Abtak Media Google News

૫૦૦ પોઈન્ટના ઉછાળા બાદ સેન્સેકસ ૧૦૦ પોઈન્ટ તૂટ્યો

સેન્સેકસમાં પ્રારંભીક તેજીના કારણે રોકાણકારો આજે ખુશખુશાલ જણાતા હતા. સેન્સેકસ એક સમયે ૫૦૦ પોઈન્ટ જેટલો ઉંચકાયો હતો. જો કે, બપોરે ૩ કલાકે સેન્સેકસમાં ૧૩૦ પોઈન્ટનું ગાબડુ પડી ગયું હતું. એકંદરે સવારથી બપોર સુધીમાં સેન્સેકસમાં ૭૦૦ પોઈન્ટની અફરા તફરી જોવા મળી હતી.

કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ સેન્સેકસે તબક્કાવાર નવા વિક્રમો સ્થાપ્યા હતા. ૫૧૫૦૦ની સપાટી તોડીને ટ્રેડ થયો હતો. દરમિયાન આજે સેન્સેકસની સર્વોચ્ચય સપાટી ૫૧૮૩૫ નોંધાઈ હતી અને આજેનો લો ૫૧૧૯૩નો રહ્યો હતો. એશિયન પેઈન્ટ, ઓએનજીસી, ટાઈટન, મારૂતી સુઝુકી, એકસીસ બેંક, લાર્સન અને આઈસીઆઈસીઆઈ બેંક સહિતના પ્રમુખ શેરોમાં આજે તેજી જોવા મળી હતી. અલબત બપોરે બેન્કિંગ સેકટરમાં ભારે વેંચવાલીનું પ્રેસર જણાતા ટોચના શેર પણ ગગડ્યા હતા. ઓટોમોટીવ, ટેલીકોમ, ફાર્મા જેવા સેકટર પણ આજે બપોરે તૂટી ગયા હતા. આ લખાય છે ત્યારે નિફટી ૧૦ પોઈન્ટના કડાકા સાથે ૧૫૧૦૫ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. મીડ કેપના પ્રમુખ શેર પણ આજે તૂટ્યા છે. ખાસ કરીને આઈઓસી, એમ એન્ડ એમ, ટાટા મોટર્સ અને જેએસડબલ્યુ જેવા ભારે શેરમાં વેંચવાલીના કારણે ૩ ટકાથી લઈ ૬.૧૦ ટકા જેટલું ગાબડુ પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની અસર બજાર પરથી સદંતર ઓછી થઈ ચૂકી છે. ફરીથી બજાર ધમધમવા લાગ્યું છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં પણ કેન્દ્ર સરકારે અનેક ઉદ્યોગ ફ્રેન્ડલી જોગવાઈઓ કરી હોવાના કારણે સેન્સેકસના પ્રત્યે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને નવી આશા જાગી છે. ટનાટન અર્થતંત્રની આશાના કારણે બજાર પણ તેજ જોવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.