Abtak Media Google News

દિપસિંહ રાઠોડની અદ્યતન સાયકલમાં દુનિયાની તમામ સુવિધા

એકલા રહેતા આ માનવે જાત્રા કરવા સાયકલ બનાવીને સમગ્ર દેશના મંદિરો જોયા: ૧૪૦ કિલો વજન ધરાવતી સાયકલમાં હવે મુંબઇના મંદિરો જોવા સફર કરશે

આજ મહિનાની ૩ જુને વિશ્ર્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માણસોના વિવિધ શોખો હોય છે કેટલાક તો કસરત માટે વોકીંગ, સાયકલીંગ કરતાં હોય છે. વર્ષો પહેલા સાયકલ હોવી એક શાન ગણાતી સાયકલને વિવિધ શણગાર કરીને શોખીનો જીવથી વધુ સાચવતા હોય છે.

મૂળ ડીસા- બનાસકાંઠાના રહેવાસી અને છેલ્લા ત્રણ દાયકાથી રાજકોટમાં રહેતા દિપસિંહ રાઠોડની પત્નીનું અવસાન થયું ને બે પુત્રીના લગ્ન થયા બાદ એકલા ખટુલા જીવન જીવી રહ્યા હતા. અચાનક તેમને દેશનાં તમામ મંદિરોની જાત્રા કરવાની ઇચ્છા થઇ. ૧૯૮૯માં પોતે સામાન્ય જીવન જીવતાં હોવાથી મહેનત કરીને એક શ્રેષ્ઠ સાયકલ બનાવી જેમાં તમામ સુવિધા ક્રમસહ વધારતા ગયા. અત્યાર સુધીમાં તેમણે અલગ અલગ ત્રણ સાયકલ બનાવી જેમાં એક સાયકલ તેણે સુરતના શોખીનને ૯૫ હજારમાં આપી દીધી હતી.

હાલ તેમની પાસેની સાયકલની કિંમત લાખેણી છે જેમાં સીસી ટીવી, એલ.ઇ.ડ. કેમેરા, જી.પી.આર. એસ. લાઇટ ઇન્ડીકેટર, પંખો, બેટરી, અદ્યતન વિવિધ હોર્ન, મોબાઇલ સાથે પૂર્ણ કક્ષાની રિમોર્ટથી ઓપરેટ થતી અદ્યતન સાયકલ છે.

દિપસિંહ રાઠોડની સાયકલનું વજન ૧૪૦ કિલો છે. રાત્રે તેમની સાયકલને ચોરથી બચવા તેમાં તેને ઝટકા સિસ્ટમ મુકી છે. જેથી તેને અડતા ઝટકો લાગે છે. યાત્રાએ ઉપડે ત્યારે દિપસિંહભાઇ રસ્તામાં સુંદર જુના-નવા ગીતો સાથે સવાર-સાંજ આરતીમાં દિવો- અગરબત્તી કરે છે. તેમની સાયકલ હવે ‘જાત્રા સ્પેશિયલ’ ગણાવા લાગી છે. તેમની સાયકલમાં કપડા, ઓઢવા, પાથરવા જેવી તમામ વસ્તુઓ શ્રેષ્ઠ રીતે ગોઠવાયેલા જોવા મળે છે.

ચલ અકેલા… ચલ અકેલા જેવું ફકીરી જીવન જીવતા દિપસિંહ રાઠોડે ગુજરાતના તમામ મંદિરો પૂર્ણ કર્યા બાદ દેશના તમામ મંદિરે જાત્રા પૂર્ણ કરી છે. હવે આગામી દિવસોમાં મુંબઇના હાજીઅલી, સિઘ્ધી વિનાયક જેવા મંદિરો જોવા જવાના છે. ગત ૨૦૧૮માં કોલકતાના મહાકાલેશ્ર્વર મંદીરની યાત્રા રાજકોટથી દોઢ મહીને પહોચીને પુરી કરી ત્યાંથી વળતા ફરતાં ફરતાં દોઢ વર્ષે રાજકોટ આવ્યા હતા. સમગ્ર ભારત-નેપાળ સહિતની જગ્યાઓના વિખ્યાત મંદિરોની જાત્રા કરી ચુકયા છે.

તેમની સાયકલમાં જ મંદિર છે જેમાં મેલડી મૉ, ખોડીયાર માતાજી તથા રાઠોડ પરિવારનાં કુલ દેવી નાગણેશ્ર્વરી સહિતના માતાજીના શ્રેષ્ઠ લાઇટીંગવાળા ફોટા છે. સવાર-સાંજ દિવા-અગરબત્તીથી નિયમિત પુજન-અર્ચન કરે છે જયાં જયાં જાત્રામાં જાણ ત્યાં દિપસિંહ રાઠોડને લોકો ખુબ જ સાચવે છે તેમની યાત્રા દરમ્યાન બેટી બચાવો, ભ્રષ્ટાચાર વિરોધ અને ગૌ સેવાની જનજાગૃતિ ફેલાવીને રાષ્ટ્ર સેવા પણ કરી રહ્યા છે.

કોલકતા યાત્રા વખતે એક દાતાએ ૫૦ હજાર જેવી રકમની મદદ કરીને સાયકલમાં વિવિધ સિસ્ટમ ફિટ કરાવી આપી હતી. પપ વર્ષીય આ માનવ સતત સાયકલીંગ કરવાથી તેમને કોઇ રોગ નથી આજે પણ યુવાનને શરમાવે તેવી તંદુરસ્તી સાથે આખી રાત સાયકલ ચલાવી દિવસે આરામ કરે છે.

અબતક સાથેની વાતચિતમાં તેમણે જણાવેલ કે મને રાત્રે કયારેય મુશ્કેલી પડી નથી. લોકોએ મને રહેવા જમવા સાથે તમામ મદદ કરી છે. હાઇવે પર હોટલવાળાઓ પણ મારૂ ‚ખુબજ ઘ્યાન રાખે છે. એકલો હતોને ધર્મભાવના મારામાં હોવાથી મારે દેશના તમામ મંદિરો જોવા હતા, પૈસા હતા નહી તેથી સાયકલ બનાવીને હું નીકળી પડયો તેમ તેણે મુલાકાતમાં વધુમાં જણાવ્યું છે.

એકલવિર દિપસિંહ રાઠોડ તેમનાં ધર્મમય જીવનથી નિજાનંદ માણતા ને સાયકલ પર સરરરર… થઇ ને હરતાં ફરતા દુનિયા જોતા આનંદિત  માનવીને હાઇવે પર કોકને પંચર પડે તો તેઓ ઉભા રહીને તેમને તમામ મદદ કરીને સહાય પણ કરે છે. તેઓ છેલ્લા ૧૧ વર્ષથી સાયકલ યાત્રા પ્રવાસ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.