Abtak Media Google News

બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે બોર્ડના વિધ્યાર્થીઓ માટે યોજાયો પરિક્ષાર્થી શુભેચ્છા સમારોહ: ૧૧૦૦૦થી વધુ પરિક્ષાર્થીઓની ઉપસ્થિતિ

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, રાજકોટ દ્વારા પ્રતિ વર્ષ યુવાનો-વિદ્યાર્થીઓ માટે અનેક પ્રેરણાદાયી પરિવર્તનશીલ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. દરેક વિદ્યાર્થી પોતાના માતા-પિતા અને શિક્ષકોની મહેનતનું ધારેલું પરિણામ લાવી શકે તે માટે ગત વર્ષોની જેમ આ વર્ષે રાજકોટ શહેરના ભવિષ્ય તરફ આગળ વધી રહેલા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતાઓ માટે, તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા આગામી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવા અને પ્રેરણા-પ્રોત્સાહન પૂરું પાડવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહનું વિશિષ્ટ  આયોજન કરવામાં આવેલું.

1K8A8471

સવારે ૯:૦૦ થી ૧૧:૩૦ દરમ્યાન કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે કરેલી મહેનતમાં પ્રાર્થનાને સંમેલિત કરીને સફળતાની રાહ પ્રાપ્ત કરવાનું વિવિધ માધ્યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સર્વે પરીક્ષાર્થીઓએ મંદિર પરિસરમાં ભગવાનના દર્શન કરી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ થઇ શકે તેવા સંકલ્પ અને પ્રાર્થના સાથે નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો. સભાહોલમાં પ્રવેશ કરતા સૌ પરીક્ષાર્થીઓનું  કુમકુમના ચાંદલાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખસ્વામી સભાગૃહમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીને ભારતીય પરંપરા મુજબ વૈદિક પૂજનવિધિ કરાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રેરણાત્મક વીડિઓ શો રજૂ કરવામાં આવેલો.

આ સમારોહમાં શિક્ષણાધિકારી આર. એમ. ઉપાધ્યાયે પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વિધાર્થીઓ સૌ આગળ વધો અને રાજકોટને રોશન કરો.પરિક્ષાની સુવ્યવસ્થા માટે અમારી શિક્ષણની સમગ્ર ટીમ સુસજ્જ છે અને શાળા સંચાલકો, આચાર્યે અને તમામ શિક્ષકો પરિક્ષા માટે સર્વપ્રકારે વિધાર્થીઓની સાથે જ છે. કાર્યક્રમના હાર્દસમા વક્તવ્યમાં પૂ.અપૂર્વમુનિ સ્વામીએ જીત જાયેંગે હમ… વિષય પર પરીક્ષાલક્ષી જોમસભર-પ્રેરક વક્તવ્ય રજૂ કરેલું.

Mg 6957

જેમાં ૬ સિધ્ધાંતો જીત, સતત સ્વસુધારણાથી, જીત, સાહસિક – સ્વપ્નશીલ સ્વભાવથી, જીત, સાવધાની અને સંયમથી, જીત, સંઘર્ષોમાં સ્થિરતાથી, જીત, સંકટોમાં સમજણથી અને  જીત, શ્રદ્ધા સાથેના સ્મરણથીસૌ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વિડીયો દ્વારા પરીક્ષામાં જીત હાંસલ કરવા માટેની તરકીબો શીખવાડી હતી.

આજના કાર્યક્રમમાં રાજકોટની નામાંકિત શાળાઓના ૧૧૦૦૦થી અધિક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ શાળાના માલિકો અને સંચાલકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ પરીક્ષાર્થીઓ પ્રસાદ લઇ આગામી બોર્ડની પરીક્ષા માટેની પૂ.અપૂર્વમુનિ સ્વામીએ શીખવેલા પરીક્ષાને પડકારવાના પાઠો જીવનમાં અમલ કરવાના દ્રઢ નિર્ધાર સાથે વિદાય થયા હતા.

પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ જીત જાયેંગે હમ… વિષય પર પરીક્ષાલક્ષીજોમસભર-પ્રેરક વક્તવ્ય રજૂ કરેલું જેમાં  શારીરિક સક્ષમ કરતા માનસિક સક્ષમ બનવું ખુબ જરૂરી છે, બહારના દેખાવ કરતા આંતરિક દેખાવમાં ફેરફાર આવશ્યક, પોતાના ફોટાને જોઈને અન્યને પ્રેરણા મળે એવું વ્યક્તિત્વ બનાવીએ, શિક્ષણમાં સુધારણાની ફરિયાદ ન કરીએ સ્વશિક્ષણસુધારણામાં ફેરફાર કરીએ, દ્રઢસંકલ્પથી જ જીત સહજ બને છે, પરીક્ષાના સમયના સદુપયોગ માટે મોબાઈલનો દુરુપયોગ ટાળીએ. વગેરે અંશો રજૂ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.