Abtak Media Google News

Table of Contents

સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટે પ્રથમ તબક્કામાં મતદાન યોજાવાનું હોય ભાજપ હવે નો-રિપીટ થિયરીનું જોખમ નહિ ઉઠાવવાના મૂડમાં: પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રથમ દિવસે જ 47 બેઠકો માટેની વિસ્તૃત ચર્ચામાં મળતા આડકતરા સંકેતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં આગામી 1લી ડિસેમ્બરના રોજ રાજકોટ શહેર અને જિલ્લાની 8 સહિત સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આજથી જ ગણતરી કરવામાં આવે તો મતદાનના આડે હવે માત્ર 27 દિવસ જ બાકી રહ્યા છે. આવામાં જો ભાજપ નો-થિયરી અપનાવે તો તેના માટે પ્રાણઘાતક સાબિત થાય તેમ છે. તમામ સિટીંગ ધારાસભ્યોને રિપીટ કરાય તેવી સંભાવના આજે પાર્લામેન્ટરી બોર્ડની ચર્ચાના આધારે વ્યક્ત કરવામાં આવી રહી છે.

Screenshot 12રાજકોટ શહેરની ચાર બેઠકો માટે ચર્ચા કરવામાં આવે તો રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણી અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર લાખાભાઇ સાગઠીયાને મોટાભાગે રિપીટ કરવામાં આવે તેવું મનાઇ રહ્યું છે. જ્યારે ગોવિંદભાઇ પટેલ છેલ્લી ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ રહ્યા હોય તેઓનું ફિફ્ટી-ફિફ્ટી મનાઇ રહ્યું છે. જ્યારે પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સ્થાને નવો ચહેરો આવે તેવી અટકળો ચાલી રહી છે.

Screenshot 13ગત 27 થી 29 ઓક્ટોબર દરમિયાન પ્રદેશમાંથી આવેલા નિરિક્ષકો દ્વારા રાજકોટ શહેરની ત્રણ ઉપરાંત ગ્રામ્યની બેઠક માટે સેન્સ લેવામાં આવી હતી. જેમાં અલગ-અલગ ચાર બેઠકો માટે 70 જેટલા દાવેદારોએ કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પાર્લામેન્ટરી બોર્ડના પ્રથમ દિવસે આજે બપોર પછી રાજકોટ શહેરનો વારો લેવામાં આવનાર છે. આ પૂર્વે આજે બપોરે પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીના નિવાસસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં રાજકોટની ચાર બેઠકો માટે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ પૂર્વ વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણીને મોટાભાગે રિપીટ કરવામાં આવશે. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે લાખાભાઇ સાગઠીયાને પણ ફરી ટિકિટ આપવામાં આવે તે નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે. તે બીજી તરફ ગોવિંદભાઇ પટેલ છેલ્લી ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ રહ્યા હોય જો કોઇ નિયમ નક્કી કરવામાં આવશે તો જ ગોવિંદભાઇની ટિકિટ કપાશે બાકી તેઓને પણ ફરી વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે.

રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સ્થાને અન્ય નવા ચહેરાને તક આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. આ બેઠક માટે કમલેશભાઇ મિરાણી સૌથી પ્રબળ દાવેદાર છે. આજે સંકલન સમિતિની બેઠકમાં કોઇ પેનલ બનાવવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન સેન્સ પ્રક્રિયા વેળાએ જે લોકોએ કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે તેઓ તમામના નામ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. પરંતુ તમામ નામોને અગ્રતાક્રમ આપવામાં આવશે. રાજકોટની ચારેય બેઠકો માટે આવતા સપ્તાહે સોમવાર કે મંગળવારે ઉમેદવારના નામની ઘોષણા કરી દેવામાં આવશે.

કોંગ્રેસમાં પણ 8 નામો ચર્ચામાં

રાજકોટની ચાર બેઠકો માટે કોંગ્રેસમાં આઠ નામો ચર્ચામાં છે. રાજકોટ પૂર્વ બેઠક માટે મહેશ રાજપૂત, અશોકભાઇ ડાંગર અને ભાનુબેન સોરાણીના નામની ચર્ચા થઇ રહી છે. જ્યારે દક્ષિણ બેઠક માટે ડો.હેમાંગ વસાવડા અને હિતેશ વોરાના નામની, પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે ગોપાલ અનડકટ અને મનસુખભાઇ કાલરીયાના નામની ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે ગ્રામ્ય બેઠકમાં એકમાત્ર સુરેશ બથવારનું નામ હાલ ચર્ચામાં છે.

સંક્ષિપ્તમાં

  • ગુજરાતમાં આ વખતે 9 કરોડ મતદાતાઓ કરશે મતદાન
  • ગુજરાતમાં આ વખતે 51,782 મતદાન કેન્દ્રો
  • 6 લાખ લોકો કરશે પ્રથમ વાર મતદાન
  • મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો હશે
  • દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન કેન્દ્રો હશે
  • 50 ટકા મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ વ્યવસ્થા હશે
  • જનરલ કેટેગરીમાં આ વખતે હશે 142 બેઠકો
  • અનુસૂચિત જાતિની કેટેગરીમાં હશે 13 બેઠક
  • અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં હશે 27 બેઠક

ગુજરાતમાં 100 વર્ષની ઉંમરવાળા 11,800 મતદાર

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપતાં કહ્યું હતું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષની તુલનામાં 934 મહિલા છે. ગુજરાતમાં 11,800 મતદાતા 100 વર્ષની ઉંમર ધરાવે છે.

સુપર સિનિયર સિટીઝન્સ ઘેરબેઠા વોટિંગ કરી શકશે

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પહેલા તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે. આ ચૂંટણીમાં રાજ્યમાં રાજ્યમાં કુલ 4.9 કરોડ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે અને તેમના માટે 51,782 મતદાન કેન્દ્રો ઉભા કરાશે. રાજ્યમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે, જેમાં 142 બેઠકો સામાન્ય જ્યારે 13 એસસી અને 27 એસટી ઉમેદવારો માટે આરક્ષિત છે. આ ચૂંટણીમાં ફોર્મ 12-ડી ભરનારા સિનિયર સિટિઝન્સને ઘેરબેઠા મતદાનની સુવિધા આપવામાં આવશે. રાજ્યમાં 8 લાખથી વધુ 80 વર્ષની વય ધરાવતા મતદારો નોંધાયેલા છે.

2017ની ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો પર સમેટાયો હતો

રાજ્યમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તા પર છે. જોકે, 2017માં તેને સૌથી ઓછી 99 બેઠકો જ મળી શકી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો. પરંતુ ત્યારબાદ રાજ્યમાં થયેલી પેટાચૂંટણીઓમાં ભાજપનો દેખાવ સારો રહેતા તેમજ કોંગ્રેસના 17 જેટલા ધારાસભ્યોએ રાજીનામાં આપતા હાલ ભાજપ પાસે 111 જ્યારે કોંગ્રેસ પાસે 63 બેઠકો છે.

કોઈપણ મતદાર માત્ર ફોન દ્વારા જ ફરિયાદ કરી શકશે

મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર ફરિયાદ કરવા માંગે છે. જો તે કોઈપણ ઉમેદવાર કે પક્ષથી પ્રભાવિત હોય તો તે મોબાઈલ ફોન દ્વારા સીધી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનિટમાં એક ટીમ બનાવીને 100 મિનિટમાં ફરિયાદ ઉકેલવામાં આવશે.

ઉમેદવારોની માહિતી ઓનલાઈન જોવા મળશે

આ ઉપરાંત, મતદાન કેન્દ્રો પર જો કોઈ ગેરરીતિ થતી દેખાય તો કોઈપણ મતદાતા ચૂંટણી પંચને ઓનલાઈન ફરિયાદ કરી શકશે, જેના પર તુરંત એક્શન લેવામાં આવશે. મતદાતાઓ પોતાની બેઠક પરના ઉમેદવારોને સારી રીતે ઓળખી શકે તે માટે તેમની તમામ માહિતી પણ ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. જેમાં તેમની એફિડેવિટ, ક્રિમિનલ રેકોર્ડ, પ્રોપર્ટીની વિગતો જોઈ શકાશે. આ ઉપરાંત, ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને તેની વિગતો અખબાર, સોશિયલ મીડિયામાં પબ્લિશ કરવી પડશે. રાજકીય પક્ષોએ પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારની પસંદગી કેમ કરી તેનું પણ કારણ આપવું પડશે.

દારૂની હેરાફેરી પર બાજ નજર રખાશે: કેન્દ્રિય ચૂંટણી પંચ

કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે, તો સાથે સરહદ પર કડક વ્યવસ્થા કરવામાં આવશે, દારૂની હેરાફેરી પર ખાસ નજર કરવામાં આવશે.

ઘરે બેઠા મતદાનની સુવિધા આપશે

ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માગે છે, પરંતુ મતદાન બૂથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.

બેલેટ પેપરની ખાસ વ્યવસ્થા

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

ફેક ન્યૂઝ પર પણ નજર રાખવામાં આવશે

મુખ્ય ચૂંટણી કમિશનરે મીડિયાને પણ તથ્યો તપાસ્યા પછી સમાચાર પ્રકાશિત કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે ફેક ન્યૂઝ પર નિયંત્રણ રાખવામાં આવશે.2017માં 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી.પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠક માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠક માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.