Abtak Media Google News

ગુજરાતમાં ભાજપ સરકારે વ્યાપમને શરમાવે તેવું શિક્ષક ભરતી કૌભાંડ આચર્યું છે.  નોકરી મેળવવા માટે અરજી પણ ન કરનારા 23 વ્યક્તિઓને વિદ્યા સહાયકના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારના ત્રણ  દાયકાના શાસનમાં અનેક કૌભાંડો અને શિક્ષિત બેરોજગારો સાથે થઈ રહેલા અન્યાયનો કીર્તિમાન સ્થાપિત થયો છે.

ત્રણ મહિનાથી ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ સચિવને પણ આ વાતની, કૌભાંડની જાણ હતી, પુરાવા સાથે આ વાત તેમની સામે પહોંચી હતી છતાં પણ આ રમત રમાતી રહી. આજે, વાત સામે આવી છે ગુજરાતના ખેડા જિલ્લાની. વર્ષ 2010માં ખેડા જિલ્લામાં 141 વિદ્યાસહાયકની ભરતી જાહેરાત બહાર પડી હતી.

કોંગ્રેસે કર્યા શિક્ષક ભરતી કૌભાંડનો પર્દાફાશ

141 ભરતીની સાથે 23 એવા ઓર્ડર આપવામાં આવ્યા જે ઉમેદવારોએ અરજી પણ નહોતી કરી. વધુમાં, આ ઉમેદવારોએ અપંગતાના ડુપ્લીકેટ સર્ટિફિકેટ રજૂ કર્યા હતાં. સામાન્ય પ્રવાહમાં પીટીસી વિદ્યાસહાયકમાં 63ની બદલે 67 ઉમેદવારો લેવામાં આવ્યા. જ્યારે વિજ્ઞાનપ્રવાહમાં 3 વધુ ઉમેદવારો લેવામાં આવ્યા. આવી જ રીતે બીજા વિભાગોમાં પણ ગેરરીતિથી ઉમેદવારો લેવામાં આવ્યા.વ્યાજબી છે કે, સરકારી મહેકમમાં જાહેર કરેલ 141 સરકારી શિક્ષકોનો પગાર બજેટમાં ફળવાય પરંતુ વધારાના આ 23 શિક્ષકોનો પગાર હાલ કેવી રીતે અને કયા હેડમાં ચૂકવાય છે તે નવાઈની વાત છે. આ કરોડો રૂપિયાનો વ્યવસ્થિત આયોજનથી કરેલો ભ્રષ્ટાચાર છે. 13 વર્ષોથી સળંગ ચાલતો આ ભ્રષ્ટાચાર છે. 13 વર્ષથી જનતાના પૈસા ગેરરીતીઓ પાછળ વેડફતી આ ભાજપ સરકાર છે. બેરોજગારો, યુવાધનને 27 વર્ષથી અન્યાય કરતી આ ભ્રષ્ટ ભાજપ સરકાર છે.

વર્ષ 2008માં સ્પોર્ટ્સના માર્ક્સ મેરિટમાં ગણવાનો ઠરાવ આવ્યો હતો. ગુજરાત કબડ્ડી એસોસિયેશન નામની સંસ્થાએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી ઉમેદવારોને સર્ટીફીકેટ આપ્યા હતા. આ ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફિકેટ ધરાવતા 84 શિક્ષકોની જાણ થતાં તેમની ચકાસણી કરવામાં આવી અને સર્ટિફિકેટ બોગસ નીકળ્યા, જેથી જામનગર શિક્ષણ પ્રશાસને તેઓને છૂટા કર્યા. તે જ પ્રમાણે વડોદરામાં 33 જેટલા શિક્ષકોને છૂટા કર્યા. પરંતુ, આ જ સંસ્થા, ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફિકેટ ધરાવતા 32 સરકારી શિક્ષકો હાલમાં ખેડા જિલ્લામાં નોકરી કરી પગાર લઈ રહ્યાં છે.

વર્ષ 2008માં આ જ  રીતે 257 જાહેર કરેલ જગ્યા પર વધારાના 64 ઉમેદવારો લેવામાં આવ્યા હતા. જાહેર કરેલ પરિપત્રમાં ઉલ્લેખ હતો કે, જાહેરાતમાં દર્શાવેલ જગ્યા કરતાં એક પણ જગ્યા ભરવી નહિ જો ભરશે તો તે જવાબદારી પ્રાથમિક શિક્ષણ અધિકારીની રહેશે.

ભૂતકાળમાં ઇડર અને ખેડબ્રહ્મામાં આ જ પ્રમાણે ભરતી કૌભાંડ ઉજાગર થતાં તે વખતના ડીઈઓ, ક્લાર્ક, 20 જેટલા શિક્ષકો, શાળા સંચાલકો પર એફઆઇઆર કરવામાં આવી હતી અને તેમની પાસે પગારથી ત્રણ ગણી વસુલાત કરવામાં આવી હતી. તે જ રીતે ભૂતકાળમાં ખોટા વિકલાંગતાના સર્ટિફિકેટ રજૂ કરાયેલ 21 ઉમેદવારોને ભરતીમાંથી રૂખસત કર્યા હતા અને એફઆઇઆર પણ કરવામાં આવી હતી. અહીં અગત્યની વાત એ છે કે, જે લોકો પસંદગી સમિતિમાં હતા તેમના જ બાળકોને ખોટા સર્ટિફિકેટ રજૂ કરી નોકરીમાં લાવવાનો કારસો ઘડવામાં આવ્યો છે અને આજે પણ તેઓ ફરજ પર છે, પગાર મેળવી રહ્યાં છે.

જ્યારે પશ્ર્ચિમ બંગાળ અને હરિયાણામાં આ પ્રકારના શિક્ષક ભરતી કૌભાંડ થયા હતા ત્યારે સી.બી.આઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને દોષિતો અત્યારે પણ જેલમાં છે. 2008ના વડોદરાના તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ કૌભાંડ મોટું હોવાથી તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવી જોઈએ. પરંતુ, આજ સુધી તે શક્ય બન્યું નથી. આ સિવાય અમરેલી, રાજકોટ, ભાવનગરમાં જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના કૌભાંડની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.