધાર કાર્ડમાં સુધારા-વધારા માટે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવે છે. આધાર કેન્દ્રના વિસ્તરણ બાદ આ ક્ષમતા 500 અરજદારોની થઇ જશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ 29 દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે. જેમાં જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગ પાસે 125 મીટરની 887 એમએમની એમએસ પાઇપલાઇન જે આજીડેમથી આવે છે. જેના લેઇંગ કામ અને વાલ્વ જોડાણ સહિતના કામ માટે રૂ.33.36 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નં.14માં હાથીખાના કુંભારવાડા-10માં નવું બોક્સ કલવર્ટ બનાવવાના કામ માટે રૂ.16.61 લાખ અને કેનાલ રોડ પર આવેલા અને કેવડાવાડી-22ને જોડતા રસ્તા પર બ્રિજ બનાવવા માટે રૂ.43 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

કોર્પોરેશન સંચાલિત 6 હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને બે વર્ષ માટે સ્કૂલબેગ આપવા રૂ.4.14 લાખ, વોર્ડ નં.14માં પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટરની ફરિયાદના નિકાલ માટે રૂ.18.43 લાખ, વોર્ડ નં.6માં જનભાગીદારીથી બ્રાહ્મણીયા પરાની શેરીઓમાં પેવિંગ બ્લોકના કામ માટે રૂ.26.40 લાખ, વોર્ડ નં.11માં ટીપી સ્કિમ નં.10ના કનેક્ટેડ 12 મીટરના રસ્તા પર મેટલીંગ કરવા રૂ.15.17 લાખ સહિત કુલ રૂ.6.25 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.