Abtak Media Google News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપની ચૂંટણી પસંદગી સમિતિની બેઠક શરૂ: સૌરાષ્ટ્રની 48 બેઠક માટે 1163 દાવેદારો: બેઠક વાઇઝ 3 કે 5 નામોની પેનલ બનાવી 6-7 નવેમ્બરે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવાશે

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે સામાન્ય ચુંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સતત સાતમી વખત ગુજરાતમાં પૂર્ણ બહુમત સાથે કમળ ખિલવા માટે ભાજપ દ્વારા પુરજોશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રાજ્યની 182 બેઠકો માટે જીતી શકે તેવા ઉમેદવારો નક્કી કરવા માટે આજથી ભાજપની ચૂંટણી પસંદગી સમિતિની બેઠક શરૂ થઇ ગઇ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ત્રણ દિવસ સુધી આ બેઠક ચાલશે. જેમાં અલગ-અલગ ઝોન વાઇઝ નિરિક્ષકો પાસેથી સેન્સ દરમિયાન આવેલા નામો પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. દરમિયાન બેઠક વાઇઝ જીતી શકે તેવા પાંચ-પાંચ નામોની પેનલ બનાવી આગામી 6 અને 7 નવેમ્બરના રોજ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. ઉમેદવારોના નામોની જાહેરાત ભાજપ દ્વારા બે કે ત્રણ તબક્કામાં દિલ્હીથી જાહેર કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને સહપ્રભારી સુધીરભાઇ ગુપ્તાની વિશેષ ઉ5સ્થિતિમાં પ્રદેશ ભાજપ કાર્યાલય “કમલમ્” ખાતે આજે સવારે 10 કલાકથી ગુજરાત ભાજપની ચૂંટણી પસંદગી સમિતિની ત્રિ-દિવસીય બેઠકનો આરંભ થઇ ચુક્યો છે. કમળના પ્રતિક પરથી વિધાનસભાની ચૂંટણી લડવા ઇચ્છુક મૂરતીયાઓની ગત 27 થી 29 ઓક્ટોબર દરમિયાન સેન્સ લેવામાં આવી હતી. જેમાં પ્રદેશ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા નિરિક્ષકો જે-તે જિલ્લા અને મહાનગરોમાં રૂબરૂ ગયા હતા. દાવેદારો, સમર્થકો તથા કાર્યકરોને રૂબરૂ સાંભળ્યા હતા. રાજ્યની 182 બેઠકો પર ભાજપમાંથી ચૂંટણી લડવા 4340 નેતાઓએ દાવેદારી રજૂ કરી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 1490 દાવેદારો અને દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછા 725 દાવેદારો છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે 1163 નેતાઓએ દાવેદારી નોંધાવી છે.

આજે સવારથી કમલમ ખાતે વિધાનસભાની 182 બેઠકો માટે મૂરતીયાઓ નક્કી કરવા મનોમંથન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં એક પછી એક જિલ્લા અને મહાનગરોના સ્થાનીક હોદ્ેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. નિરિક્ષકોને પણ સેન્સ પ્રક્રિયા દરમિયાન પોતાની સમક્ષ આવેલી વિવિધ રજૂઆતો, ફરિયાદો અને નામો પર પણ ગંભીરતા પૂર્વક ચર્ચા આવી રહી છે. બેઠકદીઠ ભાજપમાં સરેરાશ 24 દાવેદારો છે. આજે ચૂંટણી સમિતિની બેઠકમાં મનોમંથન કરવામાં આવી રહ્યું છે. આજે સવારથી સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લા અને મહાનગરોનો વારો લેવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લાનો વારો બપોર બાદ લેવામાં આવશે.

સેન્સ દરમિયાન નિરિક્ષકો સમક્ષ આપેલા નામો પર મોટો ચારણો મારી દેવામાં આવશે. સામાન્ય રીતે બેઠક વાઇઝ ત્રણ-ત્રણ પ્રબળ દાવેદારોના નામની પેનલ બનાવવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે દાવેદારોની સંખ્યા વધુ હોવાના કારણે પાંચ-પાંચ નામોની પેનલ બનાવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જો કે સ્થાનીક સંગઠનને બેઠક વાઇઝ પેનલ સ્વરૂપે નામો રજૂ કરવાની કોઇ સુચના આપવામાં આવી નથી.

સેન્સ દરમિયાન નિરિક્ષકો સમક્ષ આવેલા તમામ નામો યથાસ્થિતિમાં રજૂ કરી દેવા જણાવવામાં આવ્યું છે. જો કે નામો વધુ હોવાના કારણે સ્થાનીક હોદ્ેદારોને દાવેદારોને અગ્રતા ક્રમ આપવાની સુચના આપવામાં આવશે. પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બેઠક વાઇઝ પાંચ-પાંચ નામોની પેનલ બનાવવામાં આવશે અને તેને કેન્દ્રીય ચૂંટણી સમિતિની આગામી 6 અને 7 નવેમ્બરના રોજ મળનારી બેઠકમાં રજૂ કરી દેવામાં આવશે.

ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવતાની સાથે જ રાજ્યમાં જબ્બરો ચૂંટણીલક્ષી સળવળાટ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.