ભાજપના સાંસદોના દિલ્હીમાં ધામા: પી.એમ.-સી.એમ. વચ્ચે પણ સાંજે બેઠક

જે.પી. નડ્ડા અને અમિત શાહની ઉ5સ્થિતિમાં ગુજરાતના લોકસભાના ર6 અને રાજયસભાના 8 સાંસદો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક પી.એમ. નિવાસ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે બંધબારણે બેઠક યોજશે

ગુજરાત ભાજપના તમામ સાંસદોને દિલ્હી હાઇકમાન્ડનું તેડુ આવતા લોકસભાના ર6 અને રાજયસભાના 8 સાંસદો દિલ્હી પહોંચી ગયા છે. આજે બપોરે ગરવી ગુજરાત ભવન ખાતે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના અઘ્યક્ષ સ્થાને જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. દરમિયાન સાંજે પી.એમ. નિવાસ સ્થાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાશે.

લોકસભાની ચુંટણીના આડે હવે એક વર્ષ જેટલો સમય બચ્યો છે ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક 156 બેઠકો પર વિજય મેળવી રાજયમાં સતત સાતમી વખત સત્તારૂઢ થયું છે. લોકસભાની આગામી ચુંટણીમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના હોમ સ્ટેટ ગુજરાતમાં સતત ત્રીજી વખત તમામ ર6 બેઠકો જીતવા ભાજપે મકકમ મન બનાવી લીધું છે આજે બપોરે રાજધાની નવી દિલ્હી ખાતે ગરવી ગુજરાત ભવન ખાતે બપોરે 4.30 કલાકે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના અઘ્યક્ષ સ્થાને ગુજરાતના લોકસભાના ર6 અને રાજયસભાના 8 સહિત કુલ 34 સાંસદોની બેઠક મળશે. વિધાનસભાની ચુંટણીની માફક લોકસભામાં પણ નો રીપીટ થીયરી અપનાવવાના મુડમાં છે. આજની બેઠકમાં ગુજરાતના સાંસદોને આગામી મહિનાઓમાં યોજનારી વિવિધ રાજયોની વિધાનસભાની ચુંટણી અને લોકસભાની ચુંટણી માટે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છથી આઠ બેઠકો પૈકી છ બેઠકો પર ભાજપ સીટીંગ સાંસદોની ટિકીટ પર કાતર ફેરવે  તેવી સંભાવના જણાય રહી છે.

દરમિયાન આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પણ બપોર બાદ દિલ્હી દરબારમાં હાજર થવા આદેશ આપી દેવામાં આવ્યો છે આજે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ સાંજે મુખ્યમંત્રી દિલ્હી જશે. સાંજે 6.30 કલાકે વડાપ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાને પી.એમ. નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વચ્ચે બંધ બારણે મહત્વ પૂર્ણ બેઠક યોજાશે. રાજયમાં નવી સરકારે ગત 1રમી ડિસેમ્બરના રોજ સત્તારૂઢ થઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત  16 મંત્રીઓએ શપથ લીધા હતા નાનું મંત્રી મંડળ હોવાના કારણે તમામ મંત્રીઓ પર કામનું ભારણ છે. આવામાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી સંભાવના પ્રબળ બની છે આગામી ર9મી માર્ચના રોજ વિધાનસભામાં બજેટ સત્ર પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારબાદ મંત્રી મંડળના વિસ્તરણની પણ અટકળો ચાલી રહી છે.

બજેટ સત્ર બાદ મંત્રી મંડળનું વિસ્તરણ લગભગ ફાઇનલ

ભૂપેન્દ્રભાઇ સરકારમાં નવા 8 થી 10 મંત્રીઓનો સમાવેશ કરાય તેવી શક્યતા

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. જે 29મી માર્ચના રોજ પૂર્ણ થશે. 15મી વિધાનસભાની રચના થતા ગત 12મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા હતા. તેઓની સાથે 16 મંત્રીઓએ શપથ લીધા હતાં.

હાલ તમામ મંત્રીઓ પાસે ઓછામાં ઓછા ચાર થી પાંચ વિભાગો છે. જેના કારણે તમામ પર કામનું ભારણ છે અને વધુ પડતા વિભાગોનો હવાલો હોવાના કારણે પર્ફોમન્સ આપી શકતા નથી. બીજી તરફ અનેક જિલ્લાઓમાંથી ભાજપને તોતીંગ જીત મળી હોવા છતા તે જિલ્લાને મંત્રી મંડળમાં સ્થાન આપી શકાયુ નથી. મંત્રી મંડળના વિસ્તરણની વાતો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે.

દરમિયાન તાજેતરમાં ગુજરાતની મૂલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને તાત્કાલીક અસરથી દિલ્હીથી તેડુ આવ્યુ છે. સાંજે વડાપ્રધાન સાથે તેઓની બેઠક થશે. જેમાં મુખ્યત્વે મંત્રી મંડળના વિસ્તરણની શક્યતા જણાય રહી છે. બજેટ સત્ર પૂર્ણ થતાની સાથે જ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે અને 8 થી 10 મંત્રીઓને સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.