Abtak Media Google News

માસુમ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓનો હોબાળો: એનએસયુઆઈના કાર્યકર્તા દોડી ગયા: છેલ્લે વિદ્યાર્થી દીઠ એડમીશન ફી રૂ.૨હજાર લેવા સહમત થતા સંચાલકો

એકબાજુ કોરોનાની મહામારીના કારણે અને હાલમાં ચાલતા અનલોક-૨ને લઈ તમામ સ્કૂલ-કોલેજો બંધ છે ત્યારે બીજીબાજુ સ્કૂલોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. જો કે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ કોઈપણ સ્કૂલોને એકી સાથે ફી ઉઘરાવવા દબાણ ન કરવા સુચના અપાય છે. ત્યારે આજે શહેરની માસુમ સ્કૂલમાં ધો.૧ના વિદ્યાર્થીઓ પાસેથી આખા વર્ષની ‚રૂ.૩૩હજાર ફી માંગતા હોબાળો મચવા પામ્યો હતો. જોકે, બનાવ સમયે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સ્કૂલ પહોંચી ગયા હતા. હોબાળા બાદ એનએસયુઆઈ દ્વારા ફીનું દબાણ ન કરવા સ્કૂલ સંચાલક પાસેથી લેખીતમાં બાહેધરી આપવા માંગ કરાઈ હતી અને છેલ્લે વિદ્યાર્થી દીઠ એડમીશન ફી રૂ. ૨ હજાર લેવા શાળા સંચાલકો સહમત થયા હતા.

Advertisement

મળતી માહિતી મુજબ આજરોજ શહેરની માસુમ સ્કૂલમાં ધો.૧માં પ્રવેશ મેળવવા વાલી ગયા હતા ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા આખા વર્ષની ફી એટલે કે, રૂ. ૩૩ હજારની માંગણી કરવામાં આવી હતી. જો કે, સરકારના પરિપત્ર મુજબ જે વાલીઓ ફી ભરવા સક્ષમ ન હોય તેવા વાલીઓ ત્રિમાસીક ફી પણ ભરી શકશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, આનુ ઉલ્ટુ માસુમ સ્કૂલમાં તો આખા વર્ષની જ ફીની માંગ કરવામાં આવી હતી. જેને લઈ વાલીઓમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ એનએસયુઆઈના કાર્યકર્તાને થતાં તેઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા અને તાત્કાલીક ફીનું દબાણ નહીં કરવા લેખીતમાં શાળા સંચાલકો પાસેથી બાહેધરી લીધી હતી. અંતમાં મામલો થાળે પડ્યો હતો અને શાળા સંચાલકોએ પણ લેખીતમાં બાંહેધરી આપી હતી અને વિદ્યાર્થી દીઠ એડમીશન ફી હાલ પુરતી ‚રૂ. ૨ હજાર લેવા શાળા સંચાલકો સહમત થયા હતા. આ રજૂઆત દરમિયાન એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ રોહિત રાજપુત, મીત પટેલ, રવિ સિંધવ, મોહિલ ડવ, હર્ષ આસર, માનવ સોલંકી, અભિ કટારીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા અને રજૂઆતને સફળ બનાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.