Abtak Media Google News

જેસલ-તોરલ આપણી સંસ્કૃતિ અને કુદરતના સિધ્ધાંતોના પાલન તેમજ ઉપેક્ષાના સારા-નરસા પરિણામોનાં પ્રતીકો છે. અને અનુભવ સિધ્ધ માનવાનાં મોક્ષપ્રાપ્ત આત્માઓ છે. સતીતોરલે પાપોનો પસ્તાવો કરવાનો અને મનુષ્ય માત્રએ પાળવા જોઈતા ધર્મમાં લીન રહીને જીવવાનો ઉપદેશ આપ્યો છે. અને એને નખશીખ વળગી રહીને અમરત્વ પણ પામ્યા છે.

ગુજરાતમાં હવે જો સમયસર પૂરતો વરસાદ નહી આવે તો ગુર્જરધરાની આકરી કસોટી થવાનાં સંકેતો સાંપડે છે.

ગુજરાતમાં ખેતી મહદઅંશે વરસાદ ઉપર આધારિત છે. રાજયના જુદા જુદા વિસ્તારોમાં જયારે જયારે વરસાદ અપૂરતો આવે છે, અથવાતો જયારે જરૂર હોય છે ત્યારે આવતો નથી આવી પરિસ્થિતિમાં રાજયની ખેતી ઉપર અત્યંત પ્રતિકૂળ અસર થાય છે. તે જ રીતે આવી પરિસ્થિતિમાં સિંચાઈનાં સાધનો ઉપર પણ પ્રતિકૂળ અસર થાય છે. વળી પૂરતા પીવાનાં અભાવે કૂવાના તળ નીચા ઉતરી જાય છે.

આમ પણ ગુજરાતે સિંચાઈની બાબતમાં ખાધવાળુ રાજય તો રહેતું જ આવ્યું છે. રાજયમાંના વાવેતર હેઠળના વિસ્તારોના સામાન્યત: ૧૦ ટકા વિસ્તારોને જ સિંચાઈનો લાભ મળે છે, જયારે આવી સિંચાઈની અખિલ ભારતીય સરેરાશ ૨૨.૯ ટકા જેટલી છે. સિંચાઈની બાબતમાં આવી ખાધવાળી પરિસ્થિતિમાં જયારે ચોમાસુ નિષ્ફળ જાય છે. ત્યાર રાજયમાં અછતની પરિસ્થિતિ સર્જાય છે.

આપણા ગુજરાત ઉપર હમણા સુધીનું કપાસ, માંડવીનું વાવેતર ધૂળધાણી થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. અને તેને કારણે આ રાજયમાં ઘણે ઠેકાણે પાણી, ઘાસચારો, બિયારણ અને અછત, મોંઘવારીની કઠોર સમસ્યાઓ ફૂટી નીકળવાની દહેશત જાગી છે.

ઓછામાં પૂરૂં ગુજરાત સરકાર ઉપર અ..ધ..ધ..ધ.. દેણુ છે. કરકસર એ બીજો ભાઈ છે. એ વાત હજૂ અહીના સૂત્રધારોને સમજાતી નથી.

‘તળ’માં જ પાણી ખૂટયા છે. તે બાબત ગંભીર છે ખેતરોની હાલત ખાવા દોડે તેવી થવાનો ભય તોળાઈ રહ્યો છે. કપરી પરિસ્થિતિનો સામનો કરવા અને દીન દુ:ખિયાઓને રાહત સાંપડે એ માટે નિજી રાજકીય લાભાલાભની ઘણ કરેલી માનસિકતાને અભેરાઈએ ચડાવ્યા વિના અને સામૂહિક ઉપાયો કર્યા વિના હવે નહિ ચાલે એમ થશે તો લોકોની નારાજી વધશે અને લોકોનો પૂણ્ય પ્રકોપ વકરશે, એ ભૂલવા જેવું નથી.

એક બાજુ આદેશ વૈજ્ઞાનિક સિધ્ધિઓ હાંસલ કરવા થનગને છે, ને બીજી બાજુ ગરીબી રેખા નીચે જીવતા કરોડો લોકોને અસહ્ય ગરીબીમાંથી બહાર કાઢવા મથી રહ્યો છે.

આ બેમાંથી વૈજ્ઞાનિક સિધ્ધીઓ શકય બની શકી છે. પણ ગરીબીને હટાવવાનું શકય બનતુ નથી.

મહાત્મા ગાંધીજીએ તો ગરીબી નાબુદીને અગ્રતા આપવાનું વિચાર્યું હતુ અને જાહરે પણ કર્યું હતુ.

સહુ કોઈ જાણે છે કે આ દેશના શહેરોમાં જે સંપત્તિ જોવામાં આવે છે. તેનાથી આપણે છતેરાઈએ નહિ. તે ઈગ્લેન્ડ કે અમેરિકામાંથી નથી આવતો પણ અત્યંત ગરીબ લોકોના લોહીમાંથી આવે છે !

ગરીબીનું મૂળ ભણતરની ઉણપમાં છે…

ગરીબીનું મૂળ ગ્રામીણ લોકોની અજ્ઞાનતામાં છે.

ગરીબીનું મૂળ કેટલાક સત્તાધીશોની અધમતામાં છે.

ગરીબીનું મૂળ લોકશાહીની ત્રુટીઓમાં અને વિધાનગૃહોની ઉણપોમાં છે. કાયદાઓની છટકબારીઓમાં અને ચૂંટણીપ્રથાની ત્રુટીઓમાં છે.

ગરીબી દૂર કરવા માટે ફાળવાતા નાણા ભ્રષ્ટાચારીઓ હજમ કરી જાય છે. એવું વડાપ્રધાને કબૂલ્યું છે. અને ભ્રષ્ટાચાર સામે બાથ ભીહવાનું ગુપ્તચર એજન્સીઓને આહવાન કર્યું છે. ભ્રષ્ટાચારનો રાક્ષસ તગડો અને ભયાનક સ્વરૂપનો બની ગયો ત્યાં સુધી કેમ એકેય સરકાર જાગી નહિ અને જે જાગી હોય તે ફાવી નહિ!

હજુ એનું પુનરાવર્તન નહિ થાય એની શી ખાતરી ?

આ બધું જોતા આપણા દેશની ઓવરઓલ પરિસ્થિતિ પણ ચિંતાજનક છે. એને કારણે ગુજરાત એની વસમી હાલતમાં બીજે કયાંયથી પણ સહાય કે સહકાર મેળવી શકે તેમ નથી. આપણી વર્તમાન ઔષધિ સમયસર વરસાદ છે. અને એને રીઝવવા નિષ્કપટ પ્રાર્થના કરવાનો માર્ગ જ શ્રેષ્ઠ માર્ગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.