Abtak Media Google News
  • રૂ.203 કરોડના 6 વિકાસ કામોને ખુલ્લા મુકાશે:  રૂ.291 કરોહના 22 વિકાસ કામોનો કરાશે શિલાન્યાસ

Rajkot News

છેવાડાના માનવીનો પણ સર્વાંગી વિકાસ થાય તેવું સરકારનું લક્ષ્ય છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડક્લાસ સુવિધાઓના નિર્માણનો નવો યુગ શરૂ થયો છે. ગુજરાતમાં પણ પાયાની સુવિધાઓમાં દિન – પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તા.25 ફેબ્રુઆરીએ રાજકોટ પધારી પ્રજાલક્ષી સંખ્યાબંધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહુર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટવાસીઓની સુખાકારીમાં વધારો કરવા “અમૃત મિશન” અંતર્ગત રૂ.203.61 કરોડના છ પ્રકલ્પોનું લોકાર્પણ તથા “અમૃત મિશન 2.0” અંતર્ગત રૂ.291.49 કરોડના 22 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાનશ્રીના વરદહસ્તે કરવામાં આવશે.

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દ્વારા શહેરી વિકાસ માટે કેન્દ્રીય પ્રાયોજિત “અટલ મિશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અખછઞઝ) યોજના 25 જુન, 2015થી શરૂ કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં જીવનની ગુણવત્તા સુધારવા માટે પાયાની સુવિધાઓ વંચિત નાગરિકો સુધી પહોંચાડવાનો છે. આ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.108.47 કરોડના ખર્ચે જેટકો ચોકડી ખાતે નિર્માણ પામેલ 50 એમ.એલ.ડી. ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૈયાધાર સ્માર્ટ સિટી ખાતે નિર્માણ પામેલ 8 એમ.એલ.ડી. ક્ષમતાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારી ડેમથી જેટકો સુધી અને પુનિતનગર, 80 ફૂટ રોડથી વાવડી હેડ વર્કસ સુધીની પાઇપલાઈનના બે પ્રોજેક્ટ અને જુદા-જુદા 6 પમ્પિંગ સ્ટેશનની મશીનરીના ઓગમેન્ટેશન પ્રોજેક્ટ અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ “રૂડા” દ્વારા કુલ રૂ.95.14 કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી 22 ગામો માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ થશે.

તદુપરાંત, અમૃત 2.0 અંતર્ગત રૂ.291.49 કરોડના 22 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે, 2.0 યોજનાનો મુખ્ય હેતુ તમામ શહેરી નાગરિકો માટે શુદ્ધ પાણીની પહોંચ તથા સુએજ અને સેપ્ટેજના કવરેજમાં વધારો કરવાનો છે. જેના હેઠળ વિવિધ પ્રોજેક્ટ પૈકી રૈયાધાર ખાતે 23 એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઘંટેશ્વર ખાતે 15 એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, ડેનેજ પાઈપલાઈન નેટવર્ક, હાઉસ કનેક્શન ચેમ્બર, ઉપરાંત પીવાના પાણી માટેની ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક અને બે વોટર સપ્લાય હેડ વર્કસ સહીત કુલ રર પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ 22 પ્રોજેક્ટમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 11 તથા 12ના નક્કી કરાયેલ વિસ્તારોમાં અમૃત મિશન 2.0 અંતર્ગત ડ્રેનેજ પાઈપ લાઈન નેટવર્ક અને હાઉસ કનેક્શન ચેમ્બર રૂ.25.83 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જેનાથી અંદાજિત 15 હજાર જેટલા લાભાર્થીઓને ભૂગર્ભ ગટરની સુવિધા મળતા વિસ્તારમાં આરોગ્ય અને સ્વચ્છતાનું સ્તર સુધરશે. રાજકોટના વોર્ડ નંબર 12માં અમૃત મિશન 2.0 અંતર્ગત મવડી પોકેટ-6 તથા નજીકના વિસ્તારમાં ડી.આઇ. પાઇપલાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક તૈયાર કરવાનું કામ રૂપિયા 7.49 કરોડના ખર્ચે કરવામાં આવશે, જેનાથી નવા વિકસતા વિસ્તારમાં અંદાજિત 15 હજાર જેટલા લાભાર્થીઓને પીવાના પાણીની સુવિધા મળશે.

અમૃત મિશન 2.0 અંતર્ગત રાજકોટના વોર્ડ નંબર 12 માં પોકેટ 12,13,14 અને 15માં પીવાના પાણીની સુવિધા માટે રૂ.24.25 કરોડના ખર્ચે ડી.આઈ. પાઇપલાઇન ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ઊભું કરવામાં આવશે, જેનાથી અંદાજિત 30 હજાર લોકો લાભાન્વિત થશે. સાથે જ પંપિંગ હાઉસ સાથે મુંજકા હેડ વર્કસનું નિર્માણ અને સંબંધિત ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનનું કાર્ય 6 કરોડના ખર્ચે કરવામાં આવશે. જેનાથી શહેરની ભાગોળે આવેલા મુંજકા ગામમાં પાણી વિતરણની વ્યવસ્થા મજબૂત થશે અને 140 લાખ લિટર પાણીની સંગ્રહ ક્ષમતાથી અંદાજિત 93 હજાર લોકોની પાણીની જરૂરિયાત સંતોષી શકાશે.

2.0 મિશન હેઠળ રાજકોટના વોર્ડ નં.11માં આવતા 80 ફીટ પુનીતનગર રોડથી પાળ રોડ વિસ્તાર રૂ. 25.83 કરોડના ખર્ચે, મોટામવા વિસ્તારના ટી.પી. રોડમાં રૂ.9.85 કરોડના ખર્ચે, રૂા. 10.89 કરોડના ખર્ચે કાલાવડ રોડ વિસ્તારમાં કાલાવડ રોડથી સરીતા વિહાર સોસાયટી વિસ્તારમાં, રૂા.14.82 કરોડના ખર્ચે માસુમ સ્કુલ ગોલ્ડન આર્ક રોડ હૈયાત સુએજ પંમ્પીંગ સ્ટેશન-મુંજકા વિસ્તારમાં અને રૂા. 7.06 કરોડના ખર્ચે રંગોલી પાર્ક આવાસ યોજના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામો તથા રોડ રીસ્ટોરેશન કામ કરવામાં આવશે, જેનાથી અંદાજીત 75 હજારથી વધુ લોકોના આરોગ્ય અને સ્વચ્છતાની જાળવણી થશે તથા પરિવહન માટે સુગમતા થશે.

રાજકોટ મહાનગરપાલિકા હાલ નવા ભળેલા વિસ્તારોને તમામ શહેરી સુવિધા મળી શકે એ માટે માધાપર, મુંજકા, મોટા મવા, મવડી વિસ્તારોમાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહુર્ત કરવામાં આવી રહ્યા છે  જે અન્વયે રૂ. 20.66 કરોડના ખર્ચે માધાપર જંકશનમાં ઉતર પશ્ચિમ ભાગમાં રૂ.6.11 કરોડના ખર્ચે, ઉતર પશ્ચિમ ભાગમાં રૂ.5.75 કરોડના ખર્ચે, દક્ષિણ-પશ્ચિમ ભાગમાં રૂ.8.80 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાનું તથા રોડ રીસ્ટોરેશનના કામનું ખાતમુહુર્ત થશે જેનો લાભ  44,000 લોકોને મળશે.

શહેરમા નવા ભળેલા ગામોમાં પાણી વિતરણની વ્યવસ્થા વધુ સુદ્ર્ઢ બને તે માટે નવા હેડ્વર્ક્સ અને ઉચ્ચ ક્ષમતાના સમ્પ બનાવવામાં આવશે, જેમાં રૂ. 34.43 કરોડના ખર્ચે પમ્પિંગ હાઉસ સાથે મોટા મૌવા હેડવર્કસનું નિર્માણ અને તમામ સંબંધિત ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ રૂ. 24.25 કરોડના ખર્ચે રામધણથી પુનિતનગર, 80 ફુટ રોડ, રૂ. 6.63 કરોડના પુનિતનગર 80 ફુટ રોડ પર મોહનેશ્વર મહાદેવ મંદિરથી વાવડી હેડ વર્કસ સુધી, રૂા. 7.49 કરોડના ખર્ચે રાધે રોડ અને પ્રમુખનગર મેઇન રોડ વચ્ચેનો ફોરચ્યુન હોટલ પાછળના વિસ્તારમાં પાઇપલાઇન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામો કરવામાં આવશે, જેનાથી આ વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે. જેનો લાભ આશરે 45,000 લોકોને પ્રાપ્ત થશે.

શહેરના વેસ્ટ ઝોન હસ્તકના રૂ. 13.94 કરોડના ખર્ચે અંતર્ગત મવડી પમ્પિંગ સ્ટેશન, ચંદ્રેશનગર પમ્પિંગ સ્ટેશન, ન્યારી-1 ફિલ્ટર પ્લાન્ટ પમ્પિંગ સ્ટેશન 1 અને 2, રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ, ઘંટેશ્વર ફિલ્ટર પ્લાન્ટ અને ન્યારા ઓફ ટેક પમ્પિંગ સ્ટેશન એમ કુલ 06 અલગ-અલગ પમ્પિંગ સ્ટેશનો ઈલે-મિકે મશીનરીના ઓગમેન્ટેશનના કામ થકી રાજકોટના 7 લાખ લોકોને સીધો ફાયદો થશે.

અમૃત મિશન 2.0 હેઠળ રૂ.193 કરોડના ખર્ચે ડ્રેનેજ પ્રોજેક્ટ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પમ્પિંગ સ્ટેશન, હાઉસ કનેક્શન ચેમ્બર તથા ડ્રેનેજ નેટવર્કના 17 કામો અને વોટર વર્કસ પ્રોજક્ટ અન્વયે રૂ. 98.13 કરોડના ખર્ચે પીવાના પાણી માટે હેડવર્કસ તેમજ ડી.આઈ. પાઈપલાઈન અને એમ.એસ.પાઈપલાઈનના પાંચ કામો મળીને રૂ. 291 કરોડથી વધુના ખર્ચે 22 કામો કરવામાં આવશે.

આમ, પ્રધાનમંત્રીના “સર્વ જન સુખાય”ના મંત્રને સાર્થક કરવા શહેરી આંતરમાળખાને વધુ મજબૂત કરી નાગરિકોની સુખાકારી માટે તમામ સેવાઓ પૂરી પાડનારા આ લોકાર્પણ અને ખાતમુહુર્તો સુનિયોજીત વ્યવસ્થાઓના નિર્માણની પરિકલ્પનાને સાકાર કરવાની હરણફાળ સમાન બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.