Abtak Media Google News

જિલ્લામાં કુલ 14100 લોકો અને 2870 પશુઓનું હાલ આશ્રય સ્થાનોમાં રોકાણ: પાણી, ભોજન સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઈ, અનેક સેવાભાવી સંસ્થાઓ પણ મદદ માટે આવી આગળ

રાજકોટ જિલ્લામાં કુલ 14100 લોકો અને 2870 પશુઓનું સુરક્ષીત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હાલ આ આશ્રીતોને પાણી, ભોજન સહિતની પાયાની વ્યવસ્થા તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ કપરા સંજોગોમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ મદદ માટે આગળ આવી છે. વધુમાં જયાં સુધી સરકાર તરફથી સુચના નહીં મળે ત્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા લોકોને આશ્રય સ્થાનોમાં જ રાખવામાં આવનાર છે.

વાયુ વાવાઝોડાની સંભવિત અસરના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી સુરક્ષા અર્થે કમર કસવામાં આવી રહી છે. જે અંતર્ગત ધોરાજી, ઉપલેટા, ગોંડલ અને જેતપુર તાલુકાના નિચાણવાળા વિસ્તારોમાંથી લોકો તેમજ પશુઓનું સુરક્ષીત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.   ગ્રામ્ય વિસ્તારમાંથી 7100 તેમજ શહેરી વિસ્તારમાંથી 7000 મળી કુલ 14100 લોકોનું સુરક્ષીત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરાજી તાલુકામાંથી 822, ઉપલેટામાંથી 280, ગોંડલમાંથી 272 અને જેતપુરમાંથી 2870 પશુઓનું પણ સુરક્ષીત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલ તમામ લોકોને તેમજ પશુઓને આશ્રય સ્થાનોમાં રાખવામાં આવ્યા છે. આ આશ્રય સ્થાનોમાં ભોજન, પાણી સહિતની પાયાની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

આ તકે તંત્રને અનેક સેવાભાવી સંસ્થાઓની પણ મદદ મળી રહી છે. ઉપરાંત રાજકોટ જિલ્લામાં 4.86 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. જેનું વિતરણ પણ પુરજોશમાં ચાલી ર્હયું છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે જયાં સુધી રાજ્ય સરકાર દ્વારા સુચના મળશે નહીં ત્યાં સુધી તમામ આશ્રીતોને આશ્રય સ્થાન ખાતે જ રાખવામાં આવનાર છે.

વધુમાં રાજકોટ જિલ્લામાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલને રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવ્યા છે. ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ હાલ તંત્ર સાથે જરૂરી સંકલન રાખી માર્ગદર્શન આપી રહ્યાં છે. ઉપરાંત તેઓ દ્વારા અનેક અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. આજરોજ તેઓ ગોંડલ પહોંચ્યા હતા. જયાં તેઓએ આશ્રય સ્થાનની મુલાકાત લઈને સ્થળ સમીક્ષા પણ કરી હતી. ઉપરાંત ફૂડ પેકેટનું વિતરણ પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.