Abtak Media Google News

પાર્ટી પ્લોટમાં ગરબા આયોજનો નહીં યોજવાના આદેશના ઉલ્લંઘન બદલ ગુન્હો નોંધાયો

ગત શનિવારે રાત્રે ક્લબમાં ગરબા કાર્યક્રમનું આયોજન કરવા બદલ ગાંધીધામની એક ક્લબના મેનેજર અને વધુ એક વ્યક્તિની કચ્છ પોલીસે ધરપકડ કરી હતી.

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે, તેમને એક નાગરિક તરફથી ટેલિફોનિક ફરિયાદ મળી હતી કે ગાંધીધામમાં નેક્સસ ક્લબમાં ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ફરિયાદના આધારે પોલીસ ક્લબમાં તપાસ કરવા ગઈ અને જાણવા મળ્યું કે, આ કાર્યક્રમ માટે ઘણા લોકો ક્લબમાં ભેગા થયા હતા. પોલીસે કહ્યું કે તમામ કોવિડ-૧૯ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું કારણ કે ઘણા લોકોએ માસ્ક પહેર્યા ન હતા અને કોઈ સામાજિક અંતર જાળવવામાં આવ્યું ન હતું.

ક્લબની મેનેજર દીપ્તિ આશર અને પ્રોગ્રામના આયોજક સાગર કાનાણીએ કાર્યક્રમ માટે કોઈ પરવાનગી લીધી ન હોવાથી તેમની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.  આ બંનેની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.  પોલીસે પુરાવા તરીકે ક્લબમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ એકત્ર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.