Abtak Media Google News

લગભગ ૧૧ લોકોને ગેરકાયદે ઇમિગ્રેશન કરાવી યુએસ મોકલ્યાનો ખુલાસો

ગુજરાતના એક પરિવારના ચાર સભ્યોની યુએસમાં પ્રવેશવાનો ગેરકાયદે પ્રયાસ કરતી વખતે કેનેડા-યુએસ બોર્ડર નજીક થીજી ગયેલી હાલતમાં લાસબ મળી આવી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને ગેરકાયદે ઘૂસણખોરી સાથે સંકળાયેલા માનવ તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસે ઓપરેશન હાથ ધર્યાના  લગભગ એક વર્ષ પછી ગેરકાયદેસર ઇમિગ્રેશન સાથે સંકળાયેલા બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ગાંધીનગર અને અમદાવાદના કલોલ ખાતેથી એજન્ટોની ધરપકડ કરી હતી અને કેનેડા અને યુએસના અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.  જેમાં ચાર જણના પરિવાર સહિત ગુજરાતમાંથી ૧૧ વ્યક્તિઓને કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરાવવાના કેસમાં કથિત રીતે વોન્ટેડ જાહેર કર્યો હતો.

કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની જગદીશ પટેલ તેમની પત્ની અને બે બાળકો જાન્યુઆરી ૨૦૨૨માં યુએસ-કેનેડા બોર્ડર પર ભારે ઠંડીના થીજી ગયા હતા અને તેમના મોત નિપજ્યા હતા.

શહેર ક્રાઇમ બ્રાન્ચે એક કેસમાં ગુનો નોંધ્યો છે જેમાં આરોપીઓ (એજન્ટ્સ)એ ૧૧ લોકોને ગેરકાયદેસર રીતે યુએસ-કેનેડા સરહદ પાર કરાવવા માટે બરફમાં ચાલવા માટે દબાણ કર્યું હતું, જેના કારણે એક પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા તેવું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના  ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું. અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ ગુજરાતમાંથી ૧૧ વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય સરહદ (યુએસ-કેનેડા) પાર કરાવવાના પ્રયાસમાં ભૂમિકા ભજવી હતી.

પીડિતોને કેનેડાના ટોરોન્ટો અને બાદમાં વેનકુવર લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ એજન્ટોએ તેમને મેનિટોબા પ્રાંતના વિનીપેગમાં ઉતારી દીધા હતા તેવું અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય બે આરોપીઓ કે જેઓ આ કેસમાં વોન્ટેડ છે તે “ક્રોસિંગ એજન્ટ” છે જેમને વ્યક્તિ દીઠ રૂ. ૬૦ લાખથી રૂ. ૬૫ લાખ મળવાના હતા તેવું તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાંથી આશરે ૧૧ લોકોને આ પ્રકારે ગેરકાયદે ઇમિગ્રેશન કરવી વિદેશ મોકલવામાં આવ્યા હતા. આ મામલે અમેરિકાએ ૧૧ ગુજરાતીઓને સકંજામાં લીધા છે જેમાંથી મોટાભાગના ગાંધીનગર અને મહેસાણાના વતની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.