Abtak Media Google News

“સુજલામ-સુફલામ જળ અભિયાનને પ્રતિષ્ઠિત “સ્કોચ પ્લેટિનમ એવોર્ડ

મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં શરૂ થયેલા “સુજલામ-સુફલામ જળ અભિયાનને સતત બીજી ગૌરવ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણા અને દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતમાં જળસંગ્રહ માટે શરૂ કરાયેલા જનભાગીદારી પ્રયોગ સુજલામ-સુફલામ જળ અભિયાનને પ્રતિષ્ઠિત સ્કોચ પ્લેટિનમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. એવોર્ડ વિતરણ સમારોહમાં રાજ્યને આ ગૌરવ સન્માન અપાયું છે. ગુજરાતમાં ૨૦૧૮ના વર્ષમાં વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન જનભાગીદારીથી ઉપાડવામાં આવેલું. આ અભિયાનની પ્રથમ વર્ષની સફળતાને પગલે ૨૦૧૯ના વર્ષમાં પણ તે યથાવત રાખવામાં આવ્યું હતું. આ જળ અભિયાનને ગુજરાતમાં જળસંગ્રહ ક્ષમતામાં ક્રાંતિકારી પરિણામો સર્જ્યા છે.

Advertisement

બે વર્ષ દરમિયાન સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૩૦,૪૧૬ કામો હાથ ધરવામાં આવ્યા છે. ૧૨,૨૭૯ તળાવો ઊંડા કરવાના, ૫,૭૭૫ ચેકડેમ ડિસીલ્ટીંગના કામો તેમજ ૩૫,૯૬૦ કિ.મી.ના કેનાલ સાફ-સફાઇના કામો દ્વારા ૨૩,૫૫૩ લાખ ક્યુબિક ફિટ માટી કાઢવામાં આવી છે તેમજ ૩,૩૨૧ કિ.મી.ના ડ્રેઇન વર્ક પૂર્ણ થયા છે. આના પરિણામે ૧૦૦ લાખ માનવદિન રોજગારીનું નિર્માણ થવા પામ્યું છે અને સમગ્રતયા રાજ્યમાં ૨૩,૫૫૩ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થવા પામ્યો છે. એટલું જ નહિં આ અભિયાન અન્વયે એક જ દિવસમાં ૪,૬૯૯ એક્રાડાવેટર્સ અને ૧૫,૨૮૦ ટ્રેક્ટર ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

London Eye
ગુજરાતના ૮ હજારથી વધુ ગામોમાં આ અભિયાન જન સહયોગથી ઉપાડીને ચોમાસા પહેલા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે સારા ચોમાસાને પરિણામે અને આ સુજલામ-સુફલામ જળ અભિયાનની ફલશ્રૃતિએ ૬૨ થી વધુ તાલુકાઓમાં ભૂગર્ભજળ ૧ થી ૩ મીટર જેટલા ઊંચા આવ્યા છે. આ ગૌરવપૂર્ણ અને સફળ કામગીરીની નોંધ લઇને સ્કોચ પ્લેટિનમ એવોર્ડથી ગુજરાતને નવાઝિશ કરવામાં આવી છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ સ્કોચ પ્લેટિનમ એવોર્ડ એક સ્વતંત્ર સંસ્થા દ્વારા કેન્દ્ર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, મ્યુનિસિપાલિટી, શહેર કે જિલ્લા વ્યવસ્થાતંત્ર કે સરકાર હસ્તકના બોર્ડ-નિગમોને વ્યક્તિગત સિદ્ધિ સફળતા માટે એનાયત કરવામાં આવે છે. જાહેર સેવા અને જન સુખાકારીના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા દાખવનાર પ્રોજેક્ટની આ હેતુસર પસંદગી કરવામાં આવે છે અને પ્રેઝેન્ટેશનના આધારે જરૂરી ગુણાંકન આપીને તથા પીયર વોટિંગમાં ભાગ લેનાર મતોના આધારે મૂલ્યાંકન થાય છે.
સુજલામ-સુફલામ જળ અભિયાનમાં જળ વ્યવસ્થાપન સંબંધિત અગત્યના પહેલુઓ ડિસ્ટ્રીબ્યુટેડ વોટર રિસોર્સ મેનેજમેન્ટ, ઇન્ટિગ્રેટેડ વોટર મેનેજમેન્ટ, વોટર યુઝ એફિસીયન્સી વગેરેના પ્રદાનને ધ્યાને લઇને આ સ્કોચ પ્લેટિનમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

કેરળ અને તામિલનાડુ રાજ્યોને સિલ્વર કેટેગરી એવોર્ડ તથા તામિલનાડુને પરંપરાગત જળ વ્યવસ્થાપન પુન:જીવિત કરવા ગોલ્ડ મેડલ મળ્યો છે. આ વર્ષે માત્ર વોટર સેક્ટરમાં સ્કોચ પ્લેટિનમ એવોર્ડ આપવામાં આવ્યો છે. જેનું બહુમાન ગુજરાતને મળ્યું છે. ગુજરાતે ૨૦૨૦ના પ્રથમ માસ જાન્યુઆરી મહિનામાં જ જળ વ્યવસ્થાપન-સિંચાઇ ક્ષેત્રે બે બહુમાન મેળવીને દેશમાં અવ્વલ દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

કડાણા-દાહોદ લિફ્ટ ઇરીગેશન સ્કીમને બેસ્ટ ઇમ્પલીમેન્ટેશન ઓફ વોટર રિસોર્સીસ પ્રોજેક્ટ એવોર્ડ આ યોજના સમયાવધિની પહેલા પૂર્ણ કરવા માટે મળ્યો છે. હવે આ સ્કોચ એવોર્ડથી સુજલામ-સુફલામ જળ અભિયાનને સન્માનિત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.