Abtak Media Google News

Screenshot 5 33 સોમનાથ, નાગેશ્વર, ઘેલા સોમનાથ સહિતના શિવમંદિરોમાં સવારથી શિવભક્તોનો જમાવડો: શિવની ભક્તિમાં લીન થતો જીવ

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે મહા શિવરાત્રીના મહાપર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શિવભક્તો સવારથી ભોળીયા નાથની ભક્તિમાં લીન થઇ ગયા હતાં. પ્રથમ જ્યોર્તિલીંગ એવા સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. શિવાલયોમાં વહેલી સવારથી જ મહાદેવ હરના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યા હતા. આજે શિવભક્તો દ્વારા મહાદેવને રિઝવવા માટે આઠ પહોરની પુજા કરવામાં આવશે.

મહા શિવરાત્રી પર્વ નિમિતે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક ગામોમાં ભવ્ય શિવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી શિવ મંદિરોમાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. ભારે ભક્તિભાવ સાથે ભોળીયા નાથની આરાધના કરવામાં આવી હતી. પ્રથમ જ્યોર્તિલીંગ એવું સોમનાથ મહાદેવ મંદિર સળંગ 48 કલાક શિવભક્તો માટે ખુલ્લુ રાખવામાં આવશે.

સવારથી સોમનાથમાં શિવભક્તોનો જમાવડો જામ્યો છે. આજે જૂનાગઢમાં ભવનાથમાં ચાલતા મહા શિવરાત્રીના મેળાની મધરાતે રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પૂર્ણાહુતિ થશે. રાજકોટ જિલ્લામાં જસદણ નજીક આવેલા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ ઉપરાંત દ્વારકામાં નાગેશ્ર્વર સહિત ગામે ગામ મહા શિવરાત્રીના પાવન પર્વની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી.Screenshot 2 43

ભગવાન ભોળાનાથની આરાધના, સાધના કરવાથી સઘળાં, પાપ, તાપ, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર થાય છે. મરકટ અને મલીન મન મિંદડું બની અજબ શાતા અનુભવે છે. ચંચળ અને ચલિત ચિતવન ચંદનવનમાં ફેરવાય છે. હર કહેતા હર પ્રકારની પીડા દૂર થાય છે. યસ, માન, પ્રતિષ્ઠા, પ્રભાવ વધે છે. વિજય મળે છે. જીવનનો ફેરો ફળે છે. આવાગમન ટળે છે. ભગવાન શંકર શક્તિના મહાપૂંજ છે, અંત: એની પૂજા, અર્ચના, આરાધની કરવાથી અંગ-અંગતમાં અજબ આભા ઉભરે છે. જીવન મંગલમય બને છે.

ભગવાન મહાદેવ મૃત્યુંજયી છે. અત: દરેક પ્રકારના અકસ્માત તથા અકાળ મૃત્યુનો ભટ ટળે છે, મોક્ષ મળે છે.

મહાશિવરાત્રીએ વાસ્તવમાં ‘રૂદ્રોત્સવ’ છે. આને જન્મથી મૃત્યુ સુધીનો આ ઉત્સવ કહેવાય છે. આ દિવસે પશુપતિનાથે તાંડન નૃત્ય કર્યું હતું. એટલે એને પ્રલયકારી યાને ‘મોક્ષરાત્રિ’ પણ કહેવાય છે. આ દિવસે ભગવાન ભોળાનાથનું લિંગના સ્વરૂપમાં અવતરણ થયું હતું એટલે એનો ‘મહાશિવરાત્રી’ તરીકેનો મોંઘેરો મહિમા છે. અન્ય શિવરાત્રીઓ માસ શિવરાત્રી તરીકે ઓળખાય છે. આમા મહાશિવરાત્રી અને શ્રાવણ શિવરાત્રીનું સવિશેષ મહત્વ છે.

Screenshot 3 29 મહાશિવરાત્રીએ, કાલરાત્રી પ્રલયરાત્રી યાને મોક્ષકારી રાત્રી છે જેથી એને નિર્ગુણ-નિરાકાર ઉપાસના રાત્રી પણ કહેવાય છે. જ્યારે શ્રાવણી શિવરાત્રી સગુણ-સાકાર સકામ ઉપાસના માટે છે. કહેવાય છે કે, લોક કલ્યાણ અર્થે વિશ્ર્વનાથ આ દિવસે માતા પાર્વતી સાથે વિવાહ બંધને બંધાયા હતા. દરેક તીથિઓના અલગ-અલગ અધિષ્ઠાતાયાને દેવતા હોય છે.

‘ચૌદશ’ના અધિષ્ઠાતા યાને દેવતા ભગવાન ‘શિવ’ છે. એટલે પણ એનું વિશેષ મહત્વ છે. અન્ય અર્થમાં જોઈએ તો, ચૌદશના દિવસે ચંદ્રમાં સુર્યની નજીક હોય છે. ચંદ્ર એટલે, મન યાને ‘જીવ’ અને સૂર્ય એટલે, પરમાત્મા યાને શિવ’, જીવ અને શિવના મધુર મિલનનું મહાપર્વ એટલે ‘મહાશિવરાત્રી’ આ દિવસે રાત્રી પૂજનનું સવિશેષ મહત્વ છે. શાસ્ત્ર કથન અનુસાર ‘રા’ દાનાર્થક શબ્દથી રાત્રી શબ્દ બન્યો છે. ‘રા’ નો અર્થ છે જે સુખ, શાંતિ અર્પે છે. અર્થાત જે માનવીનું કલ્યાણ કરે છે. એવી શુભરાત્રી અન્ય અર્થમાં જોઈએ તો દિવસ વ્યવહાર માટે છે, જ્યારે રાત્રી પ્રભુ પ્યાર માટે છે. ગીતામાં પણ જે ભગવાન શ્રી કૃષ્ણે સ્વમુખે કહ્યું છે, વિષયાક્ત સંસારીઓની જે રાત્રી છે, તે યોગીઓ માટે જાગરણ છે.’ એટલે જ આ રાત્રીનું મહત્વ છે. જ્યારે ‘ઊપવાસ’નો અર્થ છે આહાર નિષેધ. આ ‘આહાર’નો આપણા શાસ્ત્રમાં વ્યાપક અર્થ ક2વામાં આવ્યા છે.” જે પણ કંઈ સંચિત કરવામાં આવે તે આહાર છે. એ રીતે, મન, બુધ્ધિ અને ઈન્દ્રિય જે ગ્રહણ કરવામાં આવે છે તે આહાર છે.Screenshot 4 25

આ તમામ આહાર છોડી ‘ઊપ’ એટલે નજીક પાસે, અને ‘વાસ’ એટલે, રહેવું, બેસવું એનું નામ ઉપવાસ પોતાના ઉપાસ્ય દેવ પાસે તમામ વિકાર ભાવ છોડી, અહમ તોડી, સમર્પણ ભાવે આર્તનાદે આરાધના કરવી એનું નામ આરાધના ઉપાસનાં આ આરાધનામાં નિશિથ કાલનું વિશેષ મહત્વ છે. વ્યાધિગ્રસ્થ વ્યક્તિએ આ સમયે ‘મહામૃત્યુંજ્ય’ના જાપ કરવા જોઈએ. યા ૐ નમ: શિવાયનું અવિરત રટણ કરવું જોઈએ. આ મંત્ર બહુ નાનો છે. પરંતુ એનો પ્રભાવ પ્રચંડ પ્રભાવક છે. એના અર્થનો આછેરો અણસાર માણીએ તો-ૐ એ પ્રણવમંત્ર છે. ‘પ્ર’ એટલે – પ્રકૃતિ અને ‘નવ’ એટલે, નાવ પ્રકૃત્તિથી ઉત્પન્ન થયેલ અસાર રૂપ સંસાર સાગરને જે નાવ દ્વારા પાર કરાવે તે પ્રણવ જ્યારે નમ: શિવાયને વીરશૈવ દર્શનમાં મહામંત્ર દર્શાવાયો છે. આ પંચાક્ષરમાં પાંચ બ્રબ, પાંચ તન્માત્રા, પંચ મહાભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય વિ.નો સમાવેશ થાય છે. અત: એને મૂળમંત્ર કહેવાય છે.

જ્યારે શિવનો સામાન્ય અર્થ થાય કલ્યાણ કરનાર, સદા સર્વેનું કલ્યાણ કરે તે શિવ. શિવનો અન્ય અર્થ થાય ‘શ’ એટલે નિત્ય સુખ ‘ઈ’ એટલે – પુરૂષ અને ‘વ’ એટલે, શક્તિ આ ત્રણેયનો ત્રિવેદી સંગમ એટલે ‘શિવ’ હજુ જરા ગહેરાઈથી જોઈએ તો, ‘શે તે તિષ્ઠતિ સર્વ જગત…. જેમાં સમસ્ત જગત શયન કરે છે, જે અમંગલનો નાશ કરે છે, જે સદા સર્વદા સર્વેનું કલ્યાણ કરે છે, યાને ‘શિ’ જે સર્વે પાપોનો નાશ કરવાવાળા, ‘વ’ એટલે, ‘મુક્તિદાતા’ છે, એજ ભગવાન શિવ છે. અને એની સાધના, આરાધના, ઉપાસના, પૂજા, અર્ચના કરવાનો મહામૂલો અવસર એટલે, ‘મહાશિવરાત્રી.’ તેમ ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઇ ઠક્કરે મહા શિવરાત્રીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.