Abtak Media Google News

કોઠારીયા પોલીસ ચોકીની બાજુમાં પથ્થરની ખાણ પાસે રૈયા સ્માર્ટ સિટીના તમામ ખાણ વિસ્તાર સિવાયના સ્થળે બાંધકામ વેસ્ટનો નિકાલ કરનાર સામે આકરી કાર્યવાહી કરાશે

શહેરમાં ઈમારત તોડવા, સમારકામ અથવા તો નવા બાંધકામ દરમિયાન એકત્ર થતા કચરાનો નિકાલ મહાપાલિકા દ્વારા નિયત કરાયેલા બે સ્થળો સિવાયના વિસ્તારોમાં કરવા પર મહાપાલિકા દ્વારા પ્રતિબંધ લાદી દેતું જાહેરનામું આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.

Advertisement

મ્યુનિ.કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, મહાપાલિકા વિસ્તારોમાં ઈમારતોના બાંધકામ દરમિયાન નળીયા, પથ્થર, ઈંટ સહિતનો કાટમાળ નિકળે છે જેનો નિકાલ આડેધડ કરવામાં આવતો હોય છે. જે સ્થળે આવા બાંધકામ વેસ્ટનો નિકાલ કરાઈ છે જયાં ઉંદરો અને જીવજંતુઓનો આશ્રય સ્થાન બની જાય છે. આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકો માટે આ એક ન્યુસન્સ પોઈન્ટ બની શકે છે. ભયંકર રોગચાળો ફેલાવવાની પણ એપી સેન્ટર બની જાય છે. બાંધકામ વેસ્ટનો નિકાલ કરવા માટે સમયાંતરે મહાપાલિકાએ પણ ખુબ જ મોટો ખર્ચ કરવો પડે છે. આથી લોકોના જાનમાલ કે આરોગ્યને નુકસાન ન થાય તે માટે ગુજરાત પ્રોવીનીશીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ અનુ.સુચી-ક ના પ્રકરણ-૧૪ની જોગવાઈ અનુસંધાને શહેરમાં બાંધકામ વેસ્ટના આડેધડ નિકાલ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. શહેરમાં કોઠારીયા પોલીસ ચોકીની બાજુમાં પથ્થરની ખાણ પાસે અને રૈયા સ્માર્ટ સિટીના તમામ ખાણ વિસ્તારમાં જ બાંધકામ વેસ્ટનો નિકાલ કરવાનો રહેશે.

નિયત કરાયેલા સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળો પર બાંધકામ વેસ્ટનો નિકાલ કરતા કોઈ આસામી કે વાહન પકડાશે તો પ્રથમ વખત છકડા, ટ્રેકટર દીઠ ૭૫૦૦, ડમ્પર દીઠ રૂ.૧૫૦૦૦, બીજી વખત પકડાશે તો અનુક્રમે રૂ.૧૫૦૦૦ અને રૂ.૩૦,૦૦૦, ત્રીજી વખત પકડાશે તો અનુક્રમે રૂ.૫૦,૦૦૦ અને ૧,૦૦,૦૦૦ લેખે વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવશે. તેમજ વાહન જપ્ત કરી લેવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહાપાલિકા દ્વારા અલગ-અલગ ત્રણ પ્રકારના જાહેરનામા પ્રસિઘ્ધ કરવામાં આવ્યા છે. જેમાં શહેરમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ, પ્લાસ્ટીકના ચાના કપ પર પ્રતિબંધ બાદ હવે બાંધકામ વેસ્ટના આડેધડ નિકાલ પર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.