Abtak Media Google News
  • જૈનોની ચૈત્ર માસની આયંબિલ ઓળીનો  15થી પ્રારંભ અને 23મી પૂર્ણાહુતિ: નવ દિવસ સુધી નવપદની આરાધના કરવામાં આવે છે

જૈનો હર્ષોલ્લાસપૂર્વક  આયંબિલ તપનો પ્રારંભ  15 થી થશે આ તપમાં માત્ર એક જ વખત એક જ જગ્યાએ બેસીને લુખ્ખુ – સુકુ એટલે કે તેલ,ઘી,દુધ,દહીં, ગોળ,સબરસ અને સાકર વગરનો રસ અને સ્વાદ રહિતનો આહાર કરવાનો હોય છે તથા અચેત પાણીનો ઉપયોગ કરવાનો હોય છે.આધ્યાત્મિક દ્રષ્ટિએ તો તપ શ્રેષ્ઠ છે પરંતુ આયુર્વેદીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આયંબિલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.તેલ – ઘી રહિતનો આહાર વાપરવાથી લીવરને રાહત મળે છે,શરીર અને મન બંને પ્રસન્ન રહે છે,જે સાધનામાં સહાયક બને છે.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે આ પર્વ વર્ષમાં બે વાર ચૈત્ર તથા આસો માસમાં આવે છે.

આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત,પિત્ત અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે,તેથી આ દિવસોમાં તપ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેથી જ તમામ દર્દનું ઔષધ તપને ગણવામાં આવે છે.ધર્મની દ્રષ્ટિએ તપ એ નિર્જરા માટેનું ઉત્તમોત્તમ સાધન છે.

શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રમાં પ્રભુ મહાવીરે કહ્યું કે ” ભવકોડિસંચિયં કમ્મં ,તવસા નિજ્જરિજ્જઈ ” એટલે કે  ક્રોડો ભવોના બાંધેલા કર્મો તપ કરવાથી નિર્જરી અને ખરી જાય છે.

આયંબિલ ઓળીમાં નવ દિવસ સુધી નમો અરિહંતાણ પદથી લઇ નમો લોએ સવ્વસાહૂણં સાથે સમ્યક્ દર્શન,જ્ઞાન,ચારિત્ર અને તપ સહિત નવ પદની આરાધના કરવાની હોય છે.ગ્રંથોમાં આ તપનું મહીમા વણેવતાં અનેક પ્રેરક દ્રષ્ટાંતો આવે છે,જેમાં શ્રીપાલ અને મયણાનું દ્રષ્ટાંત સુપ્રચલિત છે. આયંબિલ તપ કરવાથી શ્રીપાલની કાયા કંચનવર્ણી બની જાય છે,તેમાં શ્રદ્ધા સાથે વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે.ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે.તામલી તાપસ અને સુંદરીએ પણ દીર્ધ કાલીન સુધી આ તપની આરાધના કરેલી.આયંબિલ તપની તાકાત એટલી જબરદસ્ત છે કે તપના પ્રભાવથી ભરત ચક્રવર્તીના સુંદરી પ્રત્યેના દુષ્ટ ભાવોમાં પરિવર્તન આવી ગયેલ.

કહેવાય છે તપથી લોહી શુદ્ધ થાય છે,લાલ રક્ત કણો વધે છે,ચામડી તેજસ્વી બને છે.પ્રોફેસર જોસેફ હેરેલ્દ જણાવે છે કે પેટના મોટાભાગના દર્દોમાં તપ શ્રેષ્ઠ છે. ડો. શેલ્ટન કહે છે કે સૃષ્ઠિના જીવોમાં માત્ર મનુષ્ય એવું પ્રાણી છે કે જે બીમારીમાં પણ ખા ખા કરે છે. જયારે પ્રાણીઓ બિમાર પડે ત્યારે  સૌ પ્રથમ ખાવાનું છોડી દે છે. મિસ શર્મને ટાંકેલુ છે કે એક અબજ લોકો જગતમાં અર્ધા ભૂખ્યા સૂએ છે અને સવા અબજ લોકો વગર ભૂખે ખા ખા કરે છે.

સળંગ નવ દિવસ આયંબિલ થઇ શકતી હોય તો તે શ્રેષ્ઠ છે,પરંતુ કોઇ કારણોસર શક્ય ન હોય તો છૂટક – છૂટક પણ આયંબિલ કરી શકાય છે જેનાથી જીવાત્મામાં તપના સંસ્કાર આવે છે.અમુક આત્માઓ નવ દિવસ મૌન  સાથે પણ આયંબિલ તપની આરાધના કરતાં હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.