Abtak Media Google News
  • રાજ્યના 452 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટે 67 હજાર કરતા વધુ શિક્ષકોને ઓર્ડર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં હવે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે. રાજ્યના 452 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટે 67 હજાર કરતા વધુ શિક્ષકોને ઓર્ડર કરવામાં આવ્યા છે. આ વખતે તમામ કેન્દ્રો પર એક સાથે મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવાના બદલે તબક્કાવાર કેન્દ્રો પર મૂલ્યાંકન કામગીરી શરૂ કરવાનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ દિવસે રાજ્યના 18 સેન્ટર પર મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે. ધો.10માં સૌથી વધુ 32 હજાર કરતા વધુ શિક્ષકોને મૂલ્યાંકન કામગીરીમાં જોડવામા આવ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં હવે પરીક્ષાના મહત્વના ત્રણથી ચાર વિષયોના પેપર પૂર્ણ થયા હોવાથી હવે શનિવારથી બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગતવર્ષે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, તે પહેલા ચારથી પાંચ પેપર પૂર્ણ થયા બાદ મૂલ્યાંકન કામગીરી શરૂ કરી દેવામાં આવતી હતી, તે જ રીતે આ વખતે પણ પરીક્ષા વચ્ચે જ મૂલ્યાંકન શરૂ કરવાનું આયોજન કરાયું છે. ધો.10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 204 મૂલ્યાંકન કેન્દ્ર પર ઉત્તરવહી મૂલ્યાંકન માટે 32740 શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 184 મૂલ્યાંકન કેન્દ્ર પર 25628 શિક્ષકો દ્વારા ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવશે.

ધો.12 સાયન્સમાં પણ 64 મૂલ્યાંકન કેન્દ્રો પર 8747 શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી કરવામાં આવશે. આમ, સમગ્ર રાજ્યમાં આ વખતે 452 મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહી મૂલ્યાંકન માટે 67115 શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે તમામ સેન્ટરો પર એક સાથે મૂલ્યાંકન કામગીરી શરૂ કરવાના બદલે તબક્કાવાર કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. જે મુજબ પ્રથમ દિવસે ધો.10ના 10 સેન્ટરો, ધો.12 સામાન્ય પ્રવાહના 5 સેન્ટરો અને ધો.12 સાયન્સના 3 સેન્ટરો મળી કુલ 18 સેન્ટરો પર મૂલ્યાંકન કામગીરી શરૂ કરાશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય સેન્ટરોને આવરી લેવામાં આવશે. ધો.10માં મહત્ત્વના વિષય માટે 4500 શિક્ષકોને મૂલ્યાંકનની કામગીરી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રાજકોટ જિલ્લામાં ધો.10માં 10, ધો.12 સામાન્ય પ્રવાહના 13 અને સાયન્સ માટે 4 કેન્દ્રો ફાળવાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં હવે શનિવારથી ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ થઇ ગઈ છે.જેમાં રાજકોટ જિલ્લામાં ધો.10માં 10, ધો.12 સામાન્ય પ્રવાહના 13 અને સાયન્સ માટે 4 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આજથી 14 કેન્દ્રો પર પેપર ચકાસણીની કામગીરી શરૂ થશે અને 23 માર્ચથી તમામ કેન્દ્રો પર મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે. આ કામગીરી વહેલી શરૂ થવાના કારણે બોર્ડનું પરિણામ વહેલું જાહેર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.