Abtak Media Google News

ટુ વ્હીલરમાં બે વ્યકિત, દુકાનો ૭ થી ૭, ડેરીઓ-૮, ફૂડ પાર્સલને રાત્રીના ૧૦ વાગ્યા સુધીની છૂટ અપાવવા રાજકોટ ચેમ્બરની મુખ્યમંત્રીને રજૂઆત

લોકડાઉનના ચોથા તબકકામાં સરકાર દ્વારા વેપાર, ઉઘોગ તથા નાના મોટા વેપારીઓને દુકાનો ખોલવા હળવી છુટછાટ આપવામાં આવી છે. હાલમાં દુકાનો ખોલવાનો સમય સવારના ૮ થી સાંજના ૪ વાગ્યા સુધીનો હોય ઉનાળાના આકરા તાપને કારણે ગ્રાહકો ખરીદી કરવા નીકળતા નથી ઉ૫રાંત ટુ વ્હીલરમાં પણ ડબલ સવારી પર પ્રતિબંધ હોય મઘ્યમ વર્ગના લોકોને કપરા કાળમાં ઘણી બધી મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય આ બાબતને સરકાર ઘ્યાને લે તેવી રાજકોટ ચેમ્બરની માંગણી છે. ઉપરાંત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ બાબતે વધુ છુટછાટ આપવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને રજુઆત કરતા તેઓએ જણાવ્યું છે કે, પ૦ ટકા શ્રમિકો જતા રહેવાના કારણે તેમજ એક શિફટની મંજુરી મળેલ હોય ઉઘોગકારોને પ્રોડકશન કોસ્ટ ખુબ ઉંચી જાય છે. જેથી આર્થિક નુકશાનનું ભારણ રહે છે. હવે રાજકોટનો ઔઘોગિક વિસ્તાર થાળે પડેલ હોય ર૪ કલાક કોઇપણ જાતના પાસ વગર મંજુરી આપવામાં આવે તેવી માંગણી કરીએ છીએ, ઓડ-ઇવનની પ્રથા નાબુદ કરી તમામ દુકાનોને ખોલવાની છુટ આપવી જોઇએ તેમજ દુકાનો ખોલવાનો સમય સવારના ૭ થી સાંજના ૭ સુધી કરવો ખુબ જરુરી છે.

ઉનાળામાં દુધ બગડવાની શકયતા ખુબ વધુ હોય દુધની ડેરીઓને સવારના ૭ થી સાંજના ૮ વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજુરી આપવી. હોટેલોને ફુડની હોમ ડીલીવરી ૮ થી ૪ માં માત્ર ૧૦ ટકા થઇ શકે આ ધંધો મોટે ભાગે સાંજે જ અનુકુળ હોય તેથી હોટેલોને સવારના ૮ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચુસ્ત નિયમોના પાલન સાથે હોમ ડીલીવરી કરવાની છુટ આપવામાં આવે, તેથી ટુ વ્હીલર માટે ફરજીયાત માસ્ક પહેરવાની શરતે ડબલ સવારી ચલાવવાની છુટ આપવી જોઇએ. રાજકોટ શહેર ઓરેન્ઝ ઝોનમાં હોવાથી ઉપરોકત રજુઆતનો સ્વીકાર કરી યોગ્ય નિર્ણય લેવા રાજકોટ ચેમ્બર દ્વારા રજુઆત કરાઇ છે તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.