Abtak Media Google News

મોરના પાછોતરા બંધારણ પર જ આંબાવાડીયાના માલિકોને ઉત્પાદનની આશા

સોરઠ પંથકમાં કેસર કેરીનું આગમન થઈ ચૂકયું છે. ત્યારે મોરના પાછોતરા બંધારણ પર અંબાવાડિયાના માલિકો દ્વારા કેરીના ઉત્પાદનની મોટી આશા સેવાઈ રહી છે. સોરઠ પંથકમાં આંબા ઉપર કેસર કેરીનું બંધારણ થઈ ચૂક્યું છે. માર્ચની શરૂઆત સાથે વાતાવરણ સારું રહેતા પાછતરા મોરમાં બંધાયેલ કેરીની વૃદ્ધિ સારી જોવા મળી રહી છે ત્યારે આંબાવાડિયાના માલિકોને પાછોતરા બંધારણ ઉપર જ ઉત્પાદનની મોટી આશા બંધાય ગઇ છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ દરમિયાન આંબા ઉપર ફૂલેલા પાછોતરા મોરમાં મગીયો સારો બંધાયો છે ત્યારે આંબાવાડિયાના માલિકોને  કેસર કેરીનું ઉત્પાદન સારું થવાની આશા છે. માર્ચની શરૂઆતથી ઠંડી સામાન્ય થતા અને દિવસે 30 ડીગ્રીથી વધુ તાપમાન રહેતા કેરીની વૃદ્ધિ માટે યોગ્ય વાતાવરણ સર્જાયું છે.અને કેરીમાં રોગનું પ્રમાણ પણ નહિવત થવા લાગ્યું છે.આંબે જોતા જ આખ ઠરે અને કેરી ખાવાની મનોમન ઈચ્છા પ્રગટ થાય તેવી કાચી લીલી અને ખાટી કેરીઓનું ઉત્પાદન થવા લાગ્યું છે ત્યારે આવું જ ઉત્પાદન છેવટ સુધી રહે તેવી આશા આંબાવાડીઓના માલિકોમાં સેવાઈ રહી છે. પરંતુ કેસર કેરીના અમુક બગીચામાં અત્યારે અમુક મઘીયા ઉપર સફેદ લીલી ઇયળ જોવા મળી રહી છે. ત્યારે થતું નુકસાન અટકાવવા આંબાવાડિયા માલિકો બગીચામાં દવાનો છંટકાવ કરાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.