Abtak Media Google News

માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા એવા વેરાન રણમાં હજારો કિ.મી.દૂર આવેલા સાઇબેરીયા, યુરોપ અને લદાખથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ, ફ્લેમીંગો સહિતના વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ મહાલવા આવે છે. જેમાં સુરખાબ પક્ષીઓ તો રણમાં લાઇનબધ્ધ માળા વસાહત બનાવી સંવનન બાદ બચ્ચાઓને જન્મ આપી ઉનાળાની શરૂઆત થતા પોતાના માદરે વતન પરત ફરે છે.

વિદેશી પક્ષીઓને મહાલવા પ્રવાસીઓની ભીડ ઉમટી

કચ્છના નાના રણમાં છેલ્લા કેટલાંક દિવસોથી ભારે વરસાદના લીધે રણ મીની સમુદ્રમાં ફેરવાયું છે. હાલમાં રણમાં ફ્લેમીંગોનો મેળાવડો જામતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. હાલમાં નળ સરોવર તરફ જતાં વિદેશી પક્ષીઓના ઝુંડ રણ તરફ ફંટાતા પક્ષીઓના કલરવ વચ્ચે મનોરમ દ્રશ્ય પુરૂ પાડી રહ્યાં છે.પાટડી તાલુકામા અત્યાર સુધીમાં 621 મીમી એટલે કે,108.19 % વરસાદ નોંધાયો છે. જે સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા વાઈઝ સૌથી વધારે છે.

રણ પ્રવાસીઓ માટે બંધને, વિદેશી પક્ષીઓના વગર વિઝાએ રણમાં ધામા

હાલમાં એકબાજુ રણ પ્રવાસીઓ માટે ચાર મહિના માટે સદંતર બંધ છે. અને ભારે વરસાદના પગલે રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયાઓ પણ પોતાના માદરે વતન પરત ફર્યા છે. ત્યારે ભારે વરસાદના પગલે 5,000 ચો.કિ.મી.માં ફેલાયેલું રણ હાલ મીની સમુદ્રમાં ફેરવાયું છે. ત્યારે વેરાન રણમાં પક્ષીઓએ પડાવ નાંખ્યો છે.

ઘૂડખરોના ઝુંડે પણ વરસાદના પગલે સુરક્ષિત બેટ પર ધામા નાંખ્યા

રણમાં વાવાઝોડા કે વરસાદનો પહેલેથી અંદેશો આવી જતા દુર્લભ ઘૂડખરોના ઝુંડે પણ વરસાદના પગલે પુમ્બ બેટ સહિતના વિવિધ સુરક્ષિત બેટ પર અને ખારી વિસ્તારમાં પડાવ નાંખ્યા છે. હાલમાં તમામ ઘૂડખરો સહિતના સસ્તન પ્રાણીઓ સુરક્ષિત હોવાનું વનવિભાગે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.