Abtak Media Google News
  • પાટીદાર આંદોલનનમાં શહીદ થયેલા લોકોના પરિવારોને નોકરી અપાવી, વધુ સહાય અપાવવાનો પ્રયાસ કરવાની જાહેરાત
  • આનંદીબેન મારા ફૈબા, મારા પિતાને તેઓ રાખડી મોકલતા : હાર્દિક પટેલ

હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવીને હાર્દિકનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. તે સિવાય રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિકને ભાજપની ટોપી પહેરાવી હતી.  હાર્દિક પટેલે પત્રકાર પરિષદ દરમિયાન પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને વૈકલ્પિક નોકરી અપાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. સાથે જ પોતે ઘરવાપસી કરી હોવાનું અનુભવાઈ રહ્યું હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી.

Img 20220602 Wa0245

આંદોલન અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં હાર્દિકે રાજ્ય સરકારને માતા-પિતા સમાન ગણાવીને દીકરા દ્વારા કરવામાં આવેલી માગણી સ્વાભાવિક હતી તેમ જણાવ્યું હતું. સાથે જ તેણે 4-5 વર્ષ ચાલેલું આંદોલન સરકારે જ પૂર્ણ કરાવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.  હાર્દિકે જણાવ્યું હતું કે, તે જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે પણ તેણે રામ મંદિર, કલમ 370 નાબૂદી વગેરે મુદ્દે ભાજપ અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી.

હાર્દિકે જણાવ્યું કે, ભાજપમાં સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ. હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ રામ મંદિર બનાવવાની વાત હોય કે પછી 370 જેવા અનેક કાર્યોની પ્રશંસા કરતો હતો. હું રામસેતુના ભગીરથ કાર્યમાં ખિસકોલી બનીને કામ કરીશ. હું બીજેપીમાં જોડાઈ કાર્યકરો સાથે ખભેથી ખભો મેળવી કામ કરીશ.

હાર્દિકે જણાવ્યું કે, જ્યારે મેં કોંગ્રેસમાંથી રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતાં કે કમલમથી લખાયું છે. હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના પૂર્વ સીએમ આનંદી બેનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જ્યારે આનંદીબેન પટેલ ભાજપમાં માંડલથી ચૂંટણી લડતા હતા ત્યારે મારા પરમ પૂજ્ય પિતા તેમની સાથે હતા.

હાર્દિક પટેલે આંનદીબેન પટેલને યાદ કરીને જણાવ્યું હતું કે, આનંદીબેન પટેલ મારા પિતાને રાખડી મોકલતા હતા. આનંદીબેન પટેલ મારા ફઈ બા છે. મારા પિતાજી ભાજપ માટે કામ કરતા હતા. હાર્દિકે જણાવ્યું કે, અમારું આંદોલન સરકાર સામે હતું અને સરકારે જ પૂર્ણ કર્યું. ભાજપમાં મને સારી રીતે કામ કરવાની તક મળશે.

હું ઘરમાં પાછો ફરી રહ્યો છું. કોંગ્રેસે રામ મંદિર આધારા શિલા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. કોંગ્રેસમાં હતો, ત્યારે પણ પીએમના નિર્ણયોની પ્રશંસા કરતો હતો. કરોડો લોકો ભાજપ સાથે જોડાઈને દેશ સેવા કરવા માંગે છે. કોંગ્રેસના લોકોએ મારા પર અનેક આક્ષેપ કર્યા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મેં ભાજપને ગાળો આપી એ વાત સાચી છે, પરંતુ હવે ઘરનો દીકરો માં બાપ પાસે માંગણી કરે છે. પપ્પા સામે ચોકલેટ લેવા ઝગડો જ છો ને. એ રીતે પણ અમે આંદોલન સમયે ઝઘડ્યા હતા. હાર્દિક પટેલે જણાવ્યું કે, ભાજપમાં જોડાઈને આંદોલનનમાં શહીદ થયેલા પરિવારોને નોકરી અપાવીશું. પાટીદાર સાથીદારોને વધુ સહાય અપાવવાનો પ્રયાસ કરીશું.

ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવીને હાર્દિકનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. તે સિવાય રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિકને ભાજપની ટોપી પહેરાવી હતી. ત્યાર બાદ હાર્દિક પટેલે ભગવદ ગીતા આપીને સી.આર. પાટીલ અને નીતિન પટેલનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રદીપસિંહ વાઘેલા, રજની પટેલ, વિનોદ ચાવડા, ડો. ઋત્વિજ પટેલ વગેરે સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.