Abtak Media Google News

એલએલએમના મેયર ચેક કરાવતા માર્કસ વધારવામાં આવ્યાનું  સામે આવ્યું

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માર્ક્સ વધારવાના કથીત કૌભાંડો બહાર આવ્યું છે, તેમાં હોમ સાયન્સ બાદ હવે એલએલએમ.ના પેપર ચેક કરાવતા તેમાં પણ માર્ક્સ વધારવામાં આવ્યા હોવાનું વધુ એક કોભાંડવ સામે આવ્યો હોવાનું ચર્ચા રહ્યું છે. જો કે કુલપતિ કહે છે કે, આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને જ રહેશે.

Advertisement

તાજેતરમાં જ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા એ જે યુનિવર્સિટીની ખૂબ જ પ્રશંસા કરી હતી અને પવિત્રતા સાથે જે યુનિવર્સિટીની સરખામણી કરી હતી તે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં માર્ક્સ વધારવાનું કોભાંડ ચાલતું હોવાની ફરિયાદ ઉઠતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અને છેલ્લા એકાદ વર્ષથી ચાલતા આ કોભાંડની સતાધીસોને ગંધ પણ નહીં આવી હોય ? તેવું પણ શિક્ષણ  શાસ્ત્રીઓ અને વિદ્યાર્થીઓમાં ચર્ચાઇ રહ્યું છે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પરીક્ષા આપ્યા બાદ ઓછા માર્ક્સ મળ્યા હોય અને જે વિદ્યાર્થી અસંતૃષ્ઠ હોય તેવા વિદ્યાર્થીઓ દ્વારા પેપર ખોલાવવામાં આવતા હોય છે. અને પેપર ખોલાવ્યા બાદ સેટિંગયા અથવા પહોંચેલા વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ આપવાનું એક કોભાંડ બહાર આવી હોવાની વિદ્યાર્થીઓમાં ચર્ચા ચાલી રહી છે. હોમ  સાયન્સમાં માર્ક્સ વધારવાનું આ કોભાંડ સામે આવતા યુનિવર્સિટીના સતાધીશો સફાળા જાગ્યા હતા અને તપાસના આદેશ કરી દીધા હતા.

દરમિયાન હોમ સાયન્સ માં માર્ક્સ વધારવામાં આવ્યા હોવાની શંકા અને આક્ષેપો બાદ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એલ.એલ.એમ માં પણ પેપર ખોલાવતા 10 થી 14 માર્ક્સ વધી ગયા હોવાની વિદ્યાર્થીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે. વર્ષ 2021 માં એલએલએમના 8 જેટલા વિદ્યાર્થીઓએ પેપર ખોલાવતા તેના માર્કસમાં વધારો કરાયો હોવાની પણ ફરિયાદ ઊઠવા પામી છે.

આ સાથે છેલ્લા એકાદ વર્ષથી માર્ક્સ વધારવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ચર્ચા પણ શિક્ષણ જગતમાં ચાલી રહી છે. અને આ કૌભાંડ યુનિવર્સિટીમાં ચાલી રહ્યું હતું છતાં કુલપતિ સહિતના સત્તાધીશો અંધારામાં રહ્યા કે ? તેમને કોણ અંધારામાં રાખતું હતું ? તે બાબત પણ તપાસનો વિષય બની છે.

જો કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી એ પત્રકારોને જણાવ્યું હતું કે, આ મામલે દુધનું દૂધ અને પાણીનું પાણી થઈને જ રહેશે, આ બાબતે ઝીણવટભરી અને ખાનગી રાહે પણ તપાસ ચાલી રહી છે, અને તપાસના અંતે જે રિપોર્ટ આવશે તેના આધારે જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે,

પરંતુ શિક્ષણ જગતમાં તો એવી ચર્ચા ચાલી રહી છે કે, ઘોડા વાછુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાતો યુની.ના કુલપતિ કરી રહ્યા છે. કારણ કે આ ખૂબ જ ગંભીર બાબત છે અને માર્ક્સ વધારવાનું કૌભાંડ જો ખરેખર યુનિવર્સિટીમાં ચાલ્યું હોય તો હજારો વિદ્યાર્થીઓને તેનો અન્યાય થયો ગણાય અને અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે યુનિ. દ્વારા ચેડા થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે યુનિવર્સિટી માટે આ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી વાત બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.