Abtak Media Google News

બન્ને કંપનીનો અંદાજે 96,800 કરોડનો હિસ્સો ગીરવે મૂકી અદાણી ગ્રુપે મોટી લોન મેળવી

ભારતીય મૂડી બજારના ઇતિહાસમાં કદાચ આ સૌથી મોટું પગલું હશે. ગૌતમ અદાણીએ અંબુજા સિમેન્ટ્સ અને એસીસીનો લગભગ રૂ. 96,800 કરોડની કિંમતનો તેમનો સમગ્ર હિસ્સો ગીરવે મૂક્યો છે. આ હિસ્સો ગીરવે મૂકીને અદાણીએ મોટી લોન લીધી હોવાનું જાણવા મળ્યું છે. અદાણી ગ્રૂપનો બિઝનેસ બંદરોથી લઈને પાવર સુધીના વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલો છે. અદાણી ગ્રૂપે અંબુજા સિમેન્ટ અને તેની પેટાકંપની એસીસી લિમિટેડનું સ્વિત્ઝર્લેન્ડની હોલ્સિમ લિમિટેડ પાસેથી શુક્રવારે જ સંપાદન પૂર્ણ કર્યું હતું.

જો કે આ બન્ને કંપની ખરીદ્યા બાદ તુરંત અદાણી ગ્રુપે તેને ગીરવે પણ મૂકી દીધી છે. કોઈપણ રોકાણકાર અથવા કંપનીઓના પ્રમોટરો પોતે શેર ગીરવે મૂકી શકે છે.  બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસે શેર ગીરવે મૂકીને લોન લઈ શકાય છે. આમ જે શેર લોનની ગેરંટી તરીકે ગીરવે મુકવામાં આવે છે તેને પ્લેજ શેર કહેવામાં આવે છે.  અહેવાલ મુજબ, અદાણી ગ્રૂપે એસીસી અને અંબુજાને ખરીદ્યા છે અને તેમના 96,800 કરોડના શેર ગીરવે મૂક્યા છે.  ઉલ્લેખનીય છે કે અદાણીએ તાજેતરમાં જ અંબુજા સિમેન્ટનો 63.2 ટકા અને એસીસી સિમેન્ટનો 56.7 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.