Abtak Media Google News

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સામે પ્રથમ મોટો પડકાર: મેયર પદ મહિલા અનામત હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે મજબૂત અને અનુભવી નગરસેવકને મૂકવા પડશે

રાજકોટ મહાનગરપાલિકાના મેયર સહિતના વર્તમાન પાંચેય પદાધિકારીઓની અઢી વર્ષની મુદ્ત સાતમ-આઠમના તહેવાર બાદ તુરંત એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ પુરી થઇ રહી છે. મેયર પદની હવે પછીની અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત છે. લોકસભાની ચૂંટણીના આડે પણ આઠ માસનો સમય બાકી રહ્યો છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સામે પ્રથમ પડકાર આવ્યો છે. નવી ટીમ બનાવવા માટે સિનિયોરિટી અને જ્ઞાતિ-જાતિના સમીકરણો બંધ બેસતા નથી. મેયર પદ મહિલા માટે અનામત હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ફરજિયાત મજબૂત અને અનુભવી નગરસેવકને બેસાડવા પડશે.

વર્તમાન બોર્ડમાં ભાજપના પ્રતિક પરથી ચૂંટાયેલા 68 પૈકી માત્ર 17 નગરસેવકો પાસે જ અનુભવ છે. બાકીના બિનઅનુભવી છે. વર્તમાન મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળાની મુદ્ત આગામી 12મી સપ્ટેમ્બરે પૂર્ણ થઇ રહી છે. મેયર પદની હવે પછીની અઢી વર્ષની ટર્મ મહિલા કોર્પોરેટર માટે અનામત છે. જાણીતા ગાયનેક ડો.દર્શના પંડ્યા, ઉપરાંત ભારતીબેન પરસાણા, જ્યોત્સનાબેન ટીલાળા, નયનાબેન પેઢડિયા અને વર્ષાબેન રાણપરાના નામો ચર્ચામાં છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં પાટીદાર સમાજ એક જ ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ પદે સવર્ણ સમાજમાંથી આવતા મુકેશ દોશીની વરણી કરવામાં આવી હોય આવામાં હવે પાટીદાર સમાજને રાજી રાખવા મેયર પદ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આવામાં ભારતીબેન પરસાણાને વધુ તક છે. જો કે કોઠારિયાને મેયર પદ આપવું કે કેમ? તે પણ મોટો સવાલ છે. જ્યોત્સનાબેન ટિલાળા અનુભવી છે. આવામાં તેઓ માટે ચાન્સ વધી જાય છે.

જો પાટીદાર સમાજને મેયર પદ ન આપવામાં આવે તો ડો.દર્શનાબેન પંડ્યા માટે તક વધી જાય છે.

ડેપ્યુટી મેયર પદે કંચનબેન સિધ્ધપુરાની વરણી કરાયાને છ માસ પણ નથી થયા પરંતુ તેઓને રિપીટ કરાય તેવી શક્યતા નહિવત જણાય રહી છે. કોર્પોરેશનમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ મુખ્ય હોદ્ાઓ છે. મેયર પદ મહિલા માટે અનામત હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મજબૂત અને અનુભવી નગરસેવકની નિયુક્તી કરવામાં આવશે તે નિશ્ર્ચિત છે. મેયર પદ પાટીદાર સમાજને અપાશે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ ઇત્તર જ્ઞાતિને અપાશે. વિધાનસભામાં શહેરની ચાર પૈકી માત્ર એક જ બેઠક પર પાટીદારને આપવામાં આવી હતી. આવામાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી એમ બંને હોદ્ાઓ પાટીદાર સમાજને આપવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. ખડી સમિતિના ચેરમેન પદ માટે હાલ મનિષ રાડીયા, જયમીન ઠાકર, નેહલ શુક્લ, દેવાંગ માંકડ, અશ્ર્વિન પાંભર અને કેતન પટેલના નામો ચર્ચામાં છે.

અનુભવ અને બે ટર્મ દરમિયાન બિન વિવાદાસ્પદ કામગીરીને ધ્યાનમાં પુષ્કર પટેલને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા પણ થોડા ઘણા અંશે છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવી ટીમમાં જ્ઞાતિ-જાતિના સમિકરણો ફરજિયાત પણે ફીટ બેસાડવા પડશે. પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે સિનિયોરિટી અને જ્ઞાતિ-જાતિના સમિકરણો મુજબ નવી ટીમની રચના કરવી અઘરી બની છે. આગામી દિવસોમાં પ્રદેશ હાઇકમાન્ડના આદેશ બાદ શહેર સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં નવા પદાધિકારીઓની નિમણુંક માટેની પ્રાથમિક રૂપરેખા તૈયાર કરવામાં આવશે. રાજ્યની છ મહાનગર પાલિકાના વર્તમાન પદાધિકારીઓની મુદ્ત 9 થી 12 સપ્ટેમ્બરે પૂર્ણ થઇ રહી છે. ત્યારે તમામ મહાપાલિકામાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવી ટીમ બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.