Abtak Media Google News

ટીપી સ્કીમ નં.૨૨ (રૈયા)નાં ટીપી રોડ પર ખડકાયેલા દબાણો દુર કરવા ૩૦ મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું: મંદિરનું ડિમોલીશન શરૂ થતાં ટોળેટોળા ઉમટયા: ઉગ્ર બોલાચાલી: અંતે લોકોએ સ્વૈચ્છાએ બે દિવસનો ધાર્મિક વિધિ કર્યા બાદ મૂર્તિ શીફટ કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડયો

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનાં આદેશનાં પગલે આજે કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરનાં રૈયાધાર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ડિમોલીશનની કામગીરી દરમિયાન મંદિરને તોડી પાડવાનાં મુદ્દે ભારે માથાકુટ સર્જાય હતી. મંદિર પાડવાની કામગીરી શરૂ કરાય તે પૂર્વે જ લોકોનાં ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અંતે મૂર્તીઓ શીફટ કરવા માટે લોકોને બે દિવસનો સમય અપાતા મામલો થાળે પડયો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ટીપીઓ એમ.ડી.સાગઠીયાનાં માર્ગદર્શન હેઠળ ટીપી સ્કીમ નં.૨૨ (રૈયા)નાં ટીપી રોડ પર ખડકાયેલા દબાણો દુર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

અહીં વારંવાર નોટીસ આપવા છતાં લોકોએ દબાણ દુર ન કરતા આજે ટીપીનો કાફલો બુલડોઝર સાથે ત્રાટકયો હતો. ૧૦.૫૦ મીટરનાં ટીપીનાં રોડ પર રૈયાધાર વિસ્તારમાં દ્વારકેશ પાર્ક પાસે આવેલા ૩૬૭ મીટરની લંબાઈનાં રોડ પર ગેરકાયદે ખડકાયેલા ૩૦ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને ૩૮૫ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતીDsc 0746 E1559040078915

ત્યારબાદ ટીપીનો કાફલો અહીં ટીપીનાં રોડ પર ગેરકાયદે ખડકી દેવામાં આવેલા મંદિરોને તોડી પાડવા માટે ત્રાટકયો હતો જોકે મંદિરનું ડિમોલીશન શરૂ કરાય તે પૂર્વે જ લોકોનાં ટોળા એકત્ર થઈ ગયા હતા. ૧૦૦ થી વધુ લોકો મંદિરની આસપાસ બેસી ગયા હતા અને ડિમોલીશન કામગીરી અટકાવી દીધી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને એસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

સતત દોઢથી બે કલાક સુધી માથાકુટચાલી હતી અંતે લોકોએ એવી બાંહેધરી આપી હતી કે, તેઓ આગામી બે દિવસની સમય મર્યાદામાં વિધિવત ધાર્મિકવિધિ કર્યા બાદ મંદિરોમાં હાલ જે અલગ-અલગ ભગવાન અને માતાજીની મૂર્તિ બિરાજમાન છે તેનું અન્ય સ્થળે સ્થળાંતર કરી દેશે જો બે દિવસમાં મંદિરમાંથી મૂર્તિઓનું સ્થળાંતર ન કરવામાં આવે તો કોર્પોરેશન ગમે ત્યારે ડિમોલીશન કરી શકે છે. અંતે ટીપી શાખાએ મંદિરમાંથી મૂર્તિ સ્થળાંતર કરવા માટે બે દિવસનો સમય આપતા સમગ્ર મામલો થાળે પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.