Abtak Media Google News

અમુક ખાનગી સ્કૂલો દ્વારા ઓફલાઈન શિક્ષણ માટે દબાણ કરવામાં આવી રહ્યું છે

ઓફલાઈન શિક્ષણ અને પરીક્ષા માટે સ્કૂલોની મનમાનીનો ભોગ બન્યા છો? તો ‘અબતક’નો સંપર્ક કરો

રાજકોટ સહિત રાજ્યભરમાં ફરી એકવાર કોરોનાએ ફૂફાડો માર્યો હોય તેમ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યભરની સ્કૂલોમાં 6 થી 12ની સ્કૂલો શરૂ પણ થઈ ચૂકી છે અને ધો.3 થી 8ની દ્વિતીય કસોટી પણ હવે ઓફલાઈન લેવામાં આવનાર છે. એકબાજુ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે બીજીબાજુ મોટાભાગની ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ધરારથી સ્કૂલે બોલાવી પરીક્ષા દેવાનો આગ્રહ થઈ હ્યો છે. આવી સ્થિતિમાં કોરોના નહીં પરંતુ સ્કૂલના ડરે વિદ્યાર્થીઓને ઓફલાઈન કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં 6 થી 12ની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે. એવામાં હજુ ઘણા બધા વાલીઓ કોરોનાના ડરથી પોતાના બાળકોને સ્કૂલે જવાનુંટાળી રહ્યાં છે. ત્યારે એકબાજુ કોરોનાથી બચવાની વાતો ચાલી રહી છે અને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે વેળાવડા ન કરવાની મનાઈ ફરમાવી રહ્યાં છે. ત્યારે બીજીબાજુ પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓની ઓફલાઈન કસોટી લેવામાં આવનાર છે તો શું સંક્રમણ નહીં ફેલાય ?

રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને મોટાભાગની ખાનગી સ્કૂલોમાં હજુ 40 ટકા વિદ્યાર્થીઓ ઓફલાઈન આવતા નથી અને તેના વાલીઓ પણ કોરોનાના કારણે ઓનલાઈન કલાસ જ લેવાનું માને છે. ત્યારે રાજકોટમાં મોટાભાગની ખાનગી સ્કૂલોમાં ફરજિયાત ઓફલાઈન શિક્ષણ માટે બોલાવવામાં આવી રહ્યાં છે અને જે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલને ન મોકલી શકે તે માટે સ્કૂલ  દ્વારા તેનું કારણ પુછવામાં આવે છે કે શા માટે તમારા બાળકને સ્કૂલે નથી મોકલતા. રાજ્યભરમાં ફરી પાછો કોરોનાનો કહેર વધ્યો છે ત્યારે સ્કૂલો પણ ધમધમી છે તો આમાં બિચારા બાળકોનો શું વાંક ? જો કોઈ વિદ્યાર્થીને કોરોના થશે તો સ્કૂલ જવાબદાર રહેશે કે કેમ ? તે મોટો પ્રશ્ર્ન છે.

ત્યારે હવે ફરી પાછો કોરોના વકરતા સ્કૂલો બંધ થશે કે કેમ? ઉતરપ્રદેશમાં ધો. 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે ત્યારે રાજકોટ વાલી મંડળ દ્વારા પણ પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ ઉઠી છે.

ઓનલાઈન થવા માટે સર્ટીફીકેટ આપવું જરૂરી?

રાજ્યભરની મોટાભાગની સ્કૂલો દ્વારા ઓનલાઈન શિક્ષણની સાથે ઓફલાઈન શિક્ષણ પણ ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ ઘણી ખરી સ્કૂલોએ ઓનલાઈન શિક્ષણ ન ચલાવવું પડે તે માટે વિદ્યાર્થીઓને ધરારથી ઓફલાઈન શિક્ષણ માટે આમંત્રણ આપવામાં આવે છે અને જે રીતે હાલ કોરોનાનો કહેર વધ્યો છે ત્યારે સ્વાભાવિક વાલીઓને પણ મનમાં ક્યાંકને ક્યાંક ડર છે જેને લઈ 40 થી 50 ટકા વાલીઓ બાળકોને હજુ સ્કૂલે જવા દેવા માગતા નથી. જો કે આવી સ્થિતિમાં અમુક ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓને જબરદસ્તી વિદ્યાર્થી ઓફલાઈન શિક્ષણ માટે આવે તે માટે પરેશાન કરવામાં આવી રહ્યાં છે અને જે વિદ્યાર્થી ઓફલાઈન આવવા ન માંગતા હોય તો તેની પાસે સર્ટીફીકેટ લેવામાં આવી રહ્યું છે તે કેટલું યોગ્ય.

ધરારથી વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ માટે બોલાવતી શાળા સામે પગલા લેવાશે: ડીઈઓ કૈલા

Vlcsnap 2021 03 16 14H54M27S859

દિવસે ને દિવસે ફરી પાછો કોરોનાનો કહેર વધતો જાય છે ત્યારે સ્કૂલોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જ વિદ્યાર્થીઓને બોલાવવા અને સેનિટાઈઝ તેમજ માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે અને એ વાત સામે આવી છે કે અમુક ખાનગી શાળા દ્વારા વિદ્યાર્થીઓને ધરારથી ઓફલાઈન શિક્ષણ આપવા સ્કૂલે બોલાવવા ફોર્સ કરવામાં આવી રહ્યો છે તો આવી સ્કૂલો સામે કાયદાકીય પગલા લેવામાં આવશે અને ધો.3 થી 8ની કસોટી લેવામાં આવનાર છે. તેમાં પણ ફરજિયાત ઓફલાઈન કસોટી આપવાનું નથી. જે વાલીઓ પોતાના બાળકોને ઘેર બેઠા જ પરીક્ષા આપવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ શાળાએથી પ્રશ્ર્નપત્ર કલેકટ કરી ઘરબેઠા જ પરીક્ષા આપી શકશે તેમ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.