Abtak Media Google News

આગામી વર્ષમાં વૈશ્વિક મંદીની અસર ભારત ઉપર પણ પડવાની ભીતિ, અત્યારથી જ લીધેલા આગમચેતીના પગલા મોટા સંકટને ટાળી શકે છે

આગામી વર્ષમા વૈશ્વિક મંદી આવવાની છે એવી અનેકવિધ નિષ્ણાંતોએ ચેતવણી આપી છે. આ મંદીથી ભારતની બચવાની શક્યતાઓ પણ ખૂબ ઓછી છે. મંદી કેટલી ભયાનક હોય છે. તે લોકો જાણતા જ હોય છે. મંદી આર્થિક વિનાશ વેરે છે જેનાથી બચવાના કોઈ તાકીદના પગલાં હોતા નથી. આગમચેતીના પગલાં જ મંદીથી બચાવી શકે છે. ઘણા રોકાણકારો અને બચતકારો જાણતા હશે કે મંદી કેટલી વિક્ષેપકારક હોઈ શકે છે. આર્થિક પ્રવૃતિમાં સંકોચન સામાન્ય રીતે લોકોના ઘર સુધી, નોકરી ગુમાવવા અને પગારમાં કાપ સુધી પહોંચી શકે છે. મંદીમાં વ્યવસાયોને ચાલુ રાખવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આ દરમિયાન ખર્ચાઓ વધતા રહે છે. જેને પહોંચી વળવામાં આર્થિક સંકટ ઉભું થાય છે. વર્ષ 2020 અને 2021 ની કોવિડના કારણે આવેલી મંદી દરમિયાન ગંભીર મુશ્કેલીઓ સર્જાઈ હતી. હવે આગામી મંદી કેટલો સમય ચાલશે તે અંગે લઈ ચોક્કસ કહી શકાતું નથી. પરંતુ આપણે ભૂતકાળના અનુભવોથી વધુ સમજદાર બની શકીએ છીએ અને કોઈ પણ સંજોગોની તૈયારી કરવા માટે ચોક્કસ સલામતીનાં પગલાં મૂકી શકીએ છીએ.

આકસ્મિક ભંડોળ સ્થાપિત કરો

નાણાકીય સલાહકારો કહે છે કે લોકોએ આગામી સમયમાં આવનાર સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. આર્થિક મંદી દરમિયાન, છટણી અથવા પગારમાં કાપની શક્યતાઓ ખૂબ ઊંચી હોય છે. જો તમારી પાસે પર્યાપ્ત બફર ન હોય તો આ તમારા નાણાંને ગંભીર દબાણ હેઠળ લાવી શકે છે. શરૂઆતમાં, એક આકસ્મિક ભંડોળ બનાવો જેમાં ઓછામાં ઓછા છ મહિના માટે તમારા ખર્ચને આવરી લે. આમાં ખોરાક, ઘરનું ભાડું, લોન ઇએમઆઈ, શાળાની ફી જેવા ખર્ચનો સમાવેશ થાય છે. આકસ્મિક ભંડોળ એ જ્યાં સુધી તમે બીજી નોકરી ન મેળવો અથવા ફરી પગભર ન થાવ ત્યાં સુધી તમારી નિયમિત કાળજી લેશે.

બેક અપ પ્લાન રાખો

મંદીના સમયમાં નોકરી છીનવાઈ જવાની પણ ભીતિ રહે છે. આવા સમયે જો તને અગાઉથી જ રિઝ્યુમ તૈયાર રાખ્યું હશે, જે તે નોકરી દાતાઓ છે તેમના કોન્ટેકટમાં હશો તો ઘણી સરળતા રહેશે. આ ઉપરાંત તમે જ્યાં નોકરી કરો છો ત્યાં પુરતું જ કૌશલ્ય કેળવ્યું હશે તો તમારી સમસ્યા વધી શકે છે. માટે બેક અપ પ્લાનમાં કૌશલ્ય વિકસાવવું જોઈએ જે તમને બીજી નોકરી શોધવામાં ઉપયોગી સાબિત થાય. આ ઉપરાંત શક્ય હોય તો કમાણીનો કોઈ વૈકલ્પિક સ્ત્રોત પણ ઉભો કરવો જોઈએ. જો નોકરી જતી રહે તો આ વૈકલ્પિક સ્ત્રોતને મુખ્ય સ્ત્રોત બનાવીને તમે મંદીનો સામનો સરળતાથી કરી શકો છો.

લોન સહિતના દેવાઓને ધ્યાનમાં રાખો

લોનનો ભારે બોજ ધરાવતા લોકો પર મંદીની ભારે પડી શકે છે. બેંકબઝાર એસ્પિરેશન ઇન્ડેક્સ 2022 દર્શાવે છે કે સર્વેક્ષણમાં સામેલ 57% વ્યક્તિઓએ છેલ્લા એક વર્ષમાં આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી લોન લીધી હતી. દરમિયાન, 62% ઉત્તરદાતાઓએ રોગચાળાને પગલે બચતમાં ઘટાડા વચ્ચે તેમના માસિક ખર્ચાઓને પહોંચી વળવા માટે ફક્ત ક્રેડિટ પર આધાર રાખવો પડ્યો હતો. ફિનસેફ ઈન્ડિયાના સ્થાપક અને નિયામક મૃણ અગ્રવાલ સૂચવે છે કે, “જ્યાં શક્ય હોય ત્યાં પ્રીપેમેન્ટ કરીને લોનને તર્કસંગત બનાવવા પર ધ્યાન આપો અને અગાઉથી બોજ હળવો કરો.” જો બહુવિધ લોનની જવાબદારીઓ ચાલી રહી હોય, તો તમારી હાલની લોનની ચુકવણીના ક્રમને પ્રાથમિકતા આપો.

જીવનશૈલીમાં ફેરફાર કરો

જો રોકડની તંગીનો સામનો કરવો પડે, તો જીવનશૈલીમાં સરળ ગોઠવણો કરવાનું શરૂ કરો. તમારી તાત્કાલિક પ્રાથમિકતા તમારા ચાલી રહેલા ઘરના બજેટને અનુરૂપ હોવી જોઈએ. જીવનશૈલી જાળવવા માટે સંપૂર્ણ રીતે સેવા આપતા વિવેકાધીન ખર્ચમાંથી મોટા ભાગનો કાપ મૂકવો. થોડા સમય માટે જીવનશૈલી ખર્ચ મર્યાદિત કરો. મોટી ખરીદીની પ્રતિબદ્ધતાઓ પર રોક રાખો. અત્યારના સમયમાં વધુ પ્રમાણમાં ખર્ચ ઊંચી જીવનશૈલી પાછળ થાય છે. ભપકા પાછળ લોકો મોટાપાયે પૈસા ઉડાડે છે. આ ખર્ચાઓ બંધ કરી બચત કરવાનું શરૂ કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.