Abtak Media Google News

આગામી ગુરુવારથી સોરઠના પાટનગર જુનાગઢમાં વિશ્વનો સૌથી મોટો વૈષ્ણવોત્સવ યોજાઈ રહ્યો છે. સાત દિવસ ચાલનારા પુષ્ટિ સંસ્કારધામ શિલાયન્સ મહોત્સવમાં સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત સમગ્ર ભારત વર્ષમાંથી લાખો વૈષ્ણવો આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહી આ ઘટનાને યાદગાર બનાવી દેશે. આ પુષ્ટિ સંસ્કારધામ અંગે મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય પિયુષ બાવાશ્રી જણાવી રહ્યા છે કે, જુનાગઢ ખાતે પ્રારંભ થનાર પુષ્ટિ સંસ્કારધામમાં માત્ર વૈષ્ણવ જ નહીં પરંતુ સનાતન હિંદુ ધર્મના વિવિધ પરિવારો પણ ઋષિ સંસ્કૃતિને પામશે અને આ પુષ્ટિ સંસ્કારધામ ભારત વર્ષનું જ્ઞાનતીર્થ બની રહેશે.

વિશ્વના સૌથી મોટા વૈષ્ણવ જ્ઞાનતીર્થનો યોજાશે શિલાન્યાસ મહોત્સવ

ઐતિહાસિક સાંસ્કૃતિક અને સંસ્કૃતિ સભર સોરઠનું પાટનગર જૂનાગઢ હવે શિક્ષણ ક્ષેત્રે પણ ખ્યાતિ પામી રહ્યું છે. અને જુનાગઢ શિક્ષણનું હબ બની રહ્યું છે. ત્યારે જ જુનાગઢના વડાલ નજીક પુષ્ટિ સંસ્કારધામ નિર્માણ પામી રહ્યું છે. આ અંગે મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય પિયુષ બાવાશ્રીએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, સનાતન હિંદુ ધર્મના વિવિધ પરિવારોની સાથે વૈષ્ણવ પરિવાર પણ ઋષિ સંસ્કૃતિને પામે તેવું પુષ્ટિ સંસ્કારધામનો પ્રારંભ થઈ રહ્યો છે. અને આ પુષ્ટિ સંસ્કારધામ કોઈ એક સંપ્રદાય નહીં પણ સમગ્ર ભારત વર્ષનું જ્ઞાનતીર્થ બની રહેશે. આ માટે તા. 14 ગુરુવારથી આ પુષ્ટિ સંસ્કારધામના પ્રેરણાદાતા અને માર્ગદર્શક નિ. લી. ગૌસ્વામી કિશોરચંદ્રજી શ્રી પુરુષોત્તમજી મહારાજના આશીર્વાદથી ફક્ત આધુનિક ટેકનોલોજી નહીં, પણ માનવીને ધર્મમાં પૂર્ણતા અપાવે તે માટે પુષ્ટિ સંસ્કાર ધામનું સર્જન થઈ રહ્યું છે.

જૂનાગઢ તાલુકાના વડાલા નજીક 125  વીઘા વિશાળ ભૂમિ પર નિર્માણ પામનાર પુષ્ટિ સંસ્કાર ધામ શિલાયન્સ મહોત્સવ અંગે પુષ્ટિ સંસ્કાર ધામના પ્રવક્તા આનંદ ઠક્કર તેમજ ધારાસભ્ય સંજય કોરડીયા ના જણાવ્યા અનુસાર આગામી તા.14 ને ગુરુવારથી એક સપ્તાહ દરમિયાન આ શિલાયન્સ મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે તેમાં સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત વિવિધ રાજ્યોમાંથી લાખો વૈષ્ણવો ઉપસ્થિત રહેશે. અને આ શિલાયન્સ મહોત્સવને યાદગાર બનાવી દેશે. ત્યારે આ મહોત્સવના સુંદર આયોજન અને વ્યવસ્થાઓ માટે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી કાર્યકરો છેલ્લા 20 દિવસથી એ રાઉન્ડથી ક્લોક કામગીરી કરી રહ્યા છે. અને આ મહોત્સવની તૈયારીઓને હાલમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે.

આ સાથે આ મહોત્સવમાં 200 જેટલી અલગ અલગ સમિતિઓ બનાવાઈ છે. જેમાં રસોડા સમિતિ, આયોજન સમિતિ, ઉત્સવ સમિતિ, આમંત્રણ સહિતની સમિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ કાર્યકરો આ સમિતિમાં જોડાઈ કાર્ય કરી રહેલ છે.

જુનાગઢ નજીકના વડાલ વિસ્તારમાં નિર્માણ પામનાર પુષ્ટિ સંસ્કાર ધામનું ફેસ એકમાં આશરે 1.5 લાખ સ્ક્વેર ફીટનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યા બાદ બીજા તબક્કાના નિર્માણ કાર્ય દરમિયાન વલ્લભધામ પુષ્ટિ સંસ્કાર સંકુલ, સંસ્કૃત વિદ્યાલય,ગોપાલ પ્રસાદમ, ગીતાવન ગોકુલ વન, ઓડિટોરિયમ તેમજ ગોવિંદ ઘાટ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ થશે. એ અગાઉ પુષ્ટિ સંસ્કાર સંકુલના ફેઝ એકમાં ગૌશાળા પુષ્ટિ સંસ્કાર સંસ્થાન હેડ પાટણ તથા અતિથિ નિવાસનો નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવેલા હોવાનું સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું.

આ અંગે સંસ્કાર ધામના પ્રવક્તા આનંદ ઠકકરના જણાવ્યા અનુસાર, આ મહોત્સવ દરમિયાન તા. 14 અને તા. 15 ડિસેમ્બરના રોજ દક્ષિણ ભારતના ચેન્નાઈની સુપ્રસિદ્ધ ટીમ મૃદાલ્ય રેપર્તરી ગ્રુપ અને ડો. લક્ષ્મી રામાસ્વામી દ્વારા સુંદર ભરત નાટિયમ કૃતિની રજૂઆત થશે. જ્યારે 18 અને 19 ડિસેમ્બર દરમિયાન પુષ્ટિ સ્કુલ સંકુલના 200 થી વધુ વિદ્યાર્થીઓના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન છે. તે સાથે તા. 14 ડિસેમ્બરના પુષ્ટિમાર્ગીય કલા અને સંસ્કૃતિનો અનેરો કાર્યક્રમ તેમજ જુદી જુદી ગીર ગાયો અને નદીઓનું પ્રદર્શન તેમજ સાયન્સ, ટેકનોલોજી અને આર્ટનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.

સપ્ત દિવસીય આ મહોત્સવ માં હાલમાં સૌરાષ્ટ્રના 100 થી વધુ તાલુકાઓના 500 જેટલા ગામોના વૈષ્ણવો અને પુષ્ટિ સંપ્રદાયના ભાવિકો ઉપરાંત સનાતન ધર્મ સાથે સંકળાયેલા ભાવિકોને આમંત્રિત કરાયા હોવાનું પ્રવક્તા દ્વારા જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.