Abtak Media Google News

બિહારની માફક ગુજરાતમાં પણ જાતિ આધારિત  વસ્તી ગણતરી કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,બહુમતી સમાજની લાંબા સમયથી માંગણી છે કે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે અને એટલા જ માટે 2011 માં સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ   કરવામાં આવ્યા  હતો. આખા દેશમાં દરેક ગામમાં દરેક ઘરમાં સામાજિક, આર્થિક પરિસ્થિતિનો સર્વે કરવામાં આવ્યો તેની સાથે આર્થિક અને સામાજિક ડેટા પણ મેળવવામાં આવ્યો, સરકાર દ્વારા રીપોર્ટ સબમીટ કરવામાં આવ્યો હતો.કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બદલાઈ અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એન.ડી.એ ની સરકાર બની. 2011 ની વસ્તી ગણતરીનો ડેટા સરકાર પાસે હોવા છતાં, વારંવાર માંગણીઓ કરવા છતાં રીપોર્ટ જાહેર કરવામાં આવતો નથી.

જાણીજોઈને આ 2011 ની વસ્તી ગણતરીનો ડેટા મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં ન આવ્યો. સમાજમાં એક વર્ગ એવો છે કે જેને પૈસા ક્યાં મુકવા એની ચિંતા છે, અને બીજી બાજુ એક વર્ગ એવો છે કે જેને રોજ સવારે ઉઠીને પોતાના બાળકો માટે દુધની એક થેલી ખરીદવી હોય કે ઘર માટે શાકભાજી ખરીદવી હોય એ પૈસા ક્યાંથી લાવશે એની ચિંતા છે.

રાજયમાં એસ.ટી. એસ.સી. ઓબીસી અને માઈનોરિટી સમાજ અનેક લાભોથી વંચિત

દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે અનામત બાબતોના પ્રશ્નો ઉદભવ્યા તેના કારણે સુપ્રીમ કોર્ટ સુધી આ લડતો ચાલી અને 2010 અને 2021 માં સુપ્રીમ કોર્ટે આદેશો પણ આપ્યા એ મુજબ રાજ્ય સરકારોને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમારે આખા રાજ્યમાં ઓ.બી.સી.ની કેટલી વસ્તી યુનિટ દીઠ છે તેની વસ્તી ગણતરી કરવામાં આવે અને એ મુજબ એને રાજકીય પ્રતિનિધિત્વ મળે તે માટે અનામતની જોગવાઈ કરવામાં આવી. પણ કમનસીબે ગુજરાતમાં ભાજપની સરકાર વર્ષોથી જે આ સમાજો માટે અન્યાય અને ભેદભાવ કરતી આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ ગુજરાતમાં ઓબીસી માટેની વસ્તી ગણતરી કરવાની કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી. ત્યાર પછી છેલ્લે 2021 ચુકાદો આવ્યો અને એના માટે ઝવેરી કમીશન બનાવવામાં આવ્યું. ઝવેરી કમિશને પણ આખા ગુજરાતનો અભ્યાસ કર્યો અને તેનો ડેટા મેળવી અને સરકારને જે રીપોર્ટ કે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજ એના યુનિટ દીઠ વસ્તીના આધારે અનામત મળવી જોઈએ. પણ આ સરકાર બહુમતીના જોરે ઝવેરી કમિશનના રીપોર્ટને પણ ઘોળીને પી ગઈ. સુપ્રીમ કોર્ટના આદેશોની પણ સદંતર અવગણના કરવામાં આવી. ફક્ત ને ફક્ત રાજકીય કે એજન્ડાને લાભ મુજબ અનામતની જાહેરાત કરવામાં આવી.

પણ હમણા જ જે રીતે કે આખા દેશની નજર હતી કે દેશના અલગ અલગ રાજ્યોમાં પહેલા પણ પ્રયત્ન થયો, કર્ણાટકમાં પણ પ્રયત્ન થયો,  ઓડીસા હોય કે કેરલા હોય કે તેલંગાણા હોય એવા અનેક રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રયત્નો થયા પણ બિહાર સરકારે પ્રદેશના લોકોની જે માંગ હતી તે મુજબ બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી અને એ વસ્તી ગણતરીની સામે કેટલાય લોકો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયા પણ બંને કોર્ટોએ તેને અટકાવવાની જે માંગ હતી તેને ખારીજ કરી. અને બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો જે પણ ડેટા હતો તેની જાહેર જનતા સમક્ષ રજુ કર્યો છે

2011 પછી એસસી. એસટી, ઓબીસી અને માઈનોરીટી સમાજની વસ્તીમાં ખુબ વધારો થયો છે અને એ વસ્તીના વધારા પ્રમાણે એને જે બજેટની ફાળવણી થવી જોઈએ, એને જે સંશાધનોનો લાભ મળવો, એને જે નોકરીઓ, શૈક્ષણિક સંથાઓ, અને જે રાજકીય હિસ્સેદારી મળવી જોઈએ તે એટલા પ્રમાણમાં મળતી નથી. જો બિહાર જેવું રાજ્ય જાતિ આધારિત વસ્તી ગણતરી પોતાના રાજ્યની સુખાકારી માટે, કે વિકાસ માટે કે વંચિતોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કરી શકે તો ગુજરાતમાં 52% વસ્તી ઓ.બી.સી સમાજની હોય સાત ટકા વસ્તી એસ.સી સમાજની હોય 14% વસ્તી એસ.ટી સમાજની હોય, 9% વસ્તી માઈનોરીટી સમાજની હોય આમ ટોટલ સરવાળો કરવા જઈએ તો 80% કરતા વધુ જે વસ્તી છે એને આજે બજેટની જરૂરિયાત છે,

આજે શિક્ષણની જરૂરિયાત છે, વિકાસની જરૂર છે, સંશાધનોની જરૂર છે, રાજકીય અને નોકરીઓમાં અનામતથી સંરક્ષણની જરૂર છે એવા સંજોગોમાં આ ભાજપની સરકાર જે ડબલ એન્જીનની કહે છે જો એના હૈયે ખરેખર ગુજરાતની વંચિત, પીડિત સમાજનું હિત હોય, તેમને લાભ આપવાની વાત હોય, ન્યાય અને અધિકાર આપવા માંગતા હોય તો જે રીતે બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી ડેટા જાહેર કર્યા એજ રીતે ગુજરાત સરકાર પણ તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી અને એના ડેટા જાહેર કરે જેથી કરીને ગુજરાતમાં એસ.સી, એસ.ટી, ઓ.બી.સી અને માઈનોરીટી સમાજનો જે વર્ગ વંચિત છે, શોષિત છે, પીડિત છે, તેમને પણ લાભ મળે. અમે માંગણી કરીએ છીએ કે સરકાર તાત્કાલિક ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરે.

એસસી, એસટી, ઓબીસી અને માઈનોરીટી સમાજ છે એને ખરેખર તમે ન્યાય આપવા માંગતા હોય અને ખરેખર તમે જે દિવસો ગરીબીમાં જોયા અને જેનો પ્રચાર તમે વિશ્વમાં કરો છો એ જ રીતે ભવિષ્યમાં આ સમાજના બાળકો આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે, તેને શિક્ષણ, આરોગ્ય, વિકાસનો લાભ મળે, પુરતું બજેટ મળે તેમને સંશાધનોમાં લાભ મળે અને જેની જેટલી વસ્તી છે એટલી એની હિસ્સેદારી એના અભિગમને ધ્યાનમાં રાખી માનનીય પ્રધાનમંત્રીશ્રી પણ સરકારને સુચના કરે, સરકારને એ મુજબનું માર્ગદર્શન આપે કે બિહારમાં જે મુજબ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી તે મુજબ ગુજરાતમાં પણ તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તેવી અમે કોંગ્રેસે  માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.