144ની કલમની જેમ ભાજપ 144 બેઠકો ઉપર કાર્યકરોને શિસ્તબદ્ધ કરશે

  • 400 સીટનો મોદી મંત્ર સાકાર કરવા ભાજપ સજ્જ
  • મિશન 2024: ભાજપે અગાઉ હાથમાંથી ગયેલી લોકસભાની 144 બેઠકો કબ્જે કરવા સ્ટ્રેટેજી બનાવી
  • ભાજપ આગામી 18 મહિનામાં આ બેઠકો પર કામ કરવા માટે ત્રણ સ્તરના નેતાઓને તૈનાત કરશે : કેન્દ્રીય સમિતિ, રાજ્યની સમિતિ અને કેન્દ્રીય મંત્રીઓ સાથેની ક્લસ્ટર સમિતિ આ બેઠકો ઉપર કામગીરી કરશે

400 સીટનો મોદી મંત્ર સાકાર કરવા ભાજપ સજ્જ બન્યું છે. જેમ કલમ 144 શિસ્તતા માટે છે એવી જ રીતે ભાજપે અગાઉ હાથમાંથી ગયેલી લોકસભાની 144 બેઠકો કબ્જે કરવા  કાર્યકરોને પણ શિસ્તબદ્ધ બનાવવા કવાયત હાથ ધરી છે.  ભાજપ આગામી 18 મહિનામાં આ બેઠકો પર કામ કરવા માટે ત્રણ સ્તરના નેતાઓને તૈનાત કરશે. જેમાં કેન્દ્રીય સમિતિ, રાજ્યની સમિતિ અને કેન્દ્રીય મંત્રીઓ સાથેની ક્લસ્ટર સમિતિ આ બેઠકો ઉપર કામગીરી કરશે.

2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે.  બીજેપીનું ફોકસ 144 લોકસભા સીટો પર પોતાની હાજરી મજબૂત કરવા પર છે. જ્યાં તેને 2019માં હારનો સામનો કરવો પડ્યો હતો.  સંગઠનના જનરલ સેક્રેટરી બીએલ સંતોષે આ યોજના પર એક પ્રેઝન્ટેશન આપ્યું જેમાં કેન્દ્રીય મંત્રીઓ માટે વ્યાપક જનસંપર્ક અભિયાનનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં પાર્ટી આ 144 લોકસભા બેઠકો અને તેમની હેઠળની વિધાનસભા બેઠકો વિશે સંપૂર્ણ માહિતી એકત્ર કરશે.  બીજેપીના મતે પાર્ટી આ સીટો પર બૂથ મજબૂત કરશે.

ભાજપ આગામી 18 મહિનામાં આ બેઠકો પર કામ કરવા માટે ત્રણ સ્તરના નેતાઓને તૈનાત કરશે.  સૌપ્રથમ રાષ્ટ્રીય નેતાઓની બનેલી એક કેન્દ્રીય સમિતિ હશે જે સમગ્ર કાર્યક્રમની દેખરેખ કરશે.  બીજું, રાજ્ય સમિતિ જમીન પર યોજનાઓ અમલમાં મૂકશે.  ત્રીજું, કેન્દ્રીય મંત્રીઓ સાથેની ક્લસ્ટર સમિતિ પ્રવૃત્તિઓની દેખરેખ અને કેન્દ્રીય અને રાજ્ય સમિતિઓ વચ્ચે સંકલન કરવા માટે સીધી રીતે સામેલ થશે.

દર 15 દિવસે સંગઠન પ્રભારી બેઠક વિસ્તારમાં રાત વિતાવશે

આ કાર્યક્રમ હેઠળ પાર્ટીના સંગઠન પ્રભારી દર 15 દિવસે દરેક લોકસભા સીટ પર એક રાત વિતાવશે.  દરેક લોકસભાના પ્રભારી પ્રથમ બે મહિનામાં લોકસભા સીટ હેઠળ આવતા દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક રાત વિતાવશે.  બાદમાં તેઓ રાત્રી રોકાણ માટે લોકસભા પ્રભારી માટે સાપ્તાહિક કામ કરશે.

વિપક્ષ શાસિત રાજ્યોમાં દર મહિને પ્રચારનું આયોજન

લોકસભાની ટીમની જવાબદારી જાતિના આધારે, પક્ષમાં અને વિરોધના મુદ્દાઓ પર ડેટા તૈયાર કરવાની રહેશે.  ઉપરાંત, નબળા વિધાનસભા મતવિસ્તારો, ચૂંટણીની આગાહી અને જ્ઞાતિ સમીકરણને પ્રકાશિત કરતું ડોઝિયર તૈયાર કરવામાં આવશે.  આ ટીમ આ 144 બેઠકો માટે પાર્ટીના ઉમેદવારો પર પણ નજર રાખશે.  પાર્ટીએ વિપક્ષ શાસિત રાજ્યોના મતવિસ્તારોમાં દર મહિને પ્રચારનું આયોજન પણ કર્યું છે.

દરેક બેઠક ઉપર મીડિયા ઇન્ચાર્જ નિમાશે

દરેક લોકસભા સીટ માટે ખાસ મીડિયા ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવશે.  આ ટીમને સ્થાનિક મીડિયા હાઉસને પણ પ્રચાર અંગે સમજાવવાનું કામ સોંપવામાં આવશે.  સોશિયલ મીડિયા ટીમને આ વર્ષે ડિસેમ્બર સુધીમાં આ 144 લોકસભા બેઠકોમાંથી દરેક પર ઓછામાં ઓછા 50,000 ફોલોઅર્સ વધારવાનો ટાર્ગેટ આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીઓએ લાભાર્થીઓ સાથે સેલ્ફી ખેંચીને હાઇકમાન્ડને બતાવવી પડશે

યુવા, લાભાર્થીઓ, મહિલાઓ, સશસ્ત્ર દળોના લોકો જેવા વિવિધ મતદાતા જૂથોને લક્ષ્યાંક બનાવીને વિવિધ સ્તરે જાહેર સંપર્ક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે.  કેન્દ્રીય મંત્રીઓને સરકારી કાર્યક્રમોના લાભાર્થીઓ સાથે તેમની સેલ્ફી અપલોડ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.  આ વિગતવાર કાર્યક્રમ પર કામ જૂનથી શરૂ થશે અને પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ મૂલ્યાંકન કરવામાં આવશે.  તે મુજબ આગામી તબક્કાનું આયોજન કરવામાં આવશે.

2024માં લોકસભાની સાથે 7 વિધાનસભાની ચૂંટણીની પણ તૈયારી કરવી પડશે

2024માં લોકસભા અને સાત રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાશે.  જેમાં સિક્કિમ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડનો સમાવેશ થાય છે.  અત્યારે હરિયાણા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમમાં ભાજપની સરકાર છે.  ઓડિશામાં બીજેડી, આંધ્રપ્રદેશમાં વાયએસઆરસીપી, મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર છે.  આ રાજ્યોમાં ભાજપ સામે મોટો પડકાર એ છે કે જ્યાં તે સરકારમાં હોય ત્યાં તેને જાળવી રાખે અને જ્યાં વિપક્ષમાં હોય ત્યાં જીતે.લોકસભાની સાથે ભાજપે વિધાનસભાની પણ ચૂંટણીની તૈયારી કરવા અત્યારથી જ આયોજન ઘડવામાં આવી રહ્યું છે.

2023માં નવ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી

આગામી વર્ષે એટલે કે 2023માં નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.  તેમાં મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણાનો સમાવેશ થાય છે.  હાલમાં કર્ણાટક, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે.  આ સિવાય મેઘાલય, નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન સાથે સરકારમાં છે.  કોંગ્રેસ છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તામાં છે જ્યારે ટીઆરએસ તેલંગાણામાં સરકારમાં છે. જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં ભાજપે અત્યારથી જ ચૂંટણીને લઈને તૈયારી આદરી દીધી છે.

હાલ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની કવાયત

હાલમાં ભાજપ 18 રાજ્યોમાં સત્તા પર છે.  આ વર્ષના અંત સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી થવાની છે.  હાલ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે.  રાજકીય વિશ્લેષક પ્રમોદ સિંહ કહે છે કે ગુજરાતમાં ભાજપ ખૂબ જ મજબૂત છે.  આવી સ્થિતિમાં અહીં સત્તા પરિવર્તન થાય તેવી આશા ઓછી છે.  તે જ સમયે, હિમાચલમાં લડાઈ થોડી કઠિન બનવાની છે.  આનો અંદાજ 2020માં યોજાયેલી પેટાચૂંટણી પરથી લગાવી શકાય છે, જ્યારે કોંગ્રેસે હિમાચલમાં એક લોકસભા અને બે વિધાનસભા બેઠકો જીતી હતી.  જો કે, આ પછી ભાજપે અહીં ઘણું જોર લગાવ્યું હતું.

70થી ઓછી ઉંમરના સાંસદોને જ ઉમેદવાર બનાવાય  તેવી શકયતા, 81 સાંસદોની ટિકિટ કપાવાના સંકેત

2024માં ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.  બુધવારે મોડી રાત્રે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પસંદગીના કેબિનેટ મંત્રીઓ, પાર્ટીના પ્રભારીઓ અને સાંસદોની બેઠક મળી હતી, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા.  સૂત્રોનું માનીએ તો હવે દરેક સાંસદ પાસે 100 બૂથ હશે અને ધારાસભ્યો પાસે 25 એવા બૂથ હશે જ્યાં પાર્ટી નબળી છે.  આ સાથે ટિકિટની વહેંચણી સહિત અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા.પક્ષના ઉચ્ચ સ્તરે એ વાત પર સહમતિ બની છે કે 1955 પછી જન્મેલા એવા વર્તમાન સાંસદોને જ 2024માં લોકસભાની ટિકિટ આપવામાં આવશે.  આ પહેલા જન્મેલા નેતાઓને ટિકિટ નહીં મળે.  એટલે કે 70 પ્લસના નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહીં.  આ નિયમમાંથી માત્ર એક કે બે અપવાદોને જ મુક્તિ આપવામાં આવશે.  જો આ નિયમ લાગુ થશે તો ભાજપના 301માંથી 81 સાંસદોને ટિકિટ નહીં મળે.

તમામ નબળા બુથની ઓળખ કરી તેને મજબુત બનાવવા કવાયત

ભાજપ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના ’નબળા’ બૂથને મજબૂત કરવા માટે ખાસ રણનીતિ પર પણ કામ કરી રહી છે.  આવા કુલ 73,000 બૂથની ઓળખ કરવામાં આવી છે.  આ બૂથમાં પાર્ટીનો પ્રભાવ વધારવા માટે એપ્રિલમાં ચાર વરિષ્ઠ નેતાઓની પેનલ બનાવવામાં આવી હતી.  સૌથી વધુ સંવેદનશીલ બૂથ દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં છે.  આ યાદીમાં લઘુમતી સમુદાયનું વર્ચસ્વ ધરાવતા બૂથનો સમાવેશ થાય છે, જ્યાં ભાજપ અન્ય પક્ષોની સરખામણીમાં નબળી છે.  તે જ સમયે, ભાજપ તેના વિરોધીઓને નબળા બનાવવા પર પણ ધ્યાન આપી રહ્યું છે.  આ વ્યૂહરચના હેઠળ, ભાજપ એવા વિપક્ષી નેતાઓને નિશાન બનાવશે જેઓ તેમના વિસ્તારોમાં લોકપ્રિય અને પ્રભાવશાળી છે, પરંતુ તેમના મુખ્ય પક્ષોથી નારાજ છે.