બમ બમ ભોલે…: શિવનાદ સાથે લોક વિનાના મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ

સાધુ, સંતો, અધિકારીઓ દ્વારા ભવનાથ મંદિરે વિધિવત પૂજન અને ધ્વજારોહણ કરાયું: નાગા સાધુઓએ ધુણા ધખવ્યા: ભવનાથમાં લોકોને પ્રવેશબંધી: અન્નક્ષેત્રો ઉતારા મંડળ બંધ: ભવનાથનો મેળા વિસ્તાર ખાલીખમ

ગીરીવર ગિરનારની ગોદમાં મહા વદ નોમથી મહાશિવરાત્રી સુધીના પાંચ દિવસીય લોકમેળો કોરોનાનાં કારણે બંધ રખાયો છે, ત્યારે પરંપરા જાળવવા ગઈકાલે સાધુ, સંતો, પદાધિકારીઓ  તથા જિલ્લા વહિવટીતંત્રના અધીકારીઓ દ્વારા ભવનાથ મંદિરે પૂજન અને ધ્વાજારોહણ કરાયા બાદ સાધુ સંતો માટેનો  ભવનાથ મેળાનો હર હર મહાદેવના નાદ સાથે વિધિવત્ત પ્રારંભ થઇ ચૂક્યો છે. દશકાઓથી યોજાતા ભવનાથ તીર્થ શ્રેત્રાના ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા ભાતીગળ ભવનાથના મેળાને આ વખતે કોરોના ભરખી ગયો છે, અને આ લોક મેળો આ વર્ષે લોકો માટે નહિ પરંતુ માત્ર પરંપરા જાળવવા સાધુ, સંતો અને મહંતો માટે જ યોજવામાં આવે તેવું નક્કી કરાયું છે ત્યારે ગઈકાલે રવિવારે સવારે 10 વાગ્યે સાધુ-સંતો-મહંતો, જૂનાગઢ મેયર, સહિતના મનપાના પાદાધીકારીઓ, જિલ્લા વહીવટીતંત્રનાં વડા કલેકટર, મનપા કમિશ્નર, અને ભાજપાના આગેવાનોની ઊપસ્થિતીમાં જય ગિરનારી અને બમ-બમ ભોલેના નાદ સાથે આધ્યાત્મીક મંગલમય વાતાવરણમાં ભવનાથ મંદિરે પૂજન અને ધ્વાજારોહણ  કરવામાં આવ્યુ હતુ.

સંતો-મહંતોની હાજરીમાં ભવનાથ મંદિરે ધજા ચઢાવીને પરંપરાગત મહાશિવરાત્રીના મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથોસાથ પરંપરા મુજબ જૂના અખાડા, પંચ દશનામ અખાડા, અગ્નિ અખાડા ભારતી આશ્રમ અને રૂદ્રભારતી જાગીર આશ્રમ ખાતે પણ ધજા ચઢાવવામાં આવી હતી. બાદમાં દેશ ભરમાંથી આ પાવન તપ ભૂમિ પર જપ, તપ અને આરાધના કરવા પધારેલ સાધુ, સંતો, તપસ્વીઓ તથા નાગા સાધુઓએ ધૂણા ધખાવીને અલખની હેલી જગાવી હતી, અને હવે આ સાધુ, સંતો, તપસ્વીઓ આગામી પાંચ દિવસ સુધી શિવમય બની શિવજીની આરાધનામાં મગ્ન બનશે.

દર વર્ષે આજના મહા વદને નોમ ના દિવસથી જ હજારો ભાવિકો આ મેળાને માણવા પહોંચી જતા હોય છે અને પાંચ દિવસ દરમિયાન આશરે દસેક લાખ લોકો દેશ વિદેશમાંથી મેળે આવી મેળો માણતા હતા,  અને મેળો માણવા આવતા ભાવિક ભક્તજનો માટે 300 જેટલા ઉતારા મંડળ, અન્ન શ્રેત્રો, સેવાભાવી સંસ્થા અને લોકો દ્વારા ખડા થતા. જ્યા 24 કલાક વિવિધ ભાતના ભોજન, મિષ્ટાન અને નાસતા, ચા, સરબતનું વિતરણ ભાવથી અને ની:શુલ્ક થતું, ભાવિકોના આરામ માટે, ગાદલા, તકિયા અને પાગરણની વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા કોરોનાનાં કારણે મેળો બંધ રાખવાના લેવાયેલ નિર્ણયથી ભાવિકો જ ના હોવાથી સાધુ, સંતો માટે  સતાધાર ધામ, આપા ગીગા ના ઓટલા સિવાય એક પણ અન્નશ્રેત્ર મેળામાં નથી.

વૈશ્વિક મહામારી કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે  શિવરાત્રીના મેળા દરમ્યાન જૂનાગઢના નાગરિકો સહિત મેળો માણવા આવતા બહારના લોકો માટે પણ પ્રવેશબંધી કરી દેવામાં આવી છે ત્યારે ભવનાથ તરફ જતા માર્ગ પર પોલીસની સંખ્યા વધુ દેખાઈ રહી છે, સ્મશાન પાસેથી જ લોકોને આગળ જવા દેવામાં નથી આવતા ત્યારે મેળા દરમિયાન ભવનાથના માર્ગો અને ભવનાથ શ્રેત્ર હકડેઠાઠ હોય તેના બદલે જાણે કરફ્યુ હોય તેવો ભવનાથ વિસ્તાર ભાસી રહ્યા છે.

નિજાનંદમાં મસ્ત સાધુ મહાત્માઓ, મેળે મેળે આવતા મેળાર્થીઓ, ઉતારા મંડળો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો આ મેળાને મનભરીને માણતા હતા. પરંતુ આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે મેળો બંધ રખાતાં ભવનાથ વિસ્તારમાં આવેલી દુકાનોમાં ગ્રાહકો વગરના જાણે કાગડા ઉડી રહ્યા છે, તો હજારોની સંખ્યામાં મેળાનો વેપાર કરવા નાના, મોટા વેપારીઓથી રસ્તાની બંને સાઈડો પેક હોય પણ આ વર્ષે આવા વેપારીઓની સાથે જૂનાગઢના મજુરથી લઈને રિક્ષા ચાલકો, વેપારીઓ અને અંક ધંધાર્થીઓ ધંધો બંધ રહેતા ખાસ કરીને જૂનાગઢની કરોડો રૂપિયાની આમદાની અટકી જવા પામી છે. સંતો અને તંત્રના અધિકારીઓ દ્રવારા આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે મેળો બંધ રખાતાં ભવનાથનો મેળો માણવા લોકો ના આવે અને સહકાર આપવામાં આવે તેવો અનુરોધ કરાયો છે.

જૂનાગઢનો ભવનાથનો મેળો આમ જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે, પરંતુ આજે મેળાના ધજા રોહન પ્રસંગે અને બાદમાં આખો દિવસ ભવનાથ ક્ષેત્રમાં રાજકીય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં વગર પાસ, પરમીટે મહાલી રહ્યા હતા. અને સેલ્ફીઓ પાડી સોશિયલ મીડિયા ઉપર મૂકી વટ મારી રહ્યા હતા.