Abtak Media Google News

ભાજપાના ૪૦માં સ્થાપના દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરના કાર્યકરોને સંબોધન કરતા જે પંચાગ્રહની અપીલ કરી છે તેનું પાલન ગુજરાતના સૌ કાર્યકર્તા કરે તેવી અપીલ ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કરી હતી.

વાઘાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ સુચવ્યા મુજબ આજે સૌ કાર્યકર્તા પોતે એક ટંકનું ભોજન ત્યજીને પોતાની આજુબાજુ રહેતા ગરીબ લોકો ભૂખ્યા ન સુવે તેની ચિંતા કરી તેમને રાશન કીટ તથા જીવનજરૂરી સામગ્રી પહોંચાડે તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા આ આફતના સમયે જરુરિયાતમંદો માટે જે શ્રેણીબદ્ધ પગલા લેવાઈ રહ્યા છે તેમાં જ્યાં જરૂર જણાય ત્યાં પૂરક બનીએ.

વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પંચાગ્રહનું તેઓ પણ કાર્યકર્તા તરીકે પાલન કરવાના છે તેમજ આજે એક ટંકનું ભોજન ત્યજીને પોતાના વિસ્તારમાં આજુબાજુમાં રહેતા ગરીબોને રાશન કીટ તથા જરૂરિયાત મુજબની સામગ્રી અર્પણ કરશે.

‘શ્રી કમલમ ટ્રસ્ટ’ દ્વારા પીએમ કેર્સ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં આર્થિક યોગદાન

ગુજરાત પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ તથા વરિષ્ઠ અગ્રણી સુરેન્દ્રભાઈ પટેલે યાદીમાં જણાવ્યું હતું કે,દેશ જ્યારે કોરોનાની આફત સામે લડી રહ્યો છે ત્યારે રાષ્ટ્ર સામે આવી પડેલી આ આપત્તિમાં જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા પીએમ કેર અને મુખ્યમંત્રી રાહતનિધિમાં આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે.જે મુજબ ‘શ્રી કમલમ ટ્રસ્ટ’ તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાં ૧૧ લાખ રૂપિયા તથા ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટ્રસ્ટ’ તરફથી પીએમ કેરમાં ૧૫ લાખ રૂપિયાનું અનુદાન  આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.