Abtak Media Google News

નવા ચુંટાયેલા તમામ ધારાસભ્યોમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા સૌથી વરિષ્ઠ અને અનુભવી: સંસદીય બાબતોના પણ નિષ્ણાંત: બે-ત્રણ દિવસમાં સતાવાર જાહેરાત

રાજયપાલ ઓ.પી.કોહલીએ ગઈકાલે સાંજે ગુજરાતની ૧૩મી વિધાનસભાનું વિસર્જન કરવાની જાહેરાત કરી છે. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજથી રખેવાળ સરકાર બની ગયા છે. નવી બોડીની રચના કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગત ટર્મમાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઈ રહી છે. આ અંગે આગામી એકાદ બે દિવસમાં સતાવાર જાહેરાત કરી દેવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ૧૯ બેઠકો સાથે રાજયમાં છઠ્ઠી વખત સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે ગઈકાલે મળેલી ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી, મંત્રી મંડળના સભ્યો અને સ્પીકરના નામની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ભાજપના વરીષ્ઠ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પસંદગી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્રસિંહ ગત ચૂંટણીમાં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ખુબ જ પાતળી બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા છે. ૧૯૯૦ થી અત્યાર સુધીમાં એક ટર્મને બાદ કરતા તેઓ સતત ધારાસભ્ય પદે ચૂંટાઈ રહ્યા છે. ગત સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી હતા અને તેમની પાસે મહેસુલ તથા સંસદીય બાબતો સહિતના વિભાગો હતા. તેઓ એલએલબી સુધીનો અભ્યાસ ધરાવે છે સાથો સાથ વૈદ્ધાંનિક અને સંસદીય બાબતોના નિષ્ણાંત પણ છે આટલું જ નહીં વિધાનસભામાં નવા ચુંટાયેલા ૧૮૨ ધારાસભ્યોમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા સૌથી સિનિયર અને વરીષ્ઠ હોવાના કારણે તેઓને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ગત ટર્મમાં ત્રણ વાર અધ્યક્ષ બદલાયા હતા.

જેમાં સૌપ્રથમ વજુભાઈ વાળાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓને કર્ણાટકના રાજયપાલ બનાવાતા તેમના સ્થાને આત્મરામભાઈ પરમારને વિધાનસભાનું અધ્યક્ષપદ સોંપાયું હતું. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા આત્મારામ પરમારના સ્થાને રમણવોરાને વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા હતા. જોકે આ વખતે રમણલાલ વોરા દશાળા-પાટડી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી હારી ગયા હોય ત્યારે નવી વિધાનસભામાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અધ્યક્ષપદ સોંપવામાં આવે તેવી સંભાવના હાલ જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.